સુકો મેવો કેમ જરૂરી? રોજ ખાવાનું વારંવાર કેમ કહેવાય છે?
- સુકો મેવો એક ફળ જ હોય છે. તડકામાં તેને સુકવવાની વિવિધ પ્રક્રિયાઓ દ્વારા તેમાં રહેલા પાણીને સુકવી દેવામાં આવે છે. સુકવવાની આ પ્રક્રિયા દરમિયાન તેનો આકાર નાનો થઈ જાય છે.
કદાચ જ કોઈ એવી વ્યક્તિ હશે જે સુકા મેવાને જોઈને લલચાતી નહીં હોય, તેના વિશે અનેક માન્યતા પ્રચલિત છે, કેટલીક ખોટી તો કેટલીક સાચી. સુકો મેવો માત્ર વજન ઘટાડવામાં ઉપયોગી નથી, પરંતુ તે કેન્સર, ડાયાબિટીસ, હ્રદયના રોગો સહિત અનેક ગંભીર બીમારીઓ સામે સુરક્ષા આપે છે. જો તમે વધુ માત્રામાં તેનું સેવન કરશો તો તમને જરૂર નુકશાન થશે. જોકે આ વાત માત્ર સુકા મેવા પર નહીં, ઘણી વસ્તુઓ પર લાગુ પડે છે.
કેવી રીતે બને છે સુકો મેવો
સુકો મેવો એક ફળ જ હોય છે. તડકામાં તેને સુકવવાની વિવિધ પ્રક્રિયાઓ દ્વારા તેમાં રહેલા પાણીને સુકવી દેવામાં આવે છે. સુકવવાની આ પ્રક્રિયા દરમિયાન તેનો આકાર નાનો થઈ જાય છે. મેવા વિવિધ વિટામીન્સ, મિનરલ્સ, ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટથી ભરપુર હોય છે. તેને ફળોની તુલનામાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. આ જ કારણ છે કે તેને એનર્જીથી ભરપુર એવુ સ્નેક માનવામાં આવે છે જે તમે ક્યારેય પણ ખાઈ શકો છો. ઠંડીની સીઝનમાં તાપમાનમાં ઝડપથી ઘટાડો થાય છે. આવા સમયે શરીરના તાપમાનને સામાન્ય રાખવા માટે વધારાની ઉર્જાની જરૂર પડે છે. મેવા બીજી પણ અનેક રીતે ફાયદાકારક હોય છે.
શરીરને બનાવશે મજબૂત
ઠંડીની સીઝનમાં લોકો વધુ બીમાર પડે છે, આવા સમયે શરદી-ખાંસી, ફ્લુથી લઈને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં શરીરમાં ઈમ્યુનિટીને મજબૂત રાખવી પણ મહત્ત્વનું છે. સુકો મેવો એન્ટીઓક્સિડન્ટ અને વિટામીન-સીથી ભરપુર હોય છે, જેના કારણે શરીર અંદરથી પણ મજબૂત થાય છે. અંજીર, કિસમિસમાં વિટામીન સી સારી એવી માત્રામાં હોય છે. તે ઠંડીમાં થતા ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે.
શરીર રહેશે ગરમ
મેવામાં સારી ફેટ હોય છે, જે શરીરમાં ઉષ્મા લાવે છે અને શરીરને ગરમ રાખે છે. તેના સેવનથી કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે. તાપમાનમાં થતો ઘટાડો હ્રદય રોગનું જોખમ વધારે છે, પરંતુ સુકા મેવામાં મળી આવતું ઓમેગા-3 ફેટી એસિડ હ્રદયને સ્વસ્થ રાથે છે અને માનસિક સ્વાસ્થ્યને સારુ બનાવે છે.
વજન નહીં વધે
મેવામાં કેલરી વધુ માત્રામાં હોય છે, તેથી લોકો વિચારે છે કે વજન વધી જશે. પરંતુ કેલરી એટલી બધી પણ હોતી નથી. તે ખાવાથી લાંબો સમય પેટ ભરાયેલુ રહેવાનો અહેસાસ થાય છે અને આપણે ઓવર ઈટિંગથી બચી શકીએ છીએ. મેવામાં ફાઈબર પણ સારી એવી માત્રામાં હોય છે, જેનાથી પાચન સારુ રહે છે.
ઉર્જામાં નહી આવે કમી
મેવા પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટથી ભરપુર હોય છે. તેના સેવનથી શરીરમાં ઉર્જાની કમી આવતી નથી, માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. જો તમે સવારના નાસ્તામાં એક નાની કટોરીમાં 4-5 પ્રકારના મેવા ખાશો તો દિવસભર ઉર્જાવાન બની રહેશો.
આ પણ વાંચોઃ વાતાવરણમાં ફેરફારથી વધે છે સીઝનલ ડિપ્રેશનનો ખતરોઃ બચવાના ઉપાયો