ગુજરાતટોપ ન્યૂઝ

કેમ પત્નીના વખાણ કરવાથી ટ્રોલ થઈ રહ્યાં છે જાડેજા, RSSને લઈને કરી આ વાત

અમદાવાદઃ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા હાલ પોતાની રમતને લઈને નહીં પણ નેતા બનેલાં તેમના પત્નીને લઈને ચર્ચામાં છે. ભાજપની ટિકિટ પર હાલમાં જ ગુજરાતમાં ધારાસભ્ય બનેલાં પત્ની રિવાબાને હંમેશાથી તેમની રાજકીય ઈનિંગમાં મદદ કરવા માટે રવિન્દ્ર જાડેજા અગ્રેસર રહ્યાં. જો કે હાલમાં જ જ્યારે તેમણે RSS અંગેની સમજણને લઈને જ્યારે પત્નીની પ્રશંસા કરી તો તેઓ ટ્રોલ થવા લાગ્યા. જે બાદ ક્રિકેટરે પોતાની તસવીર શેર કરી અને તિરંગાની સાથે ઈન્ડિયન લખ્યું.

જાડેજાએ પત્ની રિવાબાને આપ્યું સમર્થન
26 ડિસેમ્બરનાં રોજ રવિન્દ્ર જાડેજાના પત્ની અને ધારસભ્ય રિવાબાએ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેઓ RSS અંગે વાત કરી રહ્યાં હતાં. તેઓ જણાવે છે કે- RSSની દેશભક્તિ, રાષ્ટ્રીયતા, બલિતાન અને એકતા શીખડાવનારું સંગઠન છે. જાડેજાએ આ વીડિયોને ટ્વીટ કરતા લખ્યું- “RSSને લઈને તમારું જ્ઞાન જોઈને સારું લાગ્યું. એક એવું સંગઠન જે આપણાં સમાજના મૂલ્યો અને ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે. તમારું જ્ઞાન અને કડી મહેનત જ તમને અલગ બનાવે છે. આ વાતને યથાવત રાખજો.”

કોંગ્રેસ સહિત કેટલાંક લોકોને જાડેજાના સમર્થનની વાત ખુંચી
એક ખેલાડી હોવા છતાં RSSની પ્રશંસા કરી તો કેટલાંક લોકોને આ વાત ખુંચી. કોંગ્રેસના કેટલાંક નેતાઓ સહિત સોશિયલ મીડિયામાં કેટલાંક યુઝર્સે રવિન્દ્ર જાડેજાને રાજકારણમાં પ્રવેશવાની સલાહ આપી દીધી તો, કેટલાંક BCCI પર પણ નિશાન સાધ્યું. કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ એક ન્યૂઝ ચેનલ ડિબેટમાં કહ્યું કે ED અને ઈનકમ ટેક્સના ડરથી દરેક લોકો, ખેલાડી, એકટર તમામ ભાજપને ખુશ રાખવાના પ્રયાસ કરે છે.

ભાજપે પણ કોંગ્રેસને આડે હાથ લીધી
કોંગ્રેસે જાડેજા પર શાબ્દિક પ્રહારો કર્યા તો ભાજપ તેમના બચાવમાં આગળ આવે તે સ્વભાવિક જ છે. ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ કહ્યું કે- જાડેજાની ભૂલ માત્ર એટલી જ છે તેમણે પોતાની પત્નીનું સમર્થન કર્યું અને તેમની પ્રશંસા કરી. પૂનાવાલાએ કહ્યું- “તેમણે સત્યનું સમર્થન કર્યું છે. RSS સમાજના મૂલ્યોને કાયમ રાખે છે. આ સંગઠન ભારતીય સંસ્કૃતિ અને વેલ્યૂ સિસ્ટમનું પ્રતિનિધિત્વ કરે છે. આમ કહેવું તથાકથિત લિબરલ લૂટિયન્સ સેક્યુલર ઈકો સિસ્ટમને એટલું ગુસ્સે કરે છે કે કોંગ્રેસ પાર્ટીના રાશિદ અલ્વી નેશનલ ટેલિવિઝનમાં જઈને જાડેજા પર પ્રહાર કરે છે, શું RSS અંગે વાત કરવી પણ ગુન્હો છે.”

Back to top button