ભાદરવા મહિનાની પૂર્ણિમા કેમ હોય છે ખાસ? જાણો સપ્ટેમ્બરમાં ક્યારે આવશે?


- ભાદરવા મહિનાની પૂર્ણિમા પિતૃઓને પણ સમર્પિત છે, કારણ કે ભાદરવા મહિનાની પૂર્ણિમાથી પિતૃ પક્ષની શરૂઆત થાય છે
HD ન્યુઝ ડેસ્કઃ ભાદરવાની પૂર્ણિમા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે વર્ષની તમામ પૂર્ણિમાઓ પર દેવપૂજન કરવામાં આવે છે, પરંતુ ભાદરવા મહિનાની પૂર્ણિમા પિતૃઓને પણ સમર્પિત છે, કારણ કે ભાદરવા મહિનાની પૂર્ણિમાથી પિતૃ પક્ષની શરૂઆત થાય છે.
તેનું સમાપન સર્વ પિતૃ અમાસ પર થાય છે. ભાદરવાની પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણ, ચંદ્ર અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં કોઈ પણ વસ્તુની કમી રહેતી નથી, જ્યારે પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી માનસિક, આર્થિક અને શારીરિક લાભ મળે છે. જાણો 2024માં ક્યારે ઉજવાશે ભાદરવા મહિનાની પૂર્ણિમા.
2024માં ભાદરવી પૂનમ ક્યારે છે?
ભાદરવી પૂનમ 17-18 સપ્ટેમ્બર બે દિવસ સુધી ચાલશે. પિતૃપક્ષ 18 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ દિવસે પ્રથમ શ્રાદ્ધ કરવામાં આવશે. પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ કથા, લક્ષ્મી પૂજન અને ચંદ્રની પૂજા કરનારાઓએ 17 સપ્ટેમ્બરે ઉપવાસ કરવો. 18મી સપ્ટેમ્બરે ઉદયતિથિ પર પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાનનો મહિમા છે.
ભાદરવા મહિનાની પૂર્ણિમા તિથિ 17 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 11.44 કલાકે શરૂ થશે અને 18 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 8.04 કલાકે સમાપ્ત થશે.
ભાદરવી પૂર્ણિમા પર સ્નાન અને દાનનો શુભ સમય
- સ્નાન-દાન મુહૂર્ત – સવારે 4.33થી 5.20 સુધી
- ભગવાન સત્યનારાયણની પૂજા – સવારે 9.11થી બપોરે 1.37 સુધી
- ચંદ્રોદયનો સમય – સાંજે 6.03 વાગ્યે
- લક્ષ્મીજીની પૂજાનો સમય – રાતે 11.52થી 18 સપ્ટમ્બરે સવારે 12.39 સુધી
ભાદરવી પૂર્ણિમા પર શુભ સંયોગ
17 સપ્ટેમ્બરે ભાદરવાની પૂર્ણિમાના દિવસે રવિ યોગ સવારે 6.07થી બપોરે 1:53 સુધી રહેશે. તે જ દિવસે ધૃતિ યોગ પણ સવારે 7.48 સુધી ચાલુ રહેશે.
ભાદરવાની પૂર્ણિમા પર શું કરવું?
એવું માનવામાં આવે છે કે પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મી પીપળાના ઝાડમાં રહે છે. આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા અને પ્રદક્ષિણા કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા ભક્તો પર વરસતી રહે છે અને તેમની સંપત્તિમાં વધારો થાય છે. ભાદરવાની પૂર્ણિમાના દિવસે ઋષિમુનિઓના નામે દાન પણ કરો. કારણ કે આ દિવસે ઋષિઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે. તેનાથી પરિવારમાં ખુશીઓ આવે છે.
આ પણ વાંચોઃ આ સ્થાનો પર પિતૃ કર્મ કરવાથી પૂર્વજોને મળે છે મોક્ષ, શું છે કારણ?