વરસાદની સીઝનમાં બહાર પાણીપુરી કેમ ન ખાવી જોઈએ?
- પાણીપુરી દરેક વ્યક્તિનું સૌથી ફેવરિટ સ્ટ્રીટ ફૂડ છે, જેના નામથી જ મોંમા પાણી આવી જાય છે, પરંતુ વરસાદની સીઝનમાં તેનું સેવન ન કરવું જોઈએ
HD ન્યુઝ ડેસ્કઃ દેશમાં ગમે તે જગ્યાએ જાવ તમને પાણીપુરીની લારી તો મળી જ આવશે. લોકો લારીઓ પર પાણીપુરી ખાવાનું ખુબ જ પસંદ કરે છે. આ સૌથી ફેવરિટ સ્ટ્રીટ ફૂડ છે, જેના નામ માત્રથી જ મોઢામાં પાણી આવી જાય છે, પરંતુ શું તમે જાણો છો કે વરસાદની સીઝનમાં તેનું સેવન ન કરવું જોઈએ. શક્ય હોય તો બહારની પાણીપુરી ન જ ખાવી જોઈએ, પરંતુ વરસાદમાં તો તે નિષેધ જ છે. દેશભરમાં અનેક જગ્યાએ પાણીપુરી ખાવાથી લોકોમાં ટાઈફોઈડ, કોલેરા અને પેટમાં ઈન્ફેક્શનના કેસ જોવા મળ્યા છે. થોડા દિવસ પહેલા કર્ણાટકમાં પાણીપુરીના પાણીમાં FSSAIને ખતરનાક તત્વો મળ્યા હતા. આ બધી બાબતોને જોતા વરસાદની સીઝન પુરતી પાણીપુરી રસ્તા પરની લારીઓમાં ન ખાવી જોઈએ.
પાણીપુરી આરોગ્યને કેવી રીતે નુકસાન પહોંચાડે છે?
ઈન્ટરનલ મેડિસિન ડિપાર્ટમેન્ટના નિષ્ણાતો કહે છે કે વરસાદની સીઝનમાં પાણીપુરી અવોઈડ કરવી જોઈએ. તે ફુડ અને વોટર બોર્ન ડિસીઝ ફેલાવી શકે છે. વરસાદની સીઝનમાં ફક્ત ડેન્ગ્યુ અને મલેરિયા જ નહીં, પરંતુ પેટનું ઈન્ફેક્શન, કોલેરા અને ઝાડાનું જોખમ પણ નોંધપાત્ર રીતે વધી જતુ હોય છે. જો પાણીપુરી પીરસનાર કે બનાવનાર વ્યક્તિ મોજા પહેર્યા વગર પાણીપુરી આપે છે તો તેના હાથ પર લાગેલા બેક્ટેરિયા, વાયરસ અને ફંગસ પાણીપુરીના પાણીમાં ભળી શકે છે, આવી સ્થિતિમાં પાણીપુરી ખાનારા વ્યક્તિ બીમાર પડી શકે છે.
પાણીપુરી ખાવાથી થઈ શકે છે ગંભીર બીમારીઓ
પેટનું ઈન્ફેક્શન, કોલેરા, ઝાડા, મરડો અથવા અન્ય ઈન્ફેક્શન થઈ શકે છે. ક્યારેક તે હળવા હોય છે, જેમાં દર્દી ઈલેક્ટોરલ પાઉડર પીવાથી સાજો થઈ જાય છે, જ્યારે ક્યારેક ઈન્ફેક્શન ગંભીર બની જાય છે અને લોકોને હોસ્પિટલમાં જવું પડે છે. ઘણા કિસ્સાઓમાં, આ ચેપ બ્લડ પ્રેશર, કિડની અને યુરિનની સમસ્યાઓનું કારણ બની જાય છે, જેના કારણે તેમને હોસ્પિટલમાં આઈવી ફ્લુડ અને એન્ટિબાયોટિક્સ આપવી પડે છે. ખાસ કરીને જે લોકોની પાચન શક્તિ નબળી હોય તેમણે રસ્તામાં મળતી પાણીપુરી ખાવાનું ટાળવું જોઈએ.
ઘરે જ બનાવીને ખાવ
તાજેતરમાં કર્ણાટકમાં FSSAIએ પાણપુરીના સેમ્પલ્સ લીધા તેમાં જાણવા મળ્યું હતું કે પાણીપુરી બનાવતી વખતે વિવિધ કલર્સ અને ફ્લેવર્સનો ઉપયોગ કરવામાં આવે છે, જે શરીરમાં કેન્સરના ખતરોને વધારે છે. તેનાથી કેન્સર સહિત અનેક જીવલેણ રોગોનો ખતરો પણ વધી જાય છે. આવી સ્થિતિમાં લોકોએ બહાર પાણીપુરી ખાવાના બદલે ઘરે જ બનાવીને ખાવી જોઈએ.
આ પણ વાંચોઃ શ્રાવણમાં હેલ્ધી ફાસ્ટિંગ માટે રાખો આ વાતનું ધ્યાન, નહીં થાય નુકસાન