શિવજીને જળ અને શ્રાવણ કેમ છે અતિશય પ્રિય? શિવપુરાણ આપે છે પાંચ કારણ
- આમ તો શિવજીને જળ બારેમાસ પ્રિય હોય છે, પરંતુ શ્રાવણ માસ અને શ્રાવણમાં જળ તેમને વધુ પ્રિય છે. શિવપુરાણમાં તેના કારણો જણાવાયા છે
HD ન્યુઝ ડેસ્કઃ શિવપુરાણમાં દેવાધિદેવ મહાદેવને શ્રાવણ ખૂબ જ પ્રિય હોવાના પાંચ પ્રમુખ કારણ જણાવાયા છે. બ્રહ્માજીના પુત્ર સનત કુમારોએ શિવજીને પ્રશ્ન કર્યો હતો કે તમને શ્રાવણ મહિનો શા માટે પ્રિય છે? તો શિવજીએ તેમને પાંચ કારણ જણાવ્યા હતા. શિવજીને જળ અને શ્રાવણ શા માટે પ્રિય છે તેના કારણો જાણો
પહેલું કારણ
રાજા દક્ષના યજ્ઞમાં આત્મદાહ પછી માતા સતીનો જન્મ માતા પાર્વતીના રૂપમાં થયો હતો. માતા પાર્વતીએ ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. જેના કારણે શિવજીએ શ્રાવણના મહિનામાં માતા પાર્વતી સાથે લગ્ન કર્યા હતા. તેથી જ તેમને આ મહિનો ગમે છે.
બીજું કારણ
દેવો અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું હતું. મંથનમાં સૌથી પહેલા વિષ બહાર નીકળ્યું. શિવજીએ તેને પોતાના ગળામાં ધારણ કરી લીધું. ઝેરના કારણે તેમના શરીરનું તાપમાન વધવા લાગ્યું, તેથી દેવતાઓએ તેમના પર શીતળ જળ નાંખીને દેવાધિદેવના તાપને શાંત કર્યો ત્યારથી શિવજીને જળ અતિશય પ્રિય છે.
ત્રીજું કારણ
વરસાદ દરમિયાન ઘણી જગ્યાએ શિવલિંગ પાણીમાં ડૂબી જાય છે. શિવલિંગની ઉપર એક કલશ લટકતો હોય છે, જેમાંથી ટીપું ટીપું પાણી ટપકતું રહે છે, તેને જળાધારી કહે છે. જ્યાં જ્યાં કુદરતી શિવલિંગ છે ત્યાં પાણીનો પ્રવાહ પણ છે. તે ચોમાસામાં શીતળતા આપે છે.
ચોથું કારણ
ભગવાન શિવના મસ્તક પર ચંદ્ર અને માતા ગંગા બિરાજમાન છે, જેનો સંબંધ પણ પાણી સાથે છે. તેથી જળ શિવજીને પ્રિય છે. શિવજી જ્યાં રહે છે ત્યાં કૈલાશ પર્વતની આસપાસ બરફ છે અને ત્યાં માન સરોવર પણ છે. શ્રાવણ મહિનામાં આ પાણીની ઠંડક વધી જતી હોય છે, એટલે ભગવાન શિવને શ્રાવણ મહિનો પ્રિય છે.
પાંચમું કારણ
એવું પણ કહેવાય છે કે ભગવાન શિવ શ્રાવણ મહિનામાં પૃથ્વી પર અવતર્યા અને પોતાના સાસરે ગયા હતા. ત્યાં તેમનું સ્વાગત અર્ઘ્ય અને જળાભિષેક સાથે કરવામાં આવ્યું હતું. ત્યારથી, એવું માનવામાં આવે છે કે દર વર્ષે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ તેમના સાસરે જાય છે, તેથી આ મહિનો તેમને પ્રિય છે.
આ પણ વાંચોઃ 16 ઓગસ્ટથી સૂર્યદેવ આપશે આ રાશિઓને ખુશીઓ, ચમકાવશે કિસ્મત