નરોડાના ભાજપ ઉમેદવાર પાયલ કુકરાણીનો વિરોધ કેમ થઈ રહ્યો છે ? આ કારણે થઈ રહી છે મુશ્કેલી


અમદાવાદની નરોડા વિધાનસભા બેઠક એક જમાનામાં ગામડું ગણાતી હતી. 2002ના વર્ષમાં જ્યારે અહીં રમખાણો થયા હતા ત્યારે 97 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે સમયે આ વિસ્તાર શહેરનો ઉત્તર ખુણો ગણાતો હતો, પરંતુ હવે આ વિસ્તાર શહેરની વચ્ચોવચ આવી ગયો છે. નરોડા પાટિયા વિધાનસભા બેઠક ફરી એકવાર ચર્ચામાં આવી છે. કેમકે આ વિધાનસભા બેઠક પરથી ભાજપે જે ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે તે 2002ના રમખાણોમાં સામેલ મનોજ કુકરાણીની પુત્રી છે.
ભાજપે જગાવ્યો વિવાદ
નરોડા રમખાણોના કેસમાં મનોજ કુકરાણી મુખ્ય આરોપી હતા અને કોર્ટે તેમને આજીવન કેદની સજા પણ સંભળાવી છે, પરંતુ ભાજપે તેમની જ પુત્રી પાયલ કુકરાણીને ટિકિટ આપીને એક નવા વિવાદને જન્મ આપ્યો છે. આમ તો પાયલ કુકરાણી વ્યવસાયે ડોક્ટર છે. તેમનો કોઇ રાજકીય અનુભવ પણ નથી. આ વિધાનસભા બેઠક પર ત્રિકોણીય જંગ છે. એનસીપી તરફથી અહીં મેઘરાજ મેદાનમાં છે. આમ આદમી પાર્ટી તરફથી ઓમપ્રકાશ તિવારી ચુંટણી જંગમા ઉભા છે. આ બેઠક પર છેલ્લા ઘણા વર્ષોથી ભાજપનો કબજો છે, પરંતુ આ બેઠક પર જે ઉમેદવારને ભાજપે ટિકિટ આપી છે તેના કારણે પાર્ટીની નિંદા થઇ રહી છે.
નરોડા બેઠકનુ શું છે ગણિત?
નરોડા બેઠકનું જાતીય ગણિત કંઇક આ પ્રકારે છે. અહીં 62,000 જેટલા સિંધી મતદાતા છે. ઓબીસી મતદાતા 48,000 છે. દલિત 20,000, ક્ષત્રિય 10,000, બ્રાહ્મણ 10,000 છે. જોકે અહીં બીજા રાજ્યમાંથી આવેલા લોકોનું વર્ચસ્વ છે. સૌથી વધુ મતદાતા સિંધી સમાજના છે. તેથી અહીં ભાજપ હંમેશા સિંધી ઉમેદવારને મેદાનમાં ઉતારે છે. 2002ના કોમી રમખાણોમાં આ વિસ્તારમાં 97 લોકો મૃત્યુ પામ્યા હતા. કેટલાક પરિવારો એવા છે જે આજે પણ આ ગમને ભુલાવી શક્યા નથી. કેટલાય પરિવારોએ પોતાના લોકોને ગુમાવ્યા છે. કેટલાક અનાથ, તો કેટલીક વિધવાઓ આ વિસ્તારમાં રહે છે.
સિંધી સમાજ પણ કરી રહ્યો છે વિરોધ
પાયલ કુકરાણીનો વિરોધ આ વિસ્તારમાં સિંધી સમાજ પણ કરી રહ્યો છે. પાયલ કુકરાણી ઇન્ટરકાસ્ટ મેરેજ કર્યા હોવાથી કેટલાક લોકો તેમનો સ્વીકાર કરતા નથી આ પણ એક કારણ છે. ગુજરાતમાં સિંધી સમાજ માટે માત્ર એક જ બેઠક હતી અને તે પણ બીજેપીએ અન્યના નામે કરી દીધી. પાયલ કુકરાણીએ આંતરજ્ઞાતિ લગ્ન કર્યા હોવાથી કેટલાક લોકો તેમને સિંધી માનતા નથી.
આ પણ વાંચોઃ સીમા વિવાદ: આસામે મેઘાલય જતા વાહનો પર મુક્યો પ્રતિબંધ, કલમ 144 લાગુ, ઈન્ટરનેટ બંધ