ઠંડીની સીઝનમાં રોજ કેમ જુવાર ખાવાનું કહેવાય છે? શું છે તેના ફાયદા?
- જુવારના લોટમાંથી રોટલી, ભાખરી, ચીલા, ઢોસા વગેરે બનાવવામાં આવે છે. તે બાજરી પરિવારનો સભ્ય ગણાય છે. તેની તાસીર ગરમ છે અને લોકો શિયાળામાં જુવારની રોટલી ખાવાનું પસંદ કરે છે
જુવાર ગ્લુટેન ફ્રી છે અને તેની ગણતરી શ્રેષ્ઠ અનાજમાં થાય છે. અંગ્રેજીમાં તેને સોર ઘમ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં જુવારને જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે, જેમ કે તમિલનાડુમાં ચોલમ અને આંધ્ર પ્રદેશમાં જોન્ના. જુવારના લોટમાંથી રોટલી, ભાખરી, ચીલા, ઢોસા વગેરે બનાવવામાં આવે છે. તે બાજરી પરિવારનો સભ્ય ગણાય છે. તેની તાસીર ગરમ છે અને લોકો શિયાળામાં જુવારની રોટલી ખાવાનું પસંદ કરે છે. તેને ખાવાના ઘણા ફાયદા છે.
ગ્લુટેન ફ્રી
ગ્લુટેન એક પ્રોટીન ઘટક છે, તે ઘઉં અને જવ આધારિત ખોરાકમાં જોવા મળે છે. તે પેટનું ફૂલવું, પેટમાં દુખાવો અને પેટમાં ખેંચાણ જેવી પાચનને લગતી સમસ્યાઓનું કારણ બને છે. જુવાર ગ્લુટેન ફ્રી હોવાના કારણે મોટી માત્રામાં ખાવામાં આવે છે.
ફાઈબરથી ભરપૂર
જુવારમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. જુવારના એક સર્વિંગમાં 12 ગ્રામથી વધુ ફાઈબર હોય છે, જે ફાઈબરની જરૂરિયાતનો લગભગ અડધો ભાગ છે. હાઈ ફાઈબર વાળુ ડાયટ મેદસ્વીતા, સ્ટ્રોક, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ અને પાચન જેવી સમસ્યાઓથી રક્ષણ આપે છે.
બ્લડ સુગર કન્ટ્રોલ કરે
જુવાર એક કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ છે, જે ધીમે ધીમે પચે છે. પરિણામે, તે બ્લડ સુગરને સ્થિર રાખે છે, તેથી, તે ડાયાબિટીસના દર્દીઓ અને વજન ઘટાડવા માંગતા લોકો માટે ઉત્તમ વિકલ્પ છે.
પ્રોટીનથી ભરપુર
100 ગ્રામ જુવારમાં 11 ગ્રામ પ્રોટીન હોય છે જે શરીરને એનર્જી આપે છે અને ટિશ્યુઝને રિપેર કરવામાં મદદ કરે છે.
આયરનથી ભરપૂર
એક કપ જુવારમાં 8.45 મિલિગ્રામ આયરન હોય છે. જુવારમાં આયરન નોન-હીમ હોય છે, તેથી તેને વિટામીન સીના સ્ત્રોત સાથે મિલાવવાથી તમને વધુ લાભ મળશે.
હાડકા માટે બેસ્ટ
જુવારમાં મેગ્નેશિયમ સારી એવી માત્રામાં હોય છે. જુવાર શરીરમાં કેલ્શિયમનું સ્તર જાળવવામાં મદદ કરે છે કારણ કે મેગ્નેશિયમ કેલ્શિયમનું શોષણ વધારે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
જુવારમાં અન્ય અનાજ કરતાં વધુ ફાઈબર હોય છે. ફાઈબર તમને પેટ ભરેલું હોવાનો અનુભવ કરાવે છે અને તમે ઓછું ખાઓ છો, તેથી વજન ઘટી શકે છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં ટેસ્ટીંગ વધારવા આદેશ, ચારેય મોટા શહેરોમાં આરોગ્ય તંત્ર એલર્ટ