હેલિપેડ પર “H” કેમ લખેલું હોય છે, હેલિકોપ્ટર અહીં જ કેમ ઉતરે છે?
અમદાવાદ, 10 જાન્યુઆરી : વાસ્તવિક જીવનમાં બધાએ હેલિકોપ્ટર જોયા જ હશે. પ્લેનની સરખામણીમાં હેલિકોપ્ટરની ડિઝાઈન ઘણી અલગ હોય છે તેની ઉપર એક મોટો પંખો હોય છે, આથી તેને માત્ર ખુલ્લી જગ્યામાં જ લેન્ડ કરવામાં આવે છે, જેથી પંખાના પાંખિયા આસપાસની વસ્તુઓ સાથે અથડાય નહીં. હેલિકોપ્ટર માત્ર ચોક્કસ જગ્યાએ જ લેન્ડ થાય છે જેને હેલિપેડ કહેવામાં આવે છે, તમારા મનમાં ઘણી વાર આ પ્રશ્ન થયો જ હશે કે હેલિપેડ પર H કેમ લખેલું હોય છે અને હેલિકોપ્ટર ફક્ત આના પર જ કેમ લેન્ડ થાય છે? અને હેલિકોપ્ટર લેન્ડિંગ માટે હેલિપેડ શા માટે જરૂરી છે?.
હેલિપેડ શા માટે જરૂરી છે?
હેલિકોપ્ટર જ્યાં લેન્ડ થાય છે તેને હેલિપેડ કહેવામાં આવે છે, જેમાં અંગ્રેજીમાં H લખેલું હોય છે. તેમાં H એટલા માટે લખાયું છે કારણ કે તે જગ્યાનું નામ જ હેલીપેડ છે. પરંતુ આનું કારણ માત્ર એટલું જ નથી. એક તરફ એ વાત સંપૂર્ણ રીતે સાચી છે કે તે જગ્યાનું નામ હેલિપેડ છે, તેથી ત્યાં H લખવામાં આવે છે, પરંતુ બીજી તરફ એ પણ જરૂરી છે કે કોઈપણ જમીન પર H લખવાથી તેને હેલિપેડ બનાવી ન શકાય.
H લખવાનું સાચું કારણ
ખૂબ ઊંચાઈએ ઉડતા હેલિકોપ્ટરમાં બેઠેલા પાયલટ જમીન જોઈને અનુમાન લગાવી શકતા નથી કે કઈ જમીન સપાટ છે અને કઈ ખરબચડી છે. આ સમસ્યા સૌથી વધુ ત્યારે થાય છે જ્યારે હેલિકોપ્ટર પહાડી વિસ્તારોમાં લેન્ડ થાય છે. હેલિકોપ્ટરને લેન્ડ કરવા માટે સપાટ જમીનની જરૂર હોય છે.નહિતો હેલિકોપ્ટર ખરબચડી જગ્યાએ લેન્ડ કરે તો તેના પંખા આસપાસના પથ્થરો અથવા ઉબડખાબડ જમીન પર અથડાઈ શકે છે અને મોટી દુર્ઘટના પણ થઈ શકે છે. H લખીને એવું સૂચવવામાં આવે છે કે સ્થળ સંપૂર્ણપણે સપાટ છે અને હેલિકોપ્ટરને ઉતરવા માટે યોગ્ય છે. હમેશા હેલિપેડનો H પીળા અથવા સફેદ રંગમાં લખવામાં આવે છે જેથી તે દૂરથી દેખાય. આ H એ પણ દર્શાવે છે કે લેન્ડિંગ વખતે હેલિકોપ્ટરનું મુખ કઈ તરફ હોવું જોઈએ, જેથી કોઈપણ અકસ્માત વગર લેન્ડિંગ કરી શકાય. H એ એર ટ્રાફિક કંટ્રોલમાં પણ મદદરૂપ સાબિત થાય છે, H ની આસપાસથી પસાર થતા હેલિકોપ્ટર એકબીજાના રસ્તામાં આવતા નથી, આથી લેન્ડિંગ અને ટેકઓફ સરળ બને છે.
આ પણ વાંચો : લક્ષદ્વીપનું એ એરપોર્ટ, જ્યાં પ્લેન લેન્ડ કરતી વખતે પાયલોટના હાથ ધ્રૂજી જાય છે!