ટ્રેન્ડિંગધર્મ

રથયાત્રાના 15 દિવસ પહેલા કેમ બીમાર થઈ જાય છે ભગવાન?

  • ભગવાન બીમાર પડે છે અને જમતા નથી એટલે પુરીના લોકો પણ 15 દિવસ ઉપવાસ કરે છે. ભગવાન સાજા થાય છે ત્યારે રથયાત્રાના દર્શન કરીને જ લોકો ભોજન ગ્રહણ કરે છે

અષાઢી બીજે જગતનો નાથ નગરચર્યાએ નીકળે છે અને તેની ભક્તજનો આખું વર્ષ આતુરતાથી રાહ જોતા હોય છે. ભલે આ ઉત્સવ એક દિવસનો હોય, પરંતુ આખું વર્ષ તેની તૈયારીઓ ચાલે છે. ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નીજ મંદિરથી નીકળીને ભ્રમણ કરે છે, તેની પાછળ પણ અનેક માન્યતાઓ છે. આ કાર્યક્રમને રથયાત્રા તરીકે ઓળખવામાં આવે છે. શ્રદ્ધાળુઓ ખૂબ જ ઉત્સાહ અને આનંદ પૂર્વક આ દિવસ ઉજવે છે. રથયાત્રાના દિવસે ભગવાનનો રથ ખેંચવાનું સૌભાગ્ય પણ કેટલાક લોકો લે છે.

મકરસંક્રાંતિથી શરૂ થાય છે તૈયારીઓ

આ વર્ષે રથયાત્રા 7 જુલાઈ, રવિવારના રોજ નીકળશે. રથયાત્રાની તૈયારીઓ અનેક દિવસ અગાઉ શરૂ થઈ જતી હોય છે. મકરસંક્રાંતિના દિવસથી રથ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે અને પછી આવનારી દરેક તિથિ સાથે સ્ટેપ બાય સ્ટેપ આ કાર્ય સંપન્ન થાય છે. ભારતભરમાં જગન્નાથપુરી, ઓડિશાની રથયાત્રા ફેમસ છે. ત્યારબાદ બીજા નંબરે આવે છે અમદાવાદ શહેરમાંથી નીકળતી રથયાત્રા. ભગવાનની રથયાત્રા સાથે અનેક ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે. અનેક રીતિરિવાજો પણ જોડાયેલા છે.

રથયાત્રાના 15 દિવસ પહેલા કેમ બીમાર થઈ જાય છે ભગવાન? hum dekhenge news

ભગવાન જગન્નાથ પડી જાય છે બીમાર

રથયાત્રાના આયોજનના બરાબર 15 દિવસ પહેલા ભગવાનની તબિયત ખરાબ થઈ જાય છે અને ભગવાન જગન્નાથ બીમાર પડી જાય છે. પૌરાણિક કથામાં જણાવવામાં આવ્યું છે કે, દરેક વખતે ભગવાન કૃષ્ણ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ પોતાની માસીના ઘરે ગયા હતાં, ત્યાં તેમણે સ્નાન કર્યુ, જેઠ મહિનાની અતિશય ગરમીમાં સ્નાન કર્યા બાદ ત્રણેય ભાઇ-બહેન બીમાર પડી ગયાં. ત્યારબાદ રાજ નામના વૈદ્યને બોલાવીને તેમનો ઈલાજ કરાવવામાં આવ્યો અને તેઓ 15 દિવસમાં સ્વસ્થ થઈ ગયાં. સ્વસ્થ થયા બાદ ત્રણેય ભાઈ-બહેન નગર યાત્રાએ નીકળ્યા. ત્યારથી દર વર્ષે આ પરંપરા નિભાવવામાં આવે છે.

અન્ય એક માન્યતા એવી પણ છે કે જગન્નાથ પુરીમાં ભગવાનના એક ભક્ત હતા અને તેમનું નામ હતું માધવદાસજી. તેઓ સવાર સાંજ પ્રભુની ભક્તિમાં લીન રહેતા. તેઓ જગન્નાથને જ સર્વેસર્વા માનતા હતા. એક વખત તેઓ બીમાર પડ્યા અને એટલી અશક્તિ આવી કે ઊભા પણ થઈ શકતા ન હતા. આસપાસના લોકોએ વૈધને બોલાવવા કહ્યું, પરંતુ તેઓ કહેતા કે મારો નાથ મારી રક્ષા માટે બેઠો છે તો મારે કોઈની સહાયતાની જરૂર નથી. તેમની પીડા અસહ્ય વધી ગઈ તો ભગવાન જગન્નાથ મનુષ્યરૂપ ધારણ કરીને તેમની સેવા કરવા આપ્યા. માધવદાસજીનો રોજ ખૂબ વધી ગયો હતો. તેમને મળમૂત્રનું પણ ભાન રહેતું ન હતું. તેમના વસ્ત્રોને જગન્નાથ પોતાના હાથથી સાફ કરતા અને તેમના શરીરને પણ સાફ કરતા હતા.

માધવદાસજીને ખ્યાલ આવી ગયો કે કોઈ પરિવારજન ન કરે એવી સેવા કરનાર આ મારો માધવ જ છે. તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા અને ભગવાનને ભેટી પડ્યા. માધવદાસજીએ કહ્યું કે ભગવાન તમે તો મારો રોગ ચપટીમાં મટાડી શકતા હતા તો એવું કેમ ન કર્યું, ત્યારે ભગવાને કહ્યું કે દરેક મનુષ્યના કર્મમાં જે લખેલું છે તે તો ભોગવવાનું જ છે. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં કોઈ પોતાના કર્મથી બચી શકતું નથી. હું મારા ભક્તને અસહ્ય કષ્ટમાં જોઈ શકતો નથી એટલે આજે તારો 15 દિવસનો રોગ હું લઈ લઉં છું. તે દિવસે જેઠ મહિનાની પૂર્ણિમા હતી. ભગવાન મંદિરે ગયા અને સ્નાન કર્યા બાદ તેમને તાવ આવવા લાગ્યો. ત્યારથી ભગવાન જગન્નાથ દર વર્ષે 15 દિવસ બીમાર થતા હોવાની પણ એક માન્યતા છે.

રથયાત્રાના 15 દિવસ પહેલા કેમ બીમાર થઈ જાય છે ભગવાન? hum dekhenge news

ભગવાન કેવી રીતે થાય છે સાજા?

ભગવાન જગન્નાથજી માટે આમ તો રોજ 56 ભોગ બનતા હોય છે, પરંતુ આ 15 દિવસોમાં ભગવાનની રસોઈ બંધ થાય છે. તેઓ જલ્દી સાજા થાય તે માટે તેમને લેપ લગાડવામાં આવે છે. તેમની બીમારી ઠીક કરવા માટે રોજ વૈધને પણ બોલાવવામાં આવે છે. ભગવાનને ફળ અને ફળોનો રસ ચઢાવવામાં આવે છે. તેમને માત્ર મીઠું દૂધ આપવામાં આવે છે. પુરીમાં તો મંદિરના કપાટ 15 દિવસ માટે બંધ કરી દેવામાં આવે છે. ભગવાન જમતા નથી એટલે ત્યાંના લોકો પણ 15 દિવસ ઉપવાસ કરે છે. જ્યારે ભગવાન સાજા થાય છે ત્યારે લોકોને દર્શન આપવા નીકળે છે. ભગવાનના દર્શન કર્યા બાદ જ લોકો ભોજન ગ્રહણ કરે છે. આધુનિક જમાનામાં પણ લોકોની આ શ્રદ્ધા આજે ડગમગી નથી.

આ પણ વાંચોઃ ના હાથ, ના પગ, ફક્ત મોટી આંખો, જગન્નાથના આ સ્વરૂપનું શું છે રહસ્ય?

Back to top button