ટ્રેન્ડિંગનેશનલ

ગુમ થયું ચોમાસું… 70-80% ભારતની ઉપર નથી દેખાઈ રહ્યા વરસાદના વાદળ

Weather Forecast: દેશના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની ગતિ અચાનક ધીમી પડી ગઈ છે. 11 જુલાઈએ સામે આવેલી સેટેલાઇટ તસવીરો અનુસાર, ભારતના આશરે 70 થી 80 ટકા હિસ્સા પર ખૂબ જ ઓછા અથવા નહિવત વરસાદી વાદળો જોવા મળ્યા છે. આ આશ્ચર્યજનક સ્થિતિ ત્યારે સર્જાઈ છે, જ્યારે હજુ બે દિવસ પહેલા જ એટલે કે ૯ જુલાઈએ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સત્તાવાર રીતે સમગ્ર દેશમાં પહોંચી ચૂક્યું હતું. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ચોમાસું નબળું પડવાનું મુખ્ય કારણ ભારતથી હજારો કિલોમીટર દૂર પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલું એક શક્તિશાળી ચક્રવાત (વાવાઝોડું) છે. આ સિસ્ટમને કારણે હાલ પૂરતું ચોમાસું નબળું પડ્યું છે અને દેશના અનેક રાજ્યોમાં વરસાદી ગતિવિધિઓ અટકી ગઈ છે.

થોડા દિવસો પહેલા સુધી દેશના મોટાભાગના રાજ્યોમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો હતો, જેના કારણે અનેક શહેરોમાં જળબંબોળ અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ હવે હવામાન અચાનક પલટાયું છે. સેટેલાઇટ ઈમેજમાં દેશનો મોટો ભાગ એકદમ સાફ દેખાઈ રહ્યો છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ સંપૂર્ણપણે થંભી ગયો છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે શું ચોમાસું અધવચ્ચે જ પૂરું થઈ ગયું છે? જોકે, હવામાન વિભાગ (IMD) નું કહેવું છે કે હાલ ગભરાવાની જરૂર નથી. ચોમાસું અટક્યું નથી, તે માત્ર એક અસ્થાયી નબળા તબક્કામાંથી (Break Phase) પસાર થઈ રહ્યું છે. હવામાનની સિસ્ટમ ફરી સક્રિય થતાં જ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે.

કેમ નબળું પડ્યું ભારતીય ચોમાસું?

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે હિંદ મહાસાગરમાંથી આવતી ભેજવાળી હવાઓના સહારે સમગ્ર ભારતમાં વરસાદ લાવે છે. પરંતુ આ સમયે પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં એક અત્યંત શક્તિશાળી ચક્રવાત સક્રિય થયું છે. આ વાવાઝોડાએ પોતાની પ્રચંડ તાકાતથી હિંદ મહાસાગર તરફથી આવતી ભેજવાળી હવાઓ અને મોઇસ્ચરના પ્રવાહને પોતાની તરફ ખેંચી લીધો છે. પરિણામે, ભારતીય ઉપખંડમાં વરસાદ લાવતી ‘મોનસૂન ટ્રફ’ નબળી પડી ગઈ છે. આ જ કારણે હવામાન વિભાગે આગામી થોડા દિવસો સુધી મધ્ય ભારત અને દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

આ વર્ષે અત્યાર સુધી કેવું રહ્યું ચોમાસાનું પ્રદર્શન?

ચાલુ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ 9 જુલાઈએ સમગ્ર દેશને કવર કરી લીધો હતો, જે તેના સામાન્ય સમય કરતાં માત્ર એક દિવસ મોડું છે. જોકે, આ વર્ષે ચોમાસાની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી. જૂન મહિનાના અંત સુધીમાં દેશમાં સરેરાશ 40% ઓછો વરસાદ નોંધાયો હતો, જે તાજેતરના વર્ષોમાં ચોમાસાની સૌથી નબળી શરૂઆત પૈકીની એક હતી.

ત્યારબાદ, જૂનના અંતિમ દિવસો અને જુલાઈના પ્રથમ અઠવાડિયામાં દેશના જુદા જુદા રાજ્યોમાં સારો વરસાદ થયો, જેના કારણે સમગ્ર દેશમાં વરસાદની એકંદર ઘટ ઘટીને 14% પર આવી ગઈ હતી. જોકે, આ વરસાદ સમાન નહોતો. પશ્ચિમ અને પૂર્વ ભારતના ભાગોમાં સારો વરસાદ પડ્યો છે, પરંતુ મધ્ય ભારતના ઘણા રાજ્યોમાં હજુ પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.

આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે?

હવામાન વિભાગના અનુમાન મુજબ, જુલાઈ મહિનાના બાકીના દિવસોમાં પણ દેશના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે. ચાલુ સમગ્ર મહિનાનો સરેરાશ વરસાદ પણ સામાન્ય કરતાં ઓછો રહેવાની શક્યતા સેવાઈ રહી છે.

વૈજ્ઞાનિકો હાલ પ્રશાંત મહાસાગરમાં આકાર લઈ રહેલી ‘અલ-નીનો’ (El-Nino) ની સ્થિતિ પર પણ ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. જો અલ-નીનોની સ્થિતિ વધુ મજબૂત બનશે, તો તેની સીધી નકારાત્મક અસર ચોમાસા પર પડી શકે છે. સામાન્ય રીતે અલ-નીનોના કારણે વરસાદ નબળો પડે છે. આ બ્રેક પિરિયડ દરમિયાન દેશના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં થોડું ઊંચું રહી શકે છે અને લોકોને બફારાનો સામનો કરવો પડી શકે છે. જોકે, પ્રશાંત મહાસાગરની સાયક્લોનિક સિસ્ટમ નબળી પડતાં જ ભારતમાં ચોમાસું ફરી જોર પકડશે.

આ પણ વાંચોઃ બોક્સ ઓફિસ પર ‘લેનિન’ની ધમાકેદાર એન્ટ્રી: પહેલા જ દિવસે ₹16.7 કરોડની કમાણી સાથે તોડ્યા 13 ફિલ્મોના રેકોર્ડ

આ પણ વાંચોઃ Health Tips : સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે ફ્રીજમાં રાખેલી આ વસ્તુઓ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button