ઘરમાં શા માટે સજાવાય છે ક્રિસમસ ટ્રી? શું છે તેનું મહત્ત્વ
થોડા દિવસોમાં ક્રિસમસનો તહેવાર આવશે. ચારેબાજુ ધુમધામથી ક્રિસમસની તૈયારીઓ ચાલી રહી છે. આ વખતે ક્રિસમસ ફેસ્ટીવલ વીકેન્ડમાં આવતો હોવાથી લોકો તેની આતુરતા પુર્વક રાહ જોઇ રહ્યા છે. આમ તો ક્રિસમસ ખ્રિસ્તી ધર્મનો એક પ્રમુખ તહેવાર કહેવાય છે, પરંતુ સમયની સાથે તેને દરેક ધર્મ અને દરેક વર્ગના લોકોએ અપનાવી લીધો છે. આ દિવસે લોકો એકબીજાને ગિફ્ટ આપે છે અને કેક કાપીને ક્રિસમસનો આનંદ ઉઠાવે છે. લોકો ક્રિસમસમાં પોતાના ઘરમાં ક્રિસમસ ટ્રી લગાવે છે. તેને રંગબેરંગી રોશની અને રમકડાંથી સજાવવામાં આવે છે. ક્રિસમસ પર્વ દરમિયાન ક્રિસમસ ટ્રીનું આટલુ મહત્ત્વ કેમ હોય છે?
ક્રિસમસ ટ્રીનો ઇતિહાસ
ક્રિસમસ ટ્રીને લઇને અનેક માન્યતાઓ પ્રચલિત છે. એક માન્યતા અનુસાર 16મી સદીના ખ્રિસ્તી ધર્મના સુધારક માર્ટિન લ્યુથરે આની શરૂઆત કરી હતી. માર્ટિન લ્યુથર 24 ડિસેમ્બરની રાતે ગાઢ અને બર્ફીલા જંગલોમાંથી આવતા હતા. જ્યાં તેમણે એક સદાબહાર ઝાડ જોયું. ઝાડની ડાળીઓ ચંદ્રની રોશનીની જેમ ચમકી રહી હતી. ત્યારબાદ માર્ટિન લ્યુથરે પોતાના ઘર પર પણ સદાબહાર ઝાડ લગાવ્યુ. તેને નાની નાની કેન્ડલથી સજાવ્યુ. ત્યારબાદ જીસસ ક્રિસ્ટના જન્મદિવસના સન્માનમાં પણ તેમને સદાબહાર ઝાડને સજાવ્યુ અને તેને રોશનીથી પ્રકાશિત કર્યુ.
બાળકના બલિદાનની કહાની
ક્રિસમસ ટ્રી સાથે જોડાયેલી એક કહાની 722 ઇસવીસનની પણ છે. એવુ કહેવાય છે કે સૌથી પહેલા ક્રિસમસ ટ્રીને સજાવવાની પરંપરા જર્મનીમાં શરૂ થઇ હતી. એક વાર જર્મનીના સેન્ટ બોનિફેસને જાણ થઇ કે કેટલાક લોકો એક વિશાળ ઓક ટ્રીની નીચે એક બાળકની કુરબાની આપશે. આ વાતની જાણકારી મળતા જ સેન્ટ બોનિફેસે બાળકને બચાવવા માટે તે ઝાડ કાપી નાખ્યુ. તે ઓક ટ્રી પાસે એક ફર ટ્રી ઉગી ગયુ. લોકો આ ઝાડને ચમત્કારિક માનવા લાગ્યા. સેન્ટ બોનિફેસે લોકોને જણાવ્યુ કે આ એક પવિત્ર દૈવીય વૃક્ષ છે. તેની ડાળીઓ સ્વર્ગનો સંકેત આપે છે. ત્યારથી લોકો દર વર્ષે જીસસના જન્મદિવસ પર તે પવિત્ર ઝાડને સજાવવા લાગ્યા.
ક્રિસમસ ટ્રીનું મહત્ત્વ
પ્રાચીન કાળથી ક્રિસમસ ટ્રીને જીવનની નિરંતરતાનુ પ્રતિક માનવામાં આવે છે. તેને ઇશ્વર તરફથી મળેલા લાંબા જીવનના આશીર્વાદના રૂપમાં જોવામાં આવે છે. એવી પણ માન્યતા છે તેને સજાવવાથી ઘરના બાળકોનું આયુષ્ય વધે છે.
આ પણ વાંચોઃ એમેઝોનના શેરમાં 50 ટકાનો ઘટાડો, કંપનીએ આ વર્ષે તેના મૂલ્યના 80 ટકા ગુમાવ્યા