રાજ્યના ખંડ સમયના પ્રાધ્યાપકોની પીડા ગાંધીનગર સુધી પહોંચતી કેમ નથી?
ગાંધીનગર, 18 ઑક્ટોબર, 2024: રાજ્યના ખંડ સમયના પ્રાધ્યાપકોની પીડા ગાંધીનગર સુધી પહોંચતી કેમ નથી? આ પ્રશ્ન ગુજરાતના એ હજારો પાર્ટ-ટાઈમ પ્રાધ્યાપકોની સાથે સાથે હવે નિસબત ધરાવતા નાગરિકોને પણ થઈ રહ્યો છે. આવો પ્રશ્ન થવાનું કારણ એ છે કે, ગુજરાતના ખંડ સમયના પ્રાધ્યાપકો છેલ્લા કેટલાય વર્ષોથી વેતન સુધારણાની માંગ કરી રહ્યા છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેનો હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવતો નથી અને અમલ પણ કરવામાં આવતો નથી.
શિક્ષણનાં મંદિરમાં જે ગુરુઓ ભાવિ પેઢીનું ઘડતર કરી રહ્યા છે એ લોકો જ જો સન્માનપૂર્વકના વળતરથી વંચિત રહે તો? સમાજમાં શિક્ષકનું સ્થાન સૌથી ઊંચું હોવું જોઇએ અને એ માટે શિક્ષક પોતે અને તેમનો પરિવાર સન્માનપૂર્વક જીવી શકે એટલું વળતર મળવું જ જોઇએ- એ સિદ્ધાંત શાસનની પ્રાથમિક ફરજમાં આવે છે અને છતાં કમનસીબે ગુજરાતમાં, વિકસિત ગુજરાતમાં આ સિદ્ધાંતનું પાલન થતું નથી. આ પીડા ભોગવી રહેલાં સુરતના એક પ્રાધ્યાપિકાએ પોતાનું દુખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે અલકેશભાઈ, અમે ખંડ સમયના પ્રાધ્યાપકો જે સાવ નજીવા વેતનને કારણે પીડાઈ રહ્યા છે એ બધા રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવીએ છીએ. અમને પીએમ મોદી અને ગુજરાત સરકાર પ્રત્યે માન છે, અને એ કારણે અમે વારંવાર શાંતિપૂર્વક રજૂઆતો કરી હોવા છતાં કેમ અમારી માગણી સંતોષવામાં નથી આવતી એ જ અમને તો સમજાતું નથી. આ પ્રાધ્યાપિકાના કહેવા મુજબ, અમને નિવૃત્તિ લાભ પણ મળતો નહીં હોવાને કારણે ઘણાં પરિવારોમાં ખંડ સમયના નિવૃત્ત પ્રાધ્યાપકોએ રીતસર ઓશિયાળું જીવન જીવવું પડે એવી સ્થિતિ છે.
છેલ્લા કેટલાય વર્ષથી આખા રાજ્યના ખંડ સમયના પ્રાધ્યાપકો શાંતિપૂર્વક દેખાવો કરી રહ્યા છે, શિક્ષક દિને દીન શિક્ષકની વાત સાંભળો એવાં પોસ્ટર દેખાવો કરવા પડી રહ્યા છે અને છતાં આ અધ્યાપકોની વ્યથા શા માટે યોગ્ય સ્થાને પહોંચતી નથી એ પ્રશ્ન દિવસેને દિવસે ગંભીર બની રહ્યો છે.
આશ્ચર્યની વાત એ છે કે, 30/3/2017ના રોજ તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પોતે વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી હતી કે, “કોલેજોમાં જે ખંડ સમયના પ્રાધ્યાપકો છે તેમને તબક્કાવાર તેમના વિષયની ખાલી જગ્યાઓ ઉપર સિનિયોરિટી અને મેરિટના આધારે કાયમી કરવામાં આવશે….” છતાં પણ વિધાનસભામાં કરેલી આ જાહેરાતનો હજી સુધી સંપૂર્ણ અમલ થયો નથી…!!
યાદ રહે આ ખંડ સમયના અધ્યાપકોની જેતે સમયે UGCના ધારા-ધોરણો પ્રમાણે અને સરકારના નિયમાનુસાર નિમણૂકો થયેલી છે. ખંડ સમયના અધ્યાપકો 27/30 વર્ષ કરતાં પણ વધુ સમયથી નિષ્ઠાપૂર્વક અપૂરતા પગારમાં ફરજ બજાવી રહ્યા છે. તેઓનો પગાર માત્રને માત્ર 6000/-, 12000/-કે 18000/- જ છે. તેની સામે માત્ર થોડા વધારે લેક્ચર લેતાં (પૂર્ણ સમયના) અધ્યાપકોનો પગાર 2 લાખ કરતાં પણ વધારે છે. એક અધ્યાપક તરીકે તેઓ સન્માન અને ગૌરવ પૂર્વક જીવી શકે તે માટે તત્કાલીન નાયબ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાતનો સત્વરે અમલ થવો જરૂરી છે. હાલ 130 જેટલા અધ્યાપકોને હળાહળ અન્યાય થઈ રહ્યો છે.
યુજીસીના ધારાધોરણ મુજબ ગુજરાત સરકારની ભરતી પ્રક્રિયા મુજબ નિમણૂક પામેલા અને 30 વર્ષ કરતાં વધુ સમયથી અધ્યાપક તરીકે કાર્યરત ખંડ સમયના અધ્યાપકોનો પગાર ભારતના મોડેલ સ્ટેટ ગુજરાત રાજ્યમાં ₹8500 થી ₹25,500 જે વર્ગ ચારના કર્મચારીઓ કરતાં પણ ઓછો છે.
આ અધ્યાપકોએ પોતપોતાની કૉલેજની બહાર બેનર લઈને ઊભા રહેવું પડે અને સન્માનપૂર્વકના વેતનની માગણી કરવી પડે એના કરતાં શરમજનક બાબત બીજી કઈ હોઈ શકે? ગુજરાત રાજ્યની કોલેજોમાં છેલ્લા ૩૦ વર્ષ કરતાં વધુ વર્ષોથી ફરજ બજાવી રહેલા અને સતત શોષિત ખંડ સમયના અધ્યાપકો દ્વારા તેમના પડતર પ્રશ્નો અંગે સરકારમાં સેંકડો વખત રજૂઆતો કરવા છતાં પ્રશ્નોનું સમાધાન ન થતાં ખંડ સમયના અધ્યાપકોએ ગત ૦૫/૦૯/૨૦૨૪એ શિક્ષક દિવસના રોજને કાળી પટ્ટી/ કાળા કપડાં પહેરી બ્લેક દિવસ(કાળો દિવસ) તરીકે મનાવીને દીન શિક્ષકો(ગરીબ શિક્ષકો) એ આંદોલન શરૂ કર્યું હતું. એ આંદોલનના ભાગરૂપે ૦૫/૦૯/૨૦૨૪ના રોજ સમગ્ર ગુજરાત રાજ્યની લગભગ ૮૦થી વધુ કોલેજોમાં ખંડ સમયના અધ્યાપકોએ કાળા વસ્ત્રો/કાળી પટ્ટી પહેરીને કાળો દિવસ મનાવ્યો હતો.
આ કાર્યક્રમમાં ખંડ સમયના અધ્યાપકોને પૂર્ણ સમયના અધ્યાપકો અને નોન ટીચિંગ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ પણ તેઓને સહકાર આપ્યો હતો. ખંડ સમયના અધ્યાપકો 30થી વધુ વર્ષોની સળંગ નોકરી પછી માત્ર રૂ.૮,૫૦૦થી રૂ.૨૫,૫૦૦નો પગાર મેળવે છે. ખંડ સમયના અધ્યાપકોને પ્રોરેટા પગાર આપવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને(UGC) ૧૯૯૮માં જણાવ્યું છે, છતાં ગુજરાત સરકાર દ્વારા આ પગાર વધારો કર્યો નથી.
આ અગાઉ ખંડ સમયના અધ્યાપિકા બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાખડીઓ મોકલી પ્રોરેટા પગારની રક્ષા માંગી હતી. લોકસભા ૨૦૨૪ની સામાન્ય ચૂંટણી પહેલા તારીખ ૦૫-૦૩-૨૦૨૪ના રોજ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે પણ પગાર વધારા માટે આશ્વાસન આપ્યું હતું કે – “તમને સન્માનજનક પગાર આપીશું”. ઋષિકેશ પટેલની આ જાહેરાતને પણ છ માસ થઈ ગયા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી કે પગાર વધ્યો નથી. “આથી અમારે ના છૂટકે અમારે આંદોલનનું શસ્ત્ર ઉગામવું પડે છે” તેમ આ અધ્યાપકોએ ગયા મહિને જાહેર કરતાં કહ્યું હતું કે, હાલમાં ગુજરાત રાજ્યમાં વરસાદ અને પૂરની પરિસ્થિતિ હોઈ અમે શાંતિથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની શરુઆત કરી છે, અને ભવિષ્યમાં ઉગ્ર અને આશ્ચર્યજનક કાર્યક્રમો આપી આંદોલન જલદ બનાવવામાં આવશે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ફરી લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો, વિધર્મીએ હિન્દુ નામની આઈડી બનાવી યુવતીને ફસાવી