ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

ઠંડીમાં કેમ વધી જાય છે સાંધાનો દુખાવો? કેવી રીતે તેનાથી બચશો?

  • પીઠ અને ઘૂંટણનો દુખાવો એ સૌથી સામાન્ય સાંધાનો દુખાવો છે, જે મોટાભાગના લોકોને અસર કરે છે. હિપ્સ, હાથ અને કાંડામાં પણ દુખાવાના અનેક કિસ્સા સામે આવે છે

HD ન્યુઝ ડેસ્કઃ નિષ્ક્રિય જીવનશૈલી, ખાવાની ખોટી આદતો, અનિદ્રા અને સ્થૂળતાની વધતી સમસ્યાને કારણે માત્ર વૃદ્ધો જ નહીં યુવાનોના હાડકાં પણ નબળા પડી રહ્યાં છે. અમેરિકન કોલેજ ઓફ રુમેટોલોજી અનુસાર વિશ્વમાં દરેક ચોથો વ્યક્તિ સાંધાના દુખાવાથી પીડાય છે. આપણા સાંધા પણ બદલાતા હવામાનની અસરથી બચતા નથી. ઓર્થોપેડિક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર શિયાળામાં સાંધાના દુખાવા ખાસ કરીને ઘૂંટણના દુખાવાથી પીડાતા દર્દીઓની સંખ્યામાં 15-20 ટકાનો વધારો થાય છે.

સાંધાનો દુખાવો બોન ફ્લૂઈડ અથવા મેંમ્બ્રેનમાં પરિવર્તન આવવાથી, ઈજા અથવા અંદર કોઈ રોગના વિકાસને કારણે થઈ શકે છે. વધતી ઉંમર સાથે સાંધાઓ વચ્ચેના કાર્ટિલેજ કુશનને ફ્લેક્સિબલ અને ચીકણું બનાવી રાખનાર લુબ્રિકન્ટ ઘટવા લાગે છે. લિગામેન્ટ્સની લંબાઈ અને ફ્લેક્સિબિલિટી પણ ઘટે છે, જેના કારણે સાંધા સખત થઈ જાય છે. પીઠ અને ઘૂંટણનો દુખાવો એ સૌથી સામાન્ય સાંધાનો દુખાવો છે, જે મોટાભાગના લોકોને અસર કરે છે. હિપ્સ, હાથ અને કાંડામાં પણ દુખાવાના અનેક કિસ્સા સામે આવે છે.

સાંધાને પણ લાગે છે ઠંડી

વાતાવરણમાં ઠંડક વધવાથી સાંધાઓની રક્તવાહિનીઓ સાંકડી થઈ જાય છે, જેના કારણે અહીં લોહીના પ્રવાહ પર અસર પડે છે, તેથી સાંધા ઠંડા અને કડક થઈ જાય છે. તેમાં દુખાવો વધે છે. જ્યારે બહારના તાપમાનમાં ઘટાડો થાય છે, ત્યારે ફેફસાં અને હૃદય જેવા મહત્ત્વપૂર્ણ અંગોને ગરમ રાખવા માટે તેમની તરફ બ્લડ સર્ક્યુલેશન વધે છે, જેના કારણે પગ અને હાથમાં રક્તપ્રવાહ ઘટે છે, આ કારણે સાંધાઓની સામાન્ય કામગીરીને અસર થાય છે. આપણા સાંધામાં સાયનોવિયલ નામનું એક ફ્લુઈડ ય છે. જ્યારે તાપમાન ઘટે છે, ત્યારે તે થોડું જાડું બને છે. તેનાથી સાંધા જકડાઈ જાય છે અને દુખાવો વધી શકે છે. ઠંડી વધવાને કારણે માંસપેશીઓ જકડાઈ જાય છે, જેના કારણે તેમની ફ્લેક્સિબીલીટી ઘટી જાય છે. તેનાથી સાંધાઓ, ખાસ કરીને ઘૂંટણ પર પણ દબાણ વધે છે. શિયાળામાં હવાનું દબાણ ઓછું થાય છે, જેના કારણે ટેંડન, સ્નાયુઓ અને માંસપેશીઓમાં સોજો આવે છે, જેનાથી સાંધામાં દુખાવો થઈ શકે છે.

સાંધાનો દુખાવો દૂર રાખવા માટેના પાંચ નિયમો

ઠંડીમાં કેમ વધી જાય છે સાંધાનો દુખાવો? કેવી રીતે તેનાથી બચશો? hum dekhenge news

1. શરીરને ગરમ રાખો:

ઠંડા હવામાનમાં ઠંડા પવનોના સીધા સંપર્કથી તમારા શરીરને સુરક્ષિત કરો. કપડાંની નીચે થર્મલ પહેરો. મોજાં જરૂર પહોરો. જ્યારે તાપમાન અત્યંત નીચું હોય ત્યારે ખુલ્લામાં વર્કઆઉટ ન કરો. દરરોજ સૂર્યપ્રકાશમાં 20-30 મિનિટ વિતાવો. તેનાથી તમને વિટામિન ડી પણ મળશે અને સાંધાના દુખાવામાં પણ રાહત મળશે. શિયાળામાં મુઠ્ઠીભર ડ્રાયફ્રૂટ્સ ખાઓ. તે શરીરને ગરમ રાખે છે અને તેમાં મળતું વિટામિન ઈ સાંધામાં લુબ્રિકેશન જાળવવામાં મદદ કરે છે. જો તમારું શરીર શિયાળામાં ગરમ ​​રહે છે, તો તમારા સાંધા જકડાશે નહીં.

2. સક્રિય રહો:

​​શિયાળામાં પથારીમાંથી ઉઠવાનું કદાચ મન નહીં થતું હોય, પરંતુ નિયમિત કસરત હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવે છે અને તેમની ગતિશીલતામાં વધારો કરે છે. નિષ્ક્રિય રહેવાથી સાંધામાં દુખાવો અને જડતા વધે છે. તેથી શિયાળામાં પણ તમારી વર્કઆઉટ રૂટીન ચાલુ રાખો.

3. વજન વધવા ન દોઃ

ઠંડા વાતાવરણમાં શરીરને ગરમ રાખવા માટે વધુ ઊર્જાની જરૂર પડે છે, તેથી આપણને વધુ ભૂખ લાગે છે. આવી સ્થિતિમાં તળેલા ખોરાક અને કેફીન (ચા, કોફી વગેરે) નું સેવન વધી જાય છે. તેનાથી વજન વધી શકે છે, પરંતુ સાંધાને સ્વસ્થ રાખવા માટે વજન નિયંત્રણમાં રાખવું જરૂરી છે. થોડું વજન વધવાથી પણ સાંધાઓ, ખાસ કરીને ઘૂંટણ, પગની ઘૂંટી અને હિપ્સ પર વધારાનું દબાણ પડે છે. પ્રોસેસ્ડ ખોરાક લેવાનું ટાળો, તે પેટ ફૂલવાનું કારણ બની શકે છે.

ઠંડીમાં કેમ વધી જાય છે સાંધાનો દુખાવો? કેવી રીતે તેનાથી બચશો? hum dekhenge news

4. હાઈડ્રેટેડ રહો: ​​

શિયાળામાં તમને પરસેવો ન આવતો હોવાનો અર્થ એ નથી કે તમારા શરીરમાંથી પ્રવાહી બહાર નીકળી રહ્યું નથી. આ ઋતુમાં હવા શુષ્ક થઈ જાય છે, જેના કારણે તમારું શરીર ત્વચા અને શ્વાસ દ્વારા ભેજ ગુમાવે છે. જો તમે વધારે પાણી પી શકતા ન હોવ તો સૂપ, હર્બલ ટી જેવા ગરમ પીણાંનું સેવન કરો. તેનાથી શરીર ગરમ રહેશે અને ભેજ પણ જળવાઈ રહેશે.

5. સાવચેત રહોઃ

જો તમને સાંધાનો દુખાવો થતો હોય તો સાંધા પર હીટિંગ પેડ લગાવો જેથી તમારા સ્નાયુઓને આરામ મળે. હૂંફાળા તેલથી માલિશ કરવાથી સાંધાને આરામ મળે છે. જો દુખાવો વધી જાય તો તમે તબીબી સલાહ મુજબ પેઈનકિલર અને બળતરા વિરોધી દવાઓ પણ લઈ શકો છો.

આ પણ વાંચોઃ શું તમે પણ આ વિટામિન્સની કમીથી ઝઝૂમી રહ્યા છો? જાણો લક્ષણ અને ઉપાય

આ પણ વાંચોઃ શિયાળામાં ખૂબ પી લો બીટનો જ્યુસ, પાચનતંત્ર સુધરશે, થશે અનેક ફાયદા

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button