હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ સામેની મેચમાંથી બહાર કેમ ?
- BCCI એ હાર્દિક પંડ્યાનો મેડિકલ રિપોર્ટ જાહેર કર્યો છે. તે આગામી 22મીના ધર્મશાલામાં રમાનાર ભારત-ન્યૂઝીલેન્ડ મેચમાં રમી શકશે નહીં.
Hardik Pandya: ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પુણેમાં બાંગ્લાદેશ સામે રમાયેલી મેચ દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પંડ્યાનો મેડિકલ રિપોર્ટ જાહેર કર્યો છે. બીસીસીઆઈએ કહ્યું કે, ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં હાર્દિક ભારત તરફથી રમી શકશે નહીં. વર્લ્ડ કપ 2023 દરમિયાન પંડ્યાની ઈજા ભારત માટે મોટો ઝટકો છે.
🚨 NEWS 🚨
Medical Update: Hardik Pandya 🔽 #CWC23 | #TeamIndiahttps://t.co/yiCbi3ng8u
— BCCI (@BCCI) October 20, 2023
બીસીસીઆઈએ પોતાની વેબસાઈટ દ્વારા પંડ્યા વિશે માહિતી આપી હતી. બીસીસીઆઈએ પોતાની વેબસાઈટ પર લખ્યું છે કે ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેને ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ છે. પંડ્યાનું સ્કેન કરવામાં આવ્યું છે અને ડોક્ટરે આરામની સલાહ આપી છે. તે બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. હાર્દિક 20 ઓક્ટોબરે ટીમ ઈન્ડિયા સાથે ધર્મશાળા નહીં જાય. ઇંગ્લેન્ડ સામેની મેચ માટે તે સીધો લખનઉમાં જોડાશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગુરુવારે પુણેમાં મેચ રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 256 રન બનાવ્યા હતા. ત્યારે ભારતે 41.3 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. બાંગ્લાદેશની ઇનિંગ દરમિયાન હાર્દિક પંડ્યા તેની પ્રથમ ઓવર નાખતી વખતે તેને ઈજા થઈ હતી. હાર્દિક પંડ્યા પાતાની ઓવરના માત્ર ત્રણ બોલ જ નાખી શક્યો હતો. આ પછી વિરાટ કોહલીએ પોતાની ઓવર પૂરી કરી.
ભારતે વર્લ્ડ કપ 2023માં સતત ચાર મેચ જીતી છે. હવે તેનો મુકાબલો 22 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે થશે. આ પછી 29 ઓક્ટોબરે લખનૌમાં ઈંગ્લેન્ડ સામે મેચ રમાશે. આ મેચમાં હાર્દિક જોડાઈ જશે.
આ પણ વાંચો: ક્રિકેટના મેદાન પર રવિન્દ્ર બન્યો ‘ફ્લાઈંગ’ જાડેજા, કૂદીને પકડ્યો અદભુત કેચ