મોરબી નગરપાલિકાને સુપરસીડ કેમ ન કરવી ? સરકારે આપી નોટીસ


મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા સર્જાયેલી દુર્ઘટનાના આફટર શોક હજુ શમ્યા નથી અને હાઈકોર્ટ સુધી થયેલી કાર્યવાહી બાદ મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા અંગે હિલચાલ જોવા મળતી હોય છે જેમાં આજે સરકારે મોરબી નગરપાલિકાને નોટીસ ફટકારીને નગરપાલિકા સુપરસીડ કેમ ના કરવી તેનો જવાબ આપવા એક સપ્તાહની મુદત આપી છે અને તા.25 સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે.

અગાઉ સરકારે ન.પા. સુપરસીડ કરવાનું કોર્ટમાં કહ્યું હતું
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડ્યાને અઢી માસનો સમય વીતી ચુક્યો છે દરમિયાન ઝૂલતો પુલ તૂટી પડતા હાઈકોર્ટમાં સુઓમોટો હેઠળ સુનાવણી કેસની સુનાવણી ચાલી રહી છે જેમાં અગાઉ સરકાર પક્ષે નગરપાલિકા સુપરસીડ કરવામાં આવશે તેવું કોર્ટને જણાવ્યું હતું જોકે સરકારે તે જવાબ રજુ કર્યાના આટલા દિવસો વીત્યા બાદ પણ સુપરસીડ અંગે કોઈ હિલચાલ જોવા મળતી ના હતી.

સરકાર પક્ષે શહેરી વિકાસ વિભાગ દ્વારા નોટીસ આપવામાં આવી
દરમિયાન આજે અચાનક નગરપાલિકા સુપરસીડ બાબતે હલચલ જોવા મળી હતી જેમાં સરકાર પક્ષે શહેરી વિકાસ વિભાગ દ્વારા નગરપાલિકાને નોટીસ આપવામાં આવી છે જે નોટીસમાં નગરપાલિકાને સુપરસીડ કેમ ના કરવી તે અંગે તા. ૨૫ સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે ઝૂલતો પુલ દુર્ઘટનાને પગલે નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સુપરસીડ કરવામાં આવશે તેવી ચોરે ને ચોટે ચર્ચાઓ પણ લાંબા સમયથી ચાલી રહી હતી. જેમાં આજે નગરપાલિકાને નોટીસ મળી છે ત્યારે તાકીદે સામાન્ય સભા બોલાવવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને તમામ સભ્યોના અભિપ્રાય મેળવીને તા.25 સુધીમાં આ અંગે જવાબ આપવાનો છે ત્યારે હવે નગરપાલિકાની સામાન્ય સભા ક્યારે બોલાવાય છે અને તેમાં સભ્યો કેવો અભિપ્રાય આપે છે તેમજ બાદમાં શહેરી વિકાસ વિભાગ કેવી કાર્યવાહી કરે છે તેના પર સૌની મીટ મંડાઈ છે.