વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ઈજિપ્તની મુલાકાતે છે. કેટલાક વિશ્લેષકોએ તેમની મુલાકાતને દ્વિપક્ષીય સંબંધો માટે ‘ગેમ ચેન્જર’ ગણાવી છે. આ મુલાકાતથી ઉત્તર આફ્રિકન દેશમાં ભારતના રોકાણમાં વધારો થવાની અને ઇજિપ્તને BRICS આર્થિક બ્લોકમાં પ્રવેશ મેળવવા માટેની અપેક્ષા છે.
પીએમ મોદીની આ મુલાકાતને દ્વિપક્ષીય બંન્ને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાના માર્ગ તરીકે જોવામાં આવી રહી છે. જોકે, જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીની નવી દિલ્હીની મુલાકાત દરમિયાન બંન્ને દેશો વચ્ચે સંબંધો મજબૂત થવાની શરુઆત થઈ ગઈ હતી. બંને પક્ષોએ પહેલેથી જ વ્યૂહાત્મક સ્તરે સંબંધોને ઉન્નત કરી દીધા છે.
ભારતમાંથી 1997 પછી ઈજિપ્ત જનારા પ્રથમ વડાપ્રધાન
વિશ્લેષકોનું કહેવું છે કે આનાથી એ પણ ફલિત થાય છે કે આવનારા દિવસોમાં સંબંધો કેવી રીતે આગળ વધી શકે છે. 1997 પછી કોઈપણ ભારતીય વડાપ્રધાનની ઈજિપ્તની આ પ્રથમ મુલાકાત છે. અગાઉ, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અલ-સીસીએ જાન્યુઆરીમાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભારતમાં હાજરી આપી હતી.
શું કહ્યું વિદેશ મંત્રાલયે?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિ અલ-સીસીની ભારત મુલાકાતના બરાબર 6 મહિના પછી ભારતીય વડાપ્રધાનની આ ખૂબ જ ઝડપી, પારસ્પરિક મુલાકાત છે. અમને આશા છે અને વિશ્વાસ છે કે આ મુલાકાત અમારા બંને દેશોને માત્ર મજબૂત બનાવશે જ નહીં પરંતુ બંને દેશો વચ્ચેના સંબંધોમાં સતત ગતિ સુનિશ્ચિત કરશે, આ સાથે વેપાર અને આર્થિક જોડાણના નવા ક્ષેત્રોમાં વિસ્તરણ કરવામાં પણ મદદ કરશે.”
ભારત અને ઇજિપ્ત વચ્ચે છે ગાઢ સંબંધો
ભારત અને ઇજિપ્ત 1961 માં બિન-જોડાણવાદી ચળવળ (NAM)ના સ્થાપક સભ્યો હતા. ત્યારથી જ બંન્ને દેશો ગાઢ સંબંધો ધરાવે છે. તાજેતરના વર્ષોમાં, અલ-સીસી ત્રણ વખત ભારતની મુલાકાતે આવ્યા હતા અને ઇજિપ્ત પણ દેશમાં ભારતીય રોકાણ વધારવા પર નજર રાખી રહ્યું છે.
આ પણ વાંચો: PM મોદીને EGYPTનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ધ નાઇલ’ એનાયત