કુરાનને લઈને કેમ ભારતે UNમાં પાકિસ્તાનનો કર્યો સપોર્ટ?
HD એક્સપ્લેનેશન ડેસ્કઃ ગયા મહિને, બકરીદની રજા પર, એક ઇરાકી સ્થળાંતરીએ સ્ટોકહોમની મસ્જિદની બહાર કુરાનની નકલ ફાડી નાખી અને પછી તેને આગ લગાવી. ઘણા દેશોમાં આ ઘટનાની તીવ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી. આ ઘટનાના વિરોધમાં પાકિસ્તાનના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.
મુસ્લિમ દેશોએ કર્યો વિરોધઃ આની પહેલા વર્ષ 2020 માં, ડેનમાર્કમાં એક જૂથે કુરાનની નકલ સળગાવી. ગયા મહિને સ્વીડનમાં કુરાન સળગાવવાની ઘટના બાદ ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અલ-અમીર અબ્દુલયને સ્વીડન અને યુરોપીયન દેશોને આવી ઘટનાઓને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું હતું. અફઘાનિસ્તાનમાં તાલિબાન પ્રશાસને કહ્યું છે કે તેણે પવિત્ર કુરાનની અપવિત્રતા અને મુસ્લિમોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાના વિરોધમાં દેશમાં તમામ સ્વીડિશ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, તેમણે એ નથી જણાવ્યું કે આ પ્રતિબંધથી કઈ સંસ્થાઓના કામને અસર થશે. તાલિબાન સત્તામાં આવ્યા પછી, ત્યાં કોઈ સ્વીડિશ દૂતાવાસ નથી.
નૂપુર શર્માને લઈને વાંધો ઉઠાવ્યોઃ ગયા વર્ષે, બીજેપી નેતા નુપુર શર્માને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવી હતી કારણ કે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કન્ટ્રીઝ (OIC) એ પયગંબર મોહમ્મદ પરની તેમની વિવાદાસ્પદ ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી હતી. ઓઆઈસીએ નૂપુર શર્માને લઈને વાંધો ઉઠાવ્યો હતો એટલું જ નહીં ઈસ્લામિક દેશોએ પણ અલગ-અલગ નિવેદનો બહાર પાડ્યા હતા અને તે ભારત માટે અસ્વસ્થતાભરી સ્થિતિ બની ગઈ હતી. આના બાદ ભારતમાં ઘણી હિંસાઓ થઈ હતી અને ઘણો વિરોધ પણ થયો હતો હવે ભારતે સ્વીડનમાં કુરાન સળગાવવાની ઘટના સામે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં લાવવામાં આવેલા OICના નિંદા પ્રસ્તાવને સમર્થન આપ્યું છે.
પ્રસ્તાવને સમર્થનઃ ઈસ્લામિક દેશોના સંગઠન વતી પાકિસ્તાન અને પેલેસ્ટાઈન દ્વારા લાવવામાં આવેલા આ ઠરાવના સમર્થનમાં 28 અને વિરૂદ્ધ 12 મત પડ્યા હતા. સાત દેશો મતદાનથી દૂર રહ્યા હતા. ચીન, ભારત, ક્યુબા, દક્ષિણ આફ્રિકા, યુક્રેન અને વિયેતનામ જેવા દેશોએ નિંદા પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. જ્યારે બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ, જર્મની, કોસ્ટા રિકા, મોન્ટેનેગ્રો સહિત યુરોપીય સંઘે નિંદા પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. ચિલી, મેક્સિકો, નેપાળ, બેનિન, પેરાગ્વે જેવા દેશોએ મતદાનમાં ભાગ લીધો નથી.
અભિવ્યક્તિની સ્વતંત્રતાઃ યુએસ અને યુરોપિયન દેશોએ આ પ્રસ્તાવનો વિરોધ કરતા કહ્યું કે તે માનવાધિકાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના તેમના વિઝનની વિરુદ્ધ છે. વોટિંગ પછી, સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના રાજદૂત, ખલીલ હાશ્મીએ કહ્યું કે આ પગલાનો હેતુ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર કાપ મૂકવાનો નથી. તેનો હેતુ એ કહેવાનો હતો કે રાજ્યોની અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ધાર્મિક સ્વતંત્રતા વચ્ચે સંતુલન જાળવવું જોઈએ.
ભારતે કેમ આપ્યુ સમર્થનઃ ભારત પહેલેથી જ લોકશાહીમાં માને છે. ભારતમાં માનવ અધીકારોને હંમેશા પ્રાથમિકતા આપવામાં આવી છે. પણ આ જે ઘટના બની તે મુજબ ભારતે જે પગલું ભર્યુ તે ચોક્કસથી યોગ્ય છે. આ તરફ જોઈએ ભારતમાં બીજા દેશોની તુલનામાં ઘણા બધા ધર્મોના લોકો રહે છે એવા સમયે ધાર્મિક શાંતી જાળવી રાખવા માટે પણ ભારતનું આ પગલું ઉચીત છે
આ પણ વાંચોઃ Eid પર સ્વીડનમાં મસ્જિદની બહાર યુવકે કુરાન સળગાવી, મુસ્લિમ દેશો થયા ગુસ્સે