ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ
સારા માણસ સાથેની તસવીર સ્ટેટસમાં મૂકવામાં શું વાંધો ? રૂપાણી સાથેના ફોટો અંગે આવું કોણે કહ્યું ?
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આગામી ડિસેમ્બર મહિનામાં નવી સરકાર રચાઈ જવાની છે. ત્યારે સ્વાભાવિક છે કે રાજકારણમાં ઉતાર ચડાઉ શરૂ થવાના જ હોય અને થઈ પણ ગયા છે. થોડા સમય પહેલા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસમાં નારાજગી વ્યક્ત કરીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. બાદમાં કમલમ ખાતે કેસરીયો ધારણ કરી ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો હતો. ત્યારે હાર્દિકના એક સમયના સાથી અને ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પણ કેસરીયો ધારણ કરવાના મૂડમાં હોય તેવી ચર્ચા ઉઠી હતી.
રૂપાણી સાથેના સ્ટેટ્સથી ચર્ચાને મળ્યો વેગ
દરમ્યાન તેઓએ પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ગહન વાર્તાલાપ કરતો એક ફોટો મુક્યો હતો. જેના કારણે આ ચર્ચાને વધુ વેગ મળ્યો હતો અને તેઓ ક્યારે રાજીનામું આપી ભાજપમાં જોડાશે તેની વાતો થવા લાગી હતી. જો કે આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે, સારા માણસ સાથેની તસવીર સ્ટેટસમાં મૂકવામાં શું વાંધો.
કોંગ્રેસના ગ્રુપમાંથી લેફ્ટ થતાં વાત વધુ વિસ્તરવા લાગી
ઉલ્લેખનીય છે કે, વસોયા ભાજપમાં જોડાઈ છે તેવી અટકળો ઘણા સમયથી ચાલતી હતી પણ તેઓ મગનું નામ મરી પાડતા ન હતા અને હજુ પણ પાડતા જ નથી. તેવામાં સૌપ્રથમ તેઓ કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ થઈ ગયાના સ્ક્રીનશોટ વાયરલ થતાં તેઓ કોંગ્રેસના મવડી મંડળથી નારાજ છે તે વાતનું વિસ્તરણ થયું હતું.