દિવાળી પર લક્ષ્મીજીની પૂજામાં શા માટે રખાય છે કોડી?: જાણો મહત્ત્વ
- મોટાભાગના લોકો દિવાળીની પૂજામાં કોડીઓને મુખ્ય રીતે સામેલ કરે છે, જોકે તેના વિશે કોઈ વિશેષ જાણકારી હોતી નથી. આજે જાણો કોડીઓ અને દિવાળી પૂજન સાથે જોડાયેલી માન્યતાઓ અંગે
હિંદુઓનું મહાપર્વ દિવાળી ચાલી રહ્યું છે. 12 નવેમ્બર દિવાળીના દિવસે પૂજાને લઈને અલગ અલગ માન્યતાઓ છે. લોકો પોત પોતાની માન્યતા પ્રમાણે લક્ષ્મીજીની પૂજા કરે છે. પૂજા દરમિયાન કમર કાકડી, કોડીઓ, કમળનું ફુલ, લવિંગ, મખાના, દાડમના પાન, બુંદીના લાડુ સામેલ કરે છે. મોટાભાગના લોકો દિવાળીમાં લક્ષ્મીજીની પૂજામાં કોડીઓને મુખ્ય રીતે સામેલ કરે છે, જોકે તેના વિશે કોઈ વિશેષ જાણકારી હોતી નથી. આજે જાણો કોડીઓ અને દિવાળી પૂજન, લક્ષ્મીજી પૂજન સાથે જોડાયેલી માન્યતાઓ અંગે, જેના વિશે બહુ ઓછા લોકોને ખ્યાલ છે.
કોડીઓને આ રીતે કરો સામેલ
મોટાભાગના લોકો લક્ષ્મીજીના પૂજનમાં સફેદ કલરની કોડીઓને સામેલ કરે છે, પરંતુ પીળા રંગની કોડીઓ ખાસ કરીને દુર્લભ માનવામાં આવે છે. આ કોડીની માતા લક્ષ્મી અને ગણેશજી સાથે પાંચ દિવસ સુધી પૂજા થાય છે. પાંચ દિવસ બાદ આ કોડીઓને બાંધીને તિજોરીમાં લક્ષ્મીજીના ચિત્ર સાથે રાખી દો. આમ કરવાથી તિજોરી ક્યારેય ખાલી થતી નથી.
લક્ષ્મીજીનું પ્રતીક છે કોડીઓ
કોડીને ધનની દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, કેમ કે અસલી કોડીઓ સમુદ્રમાંથી નીકળે છે. સમુદ્રમાંથી મળતા શંખ અને કોડીઓને માતા લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે. આ કારણે તેને લક્ષ્મી પૂજામાં સામેલ કરવામાં આવે છે.
આર્થિક તંગીમાંથી મળે છે મુક્તિ
કોડીઓ સમુદ્રમાં મળી આવતા જીવની અસ્થિ હોય છે. તેનામાં ધન આકર્ષણનો ગુણ સ્વાભાવિક હોય છે. આ કારણે તેને તિજોરીમાં ધનની પાસે રાખવામાં આવે છે. લક્ષ્મી પૂજનમાં કોડીઓ સામેલ કરવાથી ઘનની બરકત આવે છે અને આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે.
આ પણ વાંચોઃ દિવાળી નિમિતે 51 ઘાટ પર 24 લાખ દીવા પ્રગટાવી ‘વર્લ્ડ રેકોર્ડ’ બનાવવા અયોધ્યા સજજ