ટ્રેન્ડિંગ

વસંત પંચમી શા માટે ઊજવવામાં આવે છે? શું છે તેનો ઈતિહાસ?

  • વસંત પંચમીના દિવસે સાહિત્ય, શિક્ષણ, કળા વગેરે ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો માતા સરસ્વતીની પૂજા કરે છે અને આશીર્વાદ મેળવે છે. આ દિવસથી વિદ્યારંભ સંસ્કારની શરૂઆત કરવી ખૂબ જ શુભ છે.

મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમને વસંત પંચમી તરીકે ઊજવવામાં આવે છે. તેને શ્રી પંચમી અને મહા પંચમી પણ કહેવામાં આવે છે. આ વર્ષે 14 ફેબ્રુઆરીના દિવસે વસંત પંચમીનો તહેવાર ઊજવાશે. આ તહેવાર જ્ઞાન, કળા અને સંગીતની દેવી માતા સરસ્વતીને સમર્પિત છે. આ દિવસે સાહિત્ય, શિક્ષણ, કળા વગેરે ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો માતા સરસ્વતીની પૂજા કરે છે અને આશીર્વાદ મેળવે છે. આ દિવસથી વિદ્યારંભ સંસ્કારની શરૂઆત કરવી ખૂબ જ શુભ છે. જાણો શા માટે ઊજવવામાં આવે છે વસંત પંચમી, શું છે માતા સરસ્વતી સાથે આ દિવસનો સંબંધ.

વસંતની શરૂઆત

હિંદુ પરંપરાઓ અનુસાર, સમગ્ર વર્ષને છ ઋતુઓમાં વહેંચવામાં આવે છે, જેમાં વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, પાનખર અને શિશિરનો સમાવેશ થાય છે. આ ઋતુઓમાં વસંતને તમામ ઋતુઓનો રાજા કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહા શુક્લ પંચમીથી વસંતઋતુની શરૂઆત થાય છે. આ ઋતુમાં મનુષ્યો ઉપરાંત પશુ-પક્ષીઓમાં પણ નવી ચેતનાનો સંચાર થાય છે.

વસંત પંચમી શા માટે ઊજવવામાં આવે છે? કેવી રીતે થઈ હતી શરૂઆત? hum dekhenge news

વસંત પંચમીની શરૂઆત કેવી રીતે થઈ?

એવી પૌરાણિક માન્યતા છે કે જ્યારે સૃષ્ટિના સર્જનહાર ભગવાન બ્રહ્માએ જીવો અને મનુષ્યોની રચના કરી ત્યારે સમગ્ર વિશ્વમાં સુમસામ દ્રશ્ય હતું, વિશ્વ નિર્જન દેખાતું હતું. વાતાવરણ એકદમ શાંત હતું, કોઈ અવાજ પણ નહોતો. ભગવાન બ્રહ્માએ કમંડળમાંથી પૃથ્વી પર જળ છાંટ્યું. પૃથ્વી કંપવા લાગી અને એક અદ્ભુત શક્તિના રૂપમાં ચતુર્ભૂજી સુંદર સ્ત્રી પ્રગટ થઈ. જેમના હાથમાં વીણા, માળા અને પુસ્તક હતું. માતા સરસ્વતીએ પોતાની વીણા સાથે વસંત રાગ છેડ્યો. તેના પરિણામે સૃષ્ટિને વાણી અને સંગીત મળ્યું. વાણીની સાથે સાથે દેવીએ વિદ્યા અને બુદ્ધિ પણ આપી, જેના કારણે વિશ્વને જ્ઞાનનો પ્રકાશ મળ્યો. જે દિવસે દેવી સરસ્વતી પ્રગટ થયા તે દિવસે મહા મહિનાની શુક્લ પંચમી હતી, તેથી વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે.

વસંત પંચમી પર પીળા રંગનું મહત્વ

વસંત ઋતુની શરૂઆત વસંત પંચમીથી થાય છે. ખેતરોમાં પાક થવા લાગે છે, ફૂલોની સુંદરતા પૃથ્વીની સુંદરતામાં વધારો કરે છે. જેને ઊર્જાનું સ્વરૂપ કહેવાતા પીળા રંગની મહત્તા વસંત પંચમીના તહેવારથી શરૂ થાય છે. આ દિવસે પીળા વસ્ત્રો પહેરવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

આ પણ વાંચોઃ જમ્યા બાદ ફળ ખાવાની આદત પાડી શકે છે બીમાર, તમે પણ ચેતો

Back to top button