ટ્રેન્ડિંગધર્મ

રાંધણ છઠ્ઠ કેમ મનાવવામાં આવે છે? શું છે ધાર્મિક માન્યતા

  • રાંધણ છઠ્ઠ શીતળા સાતમના એક દિવસ પહેલા આવે છે
  • ગુજરાતી પરિવારોમાં રાંધણ છઠ્ઠે બને છે વિવિધ વાનગીઓ
  • રાંધણ છઠ્ઠના દિવસે થયો હતો બલરામજીનો જન્મ

શ્રાવણ મહિનાથી તહેવારોની સીઝન શરૂ થાય છે. રાંધણ છઠ્ઠએ ગુજરાતી કેલેન્ડરમાં મહત્વનો દિવસ છે. તે શીતળા સાતમના એક દિવસ પહેલા આવે છે. શ્રાવણ માસમાં વદ સપ્તમીના દિવસે શીતળા સાતમ ઉજવવામાં આવે છે. રાંધણ છઠ્ઠ તેના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. 5 સપ્ટેમબર, 2023ના રોજ રાંધણ છઠ છે.

રાંધણ છઠ્ઠ એક સ્વતંત્ર તહેવાર નથી પરંતુ શીતળા સાતમનો એક ભાગ છે, જે શીતળા માતાને સમર્પિત છે. શીતળા સાતમના દિવસે તમામ પ્રકારની રસોઈ પર પ્રતિબંધ હોવાથી મોટાભાગના ગુજરાતી પરિવારો રાંધણ છઠ્ઠના દિવસે ભોજનની વ્યવસ્થા કરે છે. રસોઈ માટે મહત્વનો દિવસ હોવાથી તેને ‘રાંધણ છઠ’ નામ આપવામાં આવ્યું હતું.

શું છે ધાર્મિક માન્યતા

ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન કૃષ્ણના જન્મના બે દિવસ પહેલા તેમના મોટા ભાઈ બલરામનો જન્મ થયો હતો. આ દિવસ શ્રાવણ મહિનાના વદ પક્ષમાં આવે છે, તેને રાંધણ છઠ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. તેથી, આ દિવસે ઉપવાસ અને ભગવાનની પૂજા કરવાનો પણ નિયમ છે.

રાંધણ છઠ્ઠ કેમ મનાવવામાં આવે છે?  શું છે ધાર્મિક માન્યતા hum dekhenge news

રાંધણ છઠ્ઠ કેવી રીતે ઉજવવામાં આવે છે?

આ વ્રત રાખનારી મહિલાઓ બપોર સુધી કંઈ ખાતી નથી અને પછી પોતાના ઘરમાં પવિત્ર સ્થાન પર દેવીની પૂજા કરે છે અને છઠ્ઠી માતાની આકૃતિ યોગ્ય દિશામાં બનાવે છે. પૂજામાં દહીં, ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. આ વ્રતનું પાલન કરવા માટે ચોક્કસ નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ વ્રતમાં હળની પૂજા કરવામાં આવે છે, તેથી હળમાંથી ખેડેલા અનાજ અને ફળ ખાવામાં આવતા નથી.

ઉત્તર ભારતમાં ઓળખાય છે હળ છઠ તરીકે

ઉત્તર ભારતમાં, જન્માષ્ટમી પહેલા આવતી આ છઠને હલ ષષ્ઠી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે મહિલાઓ તેમના બાળકોના સારા સ્વાસ્થ્ય અને આયુષ્ય માટે વ્રત રાખે છે. આ દિવસે વ્રત રાખનાર મહિલાઓ હળ વડે ખેડેલી વસ્તુનું સેવન કરતી નથી. હળ છઠનો દિવસ બલરામજીને સમર્પિત છે અને તેમનું મુખ્ય શસ્ત્ર હળ હતું, જેના કારણે હળ દ્વારા ખેડાણ કરીને ઉગાડવામાં આવતી વસ્તુઓનું સેવન થતું નથી. ભગવાન બલરામને શેષનાગના અવતાર તરીકે પૂજવામાં આવે છે.

રાંધણ છઠ્ઠ કેમ મનાવવામાં આવે છે?  શું છે ધાર્મિક માન્યતા hum dekhenge news

રાંધણ છઠ્ઠ નિમિત્તે ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે

રાંધણ છઠ્ઠના દિવસે બનાવવામાં આવતી રસોઈનો બીજા દિવસે જમવામાં ઉપયોગ કરવામાં આવે છે. શીતળા સાતમના દિવસે ચૂલાને ઠારવામાં આવતા હોવાથી છઠના દિવસે બનાવેલી રસોઈ ખાવાનો મહિમા છે. પરિવારની તમામ મહિલાઓ રસોઈમાં ભાગ લે છે. આ દિવસે તૈયાર કરવામાં આવતો ખોરાક રોજીંદા કરતા અલગ હોય છે. આજે પ્રાદેશિક વાનગીઓ ઉપરાંત લોકો થોડા દિવસો માટે સ્ટોર કરી શકાય તેવી વાનગીઓ બનાવે છે. આ દિવસે બનતી ખાસ વાનગીઓમાં મીઠાઈ, ગુલાબ જાંબુ, શક્કરપારા, મોહનથાળ, શાક, બાજરીના રોટલા, વિવિધ પુરીઓ, થેપલા, મીઠા ઢેબરા, પરોઠા, સાબુદાણાની ખીચડી, મમરા,ચેવડોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લોકો પાણીપુરી, ભેળપુરી જેવી બીજા દિવસે જમવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી વાનગીઓ બનાવે છે.

આ પણ વાંચોઃ વિક્રમ લેન્ડરનું ચંદ્ર પર ફરી લેન્ડિંગ , જૂઓ લેન્ડરે કેવી રીતે 40 સેમી ઉપર ઉઠીને સોફ્ટ લેન્ડિંગ કર્યું

Back to top button