ગણેશજીને મોદક કેમ છે સૌથી પ્રિય? કેવી રીતે બન્યા પ્રથમ પૂજ્ય?
- દરેક વ્યક્તિ ગણેશજીના પ્રિય એવા મોદક તેમને જરૂર ચઢાવે છે
- શું તમે જાણો છો કે મોદક ગણેશજીના પ્રિય હોવાનું કારણ શું છે?
- મોદકથી ગણેશજી જલ્દી પ્રસન્ન શા માટે થાય છે?
આજે એ સમય આવી ગયો છે જેની ગણેશ ભક્તો એક વર્ષથી રાહ જોઇ રહ્યા હતા. આજે ગણેશ ચતુર્થીનો તહેવાર છે. હવે દસ દિવસ સુધી ગણેશોત્સવ ચાલશે. આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. 10 દિવસનો ગણેશોત્સવ ગણેશ ચતુર્થીથી શરૂ થાય છે અને અનંત ચતુર્દશી પર સમાપ્ત થાય છે. ભગવાન ગણેશની દસ દિવસ સુધી વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે અને મોદક ધરાવવામાં આવે છે. દરેક વ્યક્તિ ગણેશજીના પ્રિય એવા મોદક તો તેમને જરૂર ચઢાવે છે. શું તમે જાણો છો કે તેનું કારણ શું છે?
મોદકથી ગણેશજી જલ્દી પ્રસન્ન થાય છે
ગણપતિને ઘરે લાવવા દરમિયાન દરેક વ્યક્તિ તેમના પ્રિય મોદકનું ખાસ ધ્યાન રાખે છે. ભગવાન ગણેશને મોદક અર્પણ કરવાથી તે જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને તમામ વિધ્નોને વિધ્નહર્તા દૂર કરે છે. તો જાણો કે ભગવાન ગણેશને મોદક કેમ સૌથી પ્રિય છે?
દિવ્ય મોદકની આ છે પૌરાણિક કથા
ભગવાન ગણેશને મોદક કેમ આટલો પસંદ છે. કથા અનુસાર, એકવાર દેવતાઓએ માતા પાર્વતીને દિવ્ય મોદક આપ્યા હતા. દિવ્ય મોદક જોઈને કાર્તિકેય અને ગણેશજી માતા પાસેથી માગવા લાગ્યા. પછી મોદકનું મહત્વ સમજાવતાં માતાએ કહ્યું કે આ મોદકની સુગંધથી જ અમરત્વ પ્રાપ્ત થાય છે અને જે વ્યક્તિ તેને સૂંઘીને ખાય છે તે તમામ શાસ્ત્રોનો જ્ઞાતા અને કળાનો જાણકાર બને છે.
તીર્થયાત્રા પર જવા માટે અસમર્થ હતા ગણેશજી
મોદકનું મહત્વ જાણીને ગણેશજીને તે ખાવાની ઇચ્છા થઇ. કાર્તિકેય પણ તે ખાવાની જીદ કરવા લાગ્યા. માતાએ કહ્યુ કે તમારા બેમાંથી જે પણ ધર્માચરણ દ્વારા શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરતા સૌથી પહેલા તીર્થોનું ભ્રમણ કરતા આવશે, તેને આ મોદક મળશે. માતાની વાત સાંભળીને કાર્તિકેયે મોર પર બેસીને તમામ તીર્થસ્થાનો પર સ્નાન કરવા નીકળી પડ્યા. અહીં ગણેશજીનું વાહન ઉંદર હોવાને કારણે તેઓ તમામ તીર્થસ્થાનોની મુલાકાત લઈ શક્યા ન હતા. પછી તેમણે માતાપિતાની પરિક્રમા કરી, તેમની જ સ્તુતિ કરી.
ગણેશજી બન્યા પ્રથમ પૂજ્ય
આ જોઈને માતા પાર્વતીએ કહ્યું કે દરેક તીર્થસ્થાનોમાં સ્નાન, દેવી-દેવતાઓને વંદન, યજ્ઞોનું અનુષ્ઠાન, વ્રત, મંત્ર, યોગ અને સંયમ આ બધુ માતા-પિતાના પૂજનના 16માં અંશને બરાબર પણ નથી. એટલા માટે હું તને મોદક અર્પણ કરું છું. સાથે તમામ શુભ કાર્યો અને પૂજામાં પ્રથમ પૂજા તારી કરવામાં આવશે અને તુ પ્રથમ પૂજ્ય તરીકે પણ ઓળખાઇશ.
આ પણ વાંચોઃ ગણેશ ચતુર્થીએ નવા વાહનોની ડિલિવરી અટકી, નવા નિયમથી ગ્રાહકોના મુહૂર્ત સાચવવામાં ડીલરો મુંઝવણમાં