મતદાન બાદ આંગળી પર શાહી કેમ લગાડવામાં આવે છે, તે કેમ દૂર થતી નથી? કઈ કંપની તૈયાર કરે છે આ અવિલોપ્ય શાહી?
- મતદાન બાદ આંગળી પર કરાતા ટપકાની શાહી 1962થી મૈસુર પેઈન્ટ્સ એન્ડ વાર્નિશ લિમિટેડ બનાવે છે.
- અવિલોપ્ય શાહીનો પહેલી વખત ઉપયોગ આઝાદી બાદ ત્રીજી સામાન્ય ચૂંટણીમાં થયો હતો.
- થાઈલેન્ડ, સિંગાપુર, દક્ષિણ આફ્રિકા સહિતના દેશની ચૂંટણી હોય ત્યારે આ શાહી વપરાય છે.
અમદાવાદઃ ભારતના બંધારણ મુજબ કોઈ પણ વ્યક્તિ નાત-જાત, વર્ણ, લિંગ, જ્ઞાતિ કે કોમના ભેદભાવ વિના મતદાન કરી શકે છે. જોકે, મતદાન કરીને બહાર નીકળે એટલે તેમનામાં એક સમાનતા જોવા મળે છે. મતદાનમથકમાં તેમના ડાબા હાથની પહેલી આંગળી અને નખ ઉપર શાહી લગાડવામાં આવે છે જેને ભૂંસી શકાતી નથી. ડુપ્લિકેટ મતદાન થતું અટકાવવા માટે આ વિશિષ્ટ શાહી લગાડવામાં આવે છે, જે ભારતમાં એકમાત્ર કંપની તૈયાર કરે છે.
ચૂંટણીપંચ દ્વારા જે શાહી લગાડવામાં આવે છે તે ઓછામાં ઓછા સાત દિવસ અને ઘણી વખત પખવાડિયા સુધી જતી નથી. સાબુ, ડિટર્જન્ટ, ઑઇલ કે કૅમિકલની તેની ઉપર અસર નથી થતી. જો કોઈ રીતે દૂર કરવામાં સફળતા મળી જાય તો પણ અલ્ટ્રાવાયોલેટ લાઇટમાં સ્પષ્ટ જોઈ શકાય છે. ઇન્કમાં સિલ્વર નાઇટ્રેડ હોય છે, જેને કારણે તેનો રંગ સરળતાથી જતો નથી. તેની ટકાવારી 7થી 25%ની વચ્ચે હોય છે. જોકે, તેની ચોક્કસ ટકાવારી સિક્રેટ છે.
કંપનીનો ઈતિહાસ
કર્ણાટકની સરકારી કંપની મૈસૂર પેઇન્ટ્સ ઍન્ડ વાર્નિસ લિમિટેડને ઇન્ક બનાવવાનો એકાધિકાર મળેલો છે. વર્ષ 1937માં મૈસૂરના રાજવી પરિવાર દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી. મહારાજા નલવાડી કૃષ્ણરાજ વોડેયર દ્વારા 1937માં પેઈન્ટ અને સંબંધિત ઉત્પાદનોના ઉત્પાદન માટે કંપનીની શરૂઆત કરાઈ હતી. સ્થાપના સમયે કંપનીનું નામ મૈસૂર લેક ઍન્ડ પૅઇન્ટ વર્ક્સ લિમિટેડ હતું. 1947માં આઝાદી પછી તે જાહેર સાહસની કંપની બની.
20 દેશમાં નિકાસ થાય છે
અલોપ્ય શાહીની ફૉર્મ્યુલા વર્ષ 1962માં નૅશનલ રિસર્ચ ડેવલપમૅન્ટ કૉર્પોરેશને તૈયાર કરી હતી. આ કામમાં કાયદા વિભાગ અને ચૂંટણીપંચ પણ સંકળાયેલા હતા. ભારતની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં આ શાહીનો ઉપયોગ થાય છે. 2016માં નોટબંધી સમયે એક જ વ્યક્તિ વારંવાર નોટો બદલાવે નહીં તે માટે પણ આ શાહીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અહીં તૈયાર થતી શાહી વિશ્વના 20 જેટલાં દેશોમાં નિકાસ થાય છે અને ત્યાંની ચૂંટણીપ્રક્રિયામાં વપરાય છે.
કંપની દ્વારા કાટ ન લાગે તેવો ઍલ્યુમિનિયમ પેઇન્ટ, સામાન્ય રંગ સહિતની પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવે છે. રેલવે, ભારત સંચાર નિગમ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ, BEML સહિતની કંપનીઓ તેના મોટા ગ્રાહક છે.
અવિલોપ્ય શાહીનો પ્રથમવખત ઉપયોગ આઝાદી બાદ થયો હતો
આઝાદી બાદ ભારતમાં ત્રીજી સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત આ શાહીનો ઉપયોગ કરાયો હતો. આ શાહી બ્લેક કલરની હોય છે.મતદારના હાથમાં ટપકું કર્યા પછી એક સેક્ન્ડમાં જ તેનું નિશાન લાગીજાય છે. 40 સેક્ન્ડ સુધીમાં તે સંપૂર્ણપણે સુકાય જાય છે. એટલે મતદાન કર્યા બાદ મતદારની આંગળીમાં લગાવાતી શાહી 20 દિવસ સુધી ભુંસાતી નથી.
300 મતદાર માટે અંદાજે પાંચ મિલિ શીશીનો વપરાશ
અવિલોપ્ય શાહીની બોટલ પાંચ મિલિથી શરૂ થાય છે. જે 75 મિલિ, 50 મિલિ અને 80 મિલિ વોલ્યુમમાં મળે છે. એક અંદાજે પાંચ મિલિની શીશીમાં 300 મતદારોને ટપકું કરી શકાય છે. ભારતમાં વસતી પ્રમાણે જોવા જઈએ તો દરેક ચૂંટણીમાં અંદાજે લાખો મિલિ શીશીનો વપરાશ થાય છે.