ભગવાન શિવને કેમ નથી ચઢાવાતા સિંદુર, હળદર, તુલસી અને…
મહાદેવજીની ઉપાસનાથી વ્યક્તિને જીવનમાં સંપુર્ણ સુખ પ્રાપ્ત થાય છે. ભગવાન શિવની પુજા કરતી વખતે તેમને જળ, દુધ, બિલીપત્ર, ભાંગ, ધતુરો જેવી સામગ્રી ચઢાવવામાં આવે છે, પરંતુ ક્યારેય સિંદુર, તુલસીપત્ર, હળદર ચઢાવાતા નથી. શું છે તેની પાછળનું કારણ.
સિંદુર શિવજીને વર્જીત છે
ભગવાન શિવની પુજા દરમિયાન ક્યારેય સિંદુર ચઢાવાતુ નથી કેમકે હિન્દુ ધર્મમાં મહિલાઓ સિંદુર પોતાના પતિની લાંબી ઉંમર માટે લગાવે છે, જ્યારે ભગવાન શિવનું એક રૂપ સંહાર કરનારુ પણ માનવામાં આવે છે. તેમના સંહારક રૂપના લીધે શિવલિંગ પર સિંદુર ચઢાવવું વર્જિત માનવામાં આવે છે.
શિવલિંગ પર કેમ ચઢાવાતી નથી હળદર?
હિન્દુ ધર્મમાં હળદરને અત્યંત શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે. તેમ છતાં પણ શિવ પુજનમાં તેનો પ્રયોગ કરાતો નથી. શિવલિંગ પુરુષ તત્વનું પણ પ્રતિક ગણાય છે. હળદરનો સંબંધ સ્ત્રી સાથે હોય છે. આજ કારણ છે કે ભોળેનાથને હળદર ચઢાવાતી નથી.
શિવલિંગ પર કેમ નથી ચઢાવાતા તુલસીપત્ર
પુર્વજન્મમાં તુલસી રાક્ષસ કુળમાં જન્મી હતી અને તેનું નામ વૃંદા હતુ, જે ભગવાન વિષ્ણુની પરમભક્ત હતી. વૃંદાના વિવાહ દાનવ રાજ જલંધર સાથે થયા હતા. જલંધરને પોતાની પત્નીની ભક્તિ અને વિષ્ણુ કવચના લીધે અમર થવાનું વરદાન મળ્યુ હતુ. એક વાર જ્યારે જલંધર દેવતાઓ સાથે યુદ્ધ કરી રહ્યો હતો ત્યારે વૃંદા પૂજામાં બેસીને પતિની જીતનું અનુષ્ઠાન કરવા લાગી. વ્રતના પ્રભાવથી જલંધર હારી રહ્યો ન હતો. ત્યારે ભગવાન શિવે તેનો વધ કર્યો. પોતાના પતિના મૃત્યુથી વૃંદા ખુબ જ દુખી થઇ અને તેણે ક્રોધિત શિવજીને શ્રાપ આપ્યો કે તેમની પૂજામાં ક્યારેય પણ તુલસી દળનો ઉપયોગ નહીં થાય.
શિવલિંગ પર શંખથી ચઢાવાતુ નથી જળ
શિવલિંગ પર ક્યારેય શંખથી જળ ચઢાવાતુ નથી. શંખનો ઉપયોગ દરેક દેવી-દેવતાઓની પુજામાં કરવામાં આવે છે, પરંતુ મહાદેવજીની પુજામાં તેનો પ્રયોગ થતો નથી. શિવપુરાણ અનુસાર શંખચુડ એક મહાપરાક્રમી દૈત્ય હતો, જેનો વધ સ્વયં ભગવાન શિવે કર્યો હતો. તેથી શિવજીને ક્યારેય શંખથી જળ ચઢાવાતુ નથી.
આ પણ વાંચોઃ મહાશિવરાત્રિએ અચુક કરો આ ઉપાયઃ શનિની દશામાંથી મળશે મુક્તિ