17 મે, અમદાવાદ: BCCI એ રાહુલ દ્રવિડ દ્વારા ફરીથી ટીમ ઇન્ડિયાનો કોચ બનવા અંગે કોઈ રસ ન દેખાડતા હવે તે માટેની જાહેરાત કરી દીધી છે. આ માટે અનેક દિગ્ગજોના નામ ચર્ચાઈ રહ્યા છે પરંતુ તેની સાથે અમુક દિગ્ગજ ખેલાડીઓ આ પદ માટે તૈયાર ન હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન અને ઇન્ડિયા A ટીમના કોચ વીવીએસ લક્ષ્મણ ટીમ ઇન્ડિયાના નવા કોચ બનવા માટે તૈયાર નથી એવું જાણવા મળ્યું છે. તો ટીમ ઇન્ડિયાનો કોચ બનવા માટે કેમ મોટા મોટા ખેલાડીઓ તૈયાર નથી થતા તે માટેના પાંચ કારણો સામે આવ્યા છે. ચાલો તેના વિશે વિસ્તારથી જાણીએ.
પહેલું કારણ એ છે કે ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કોચ ઉપર ફેન્સ અને BCCI અધિકારીઓનું જબરદસ્ત દબાણ હોય છે. ભારતીય ફેન્સ દ્વારા ટીમ તરફથી ક્યારેય પરાજયનો સ્વીકાર કરવામાં આવતો નથી. તેમને ટીમ દરેક મેચ જીતે તેવી જ આશા હોય છે, આથી મેચ હારવાની પરિસ્થિતિમાં કોચ સુદ્ધાંનું અપમાન થતું હોય છે. આ ઉપરાંત BCCIના ઉચ્ચ અધિકારીઓ પણ કોચને મેચ જીતાડવા માટે સતત દબાણ કરતા હોય છે.
બીજું કારણ એ છે કે એક કોચને વર્લ્ડ કપથી વર્લ્ડ કપ સુધીનો કાર્યકાળ મળ્યો હોય છે, પરંતુ ઘણી વાર તો તેનાથી પણ ઓછો સમય મળે છે અને આ ટૂંકા સમયમાં કોચ પાસેથી શ્રેષ્ઠ રીઝલ્ટ મેળવવાની આશા હોય છે. આ કારણસર કોચ ઉપર અકારણ દબાણ આવી જાય છે.
ત્રીજું અને મહત્વનું કારણ એ છે કે એક વખત ટીમ ઇન્ડિયા માટે કોઈ કોચ બની જાય છે તો પછી તે અન્ય લીગમાં જઈને કોઈ ટીમનું કોચિંગ કરી શકતો નથી અને જો બને છે તો પારસ્પરિક હિતોનો ટકરાવ થતો હોય છે.
ટીમ ઇન્ડિયા સતત આખું વર્ષ ક્રિકેટ રમતી રહે છે તે ચોથું કારણ છે. ભારતીય ક્રિકેટ ટીમનો કોચ 365 દિવસ ટીમ સાથે ટ્રાવેલ કરતો હોવાથી તે પોતાના પરિવારથી દૂર રહે છે. જો કોચ ભારતીય હોય તો ખાસ વાંધો નથી આવતો પરંતુ જો કોચ વિદેશી હોય તો તેને લાંબા સમય સુધી પરિવારથી દુર રહેવું પોસાતું નથી હોતું.
પાંચમું અને અંતિમ કારણ છે વિશ્વભરમાં વિવિધ ક્રિકેટ લીગ્સનું શરુ થવું. IPL બાદ વિશ્વનાં મોટાભાગના ટેસ્ટ રમતા દેશો પોતાની લીગ શરુ કરી ચુક્યા છે. આ લીગ એક થી બે મહિનાની હોય છે, આથી જે કોઈ પણ પૂર્વ ખેલાડી કોચિંગમાં માહેર હોય તેણે આખા વર્ષમાં ફક્ત આટલો જ સમય કામ માટે કાઢવો પડે છે. જો તે એકથી વધુ લીગ્સમાં પણ કોચિંગ આપે તો પણ તે પરિવારથી સતત દૂર રહેતો નથી.