19 મે, મુંબઈ: ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનીંગ બેટ્સમેન અને કોચ જસ્ટિન લેંગર ભારતના કોચ બનવા માંગે છે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં તેમણે રસપ્રદ જવાબો આપ્યા હતા. લેંગર આ IPL સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સને કોચિંગ આપી ચૂક્યા છે. લખનૌની ટીમ જે તેની IPLની એન્ટ્રીના ત્રણ વર્ષમાં પહેલી વખત પ્લેઓફ્સ માટે ક્વોલીફાય નથી થઇ.
જસ્ટિન લેંગરને પત્રકારોએ પૂછ્યું હતું કે શું તેમને પણ BCCI દ્વારા ભારતના કોચ બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે? આ પ્રશ્નના જવાબમાં લેંગરે કહ્યું હતું કે ભારતીય ટીમનું કોચ બનવું અત્યંત રસપ્રદ રહેતું હોય છે. જસ્ટિન લેંગર એવું માને છે કે ટીમ ઇન્ડિયાના કોચ બનવું એ સમગ્ર ક્રિકેટ વિશ્વમાં સહુથી મોટું કાર્ય હોય છે.
ભારતીય ટીમના કોચ ઉપર ખૂબ મોટી અપેક્ષા હોય છે. આવું કામ કરવાનું મને જરૂર ગમશે. એમાં પણ જો કોચિંગના કાર્યકાળ દરમ્યાન કેટલીક IPL ટ્રોફીઓ ટીમ જીતી જાય તો તેનાથી વધુ સારો અને મહાન અનુભવ બીજો કોઈ પણ નહી હોય. પરંતુ બાદમાં જસ્ટિન લેંગરે જે જવાબ આપ્યો તે તેમની સાચી ઈચ્છા વ્યક્ત કરી ગયો હતો.
લેંગરે કહ્યું હતું કે ટીમ ઇન્ડિયાના કોચ બનવામાં કશો જ વાંધો નથી, તેમાં મજા પણ આવશે, પરંતુ આ કાર્ય ખૂબ લાંબુ અને થકવી નાખનારું હોય છે. જસ્ટિન લેંગરે પોતાના ઓસ્ટ્રેલિયા ટીમના કોચિંગના અનુભવને પણ આ સમયે ટાંક્યો હતો. લેંગરનું કહેવું હતું કે ટીમ ઇન્ડિયાનો કોચ ખૂબ કઠીન પરિસ્થિતિઓમાંથી પસાર થતો હોય છે.
તેમણે આગળ કહ્યું હતું કે આ ટીમનો કોચ બનવું એ તમને થકવી નાખતું હોય છે. તમે આ પ્રશ્ન હાલના કોચ રાહુલ દ્રવિડને પૂછશો તો તે પણ એમ જ કહેશે. તો તમે આ જ પ્રશ્ન અગાઉના કોચ રવિ શાસ્ત્રીને પૂછશો તો તે પણ હા જ પાડશે. આ ઉપરાંત ટીમ ઇન્ડિયાનો કોચ બનવું હોય તો યોગ્ય સમયની રાહ જોવી પડતી હોય છે. આ સમય આવ્યા પહેલા અને પછી જો તમે ટીમના કોચ બનશો તો કોઈજ ફાયદો નથી.
જસ્ટિન લેંગરના આ નિવેદન બાદ એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે ટીમ ઇન્ડિયાના આગામી કોચ તરીકેની રેસમાંથી તેમણે જાતે જ પોતાનું નામ પરત લઇ લીધું છે.