અચાનક નોઈડાની વિવિધ NGOને ફોન આવવા લાગ્યા. લોકો પોતાના પાલતુ શ્વાનને સાથે રાખવા તૈયાર નથી. મોટો ખર્ચ કરીને ઘરે લાવ્યા, તેની ફૂડ સહિતની સુવિધાઓ માટે મહિને માતબર રકમનો ખર્ચ કરનાર માલિકોને હવે પોતાના જ પાલતુ પિટબૂલથી ડર લાગી રહ્યો છે કે જો તે ગુસ્સે થશે તો મારી નાંખશે. આ ડરનું કારણ છે લખનૌમાં બનેલી ઘટના.
શા માટે છે પિટબુલનો ખૌફ ?
ઘટના જુલાઈ મહિનાની છે. જ્યારે ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં પાલતુ પિટબૂલ શ્વાને કરડી લેતા માલકણનું મોત થયું છે. શહેરના કેસરબાગ પોલીસમથક વિસ્તારમાં એક 80 વર્ષીય મહિલા તેના દિકરાના પાલતુ પિટબુલને ટેરેસ પર ફેરવવા લઈ ગઈ હતી. નિવૃત શિક્ષિકા એવી આ મહિલા પર અચાનક જ પિટબુલે હુમલો કરી દીધો. હાડકા અને માંસ અલગ થઈ જાય તે રીતે શ્વાને મહિલાને બટકા ભર્યા હતા.
અનેક લોકો કરી રહ્યા છે NGOનો સંપર્ક
પ્રાણીઓમાં સૌથી પાળીતા ગણાતા આ શ્વાનનો આવો વ્યવહાર જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. આ સમાચારને કારણે દિલ્હી-એનસીઆરના વિવિધ વિસ્તારોમાં એવો તો ખૌફ જોવા મળી રહ્યો છે કે પિટબુલના અનેક માલિકો હવે તેને પોતાની સાથે રાખવા તૈયાર નથી અને NGOનો સંપર્ક કરી રહ્યા છે. માલિકો NGOના દરવાજે પિટબુલને બાંધી ગયા હોવાના કેટલાક કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદની પુસ્તક પ્રેમી જનતા માટે કલમ કાર્નિવલનું આયોજન
માલિકોને લાગી રહ્યો છે ડર
એક NGOના જણાવ્યા અનુસાર તેમને લગભગ 200 ફોન કોલ્સ આવ્યા છે. જેમાં માલિકો તેમના પાલતુ પિટબુલને ઘરે રાખવાથી ડરતા હોવાને કારણે ત્યાં છોડી જવા માંગે છે. એટલું જ નહીં રાત્રે કેટલાક માલિકો તેમના પાલતુ પિટબુલને NGOના દરવાજે બાંધી ગયા. જે ખૂબ ખતરનાક છે.પાલતુ પિટબુલને જાહેરમાં બાંધવા ખતરનાક
NGOના જણાવ્યા પ્રમાણે પાલતુ પિટબુલને પણ આ રીતે રસ્તા પર છોડવા ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે તે રસ્તેથી પસાર થતા કોઈપણ વ્યક્તિ પર હુમલો કરી શકે છે. તેથી જો માલિકો તેમના પાલતુ શ્વાનને રાખવા ન માંગતા હોય તો તેઓએ યોગ્ય NGOનો સંપર્ક કરી તેમને સોંપી દેવા જોઈએ.