ટ્રેન્ડિંગનેશનલ

‘વિધવાને મેક-અપની શું જરૂર’ પટના HCની ટિપ્પણી સાંભળીને SC સ્તબ્ધ, લગાવી ફટકાર

  • પટના હાઈકોર્ટની આ ટિપ્પણીથી નારાજ થઈને સુપ્રીમ કોર્ટે આપ્યો જોરદાર ઠપકો 

નવી દિલ્હી, 28 સપ્ટેમ્બર: વિધવાને મેકઅપની શું જરૂર પડે? પટના હાઈકોર્ટની આ ટિપ્પણીથી સુપ્રીમ કોર્ટ ખૂબ નારાજ થઈ છે. સુપ્રીમ કોર્ટે પટના હાઈકોર્ટને જોરદાર ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મેક-અપ સામગ્રી અને વિધવા સંબંધી પટના હાઈકોર્ટની ટિપ્પણીને અત્યંત વાંધાજનક ગણાવી છે. સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું હતું કે, આવી ટિપ્પણી કોર્ટ પાસેથી અપેક્ષિત સંવેદનશીલતા અને તટસ્થતા સાથે સુસંગત ધરાવતી નથી.” સુપ્રીમ કોર્ટ 1985ના એક હત્યા કેસમાં પટના હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અપીલ પર વિચાર કરી રહી હતી. જેમાં એક મહિલાનું કથિત રીતે તેના પિતાનું ઘર કબજે કરવા માટે અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

પટના હાઈકોર્ટે આ કેસમાં પાંચ લોકોની સજાને યથાવત રાખી હતી અને અન્ય બે સહઆરોપીઓને નિર્દોષ છોડી મૂકવાના નિર્ણયને ફગાવી દીધો હતો. કોર્ટે બંને વ્યક્તિને દોષિત ઠેરવ્યા હતા અને આજીવન કેદની સજા ફટકારી હતી, જેમને અગાઉ નીચલી અદાલત દ્વારા તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી અને સતીશ ચંદ્ર શર્માની ખંડપીઠે જણાવ્યું હતું કે, હાઈકોર્ટે આ પ્રશ્નની તપાસ કરી હતી કે શું પીડિતા ખરેખર તે ઘરમાં રહેતી હતી કે જ્યાંથી તેનું કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, મહિલાના મામા અને અન્ય સંબંધી અને તપાસ અધિકારીની જુબાનીના આધારે હાઈકોર્ટ એ તારણ પર આવી હતી કે તે આ ઘરમાં રહેતી હતી. તપાસ અધિકારીએ ઘરનું નિરીક્ષણ કર્યું હતું અને કેટલાક મેક-અપ સામગ્રી સિવાય, મહિલા ખરેખર ત્યાં રહેતી હોવાનું દર્શાવવા માટે કોઈ સીધી સામગ્રી એકત્રિત કરી શકી ન હતી. બેન્ચે કહ્યું કે અલબત્ત, અન્ય એક મહિલા કે જે વિધવા હતી, તે પણ ઘરના એ જ ભાગમાં રહેતી હતી.

સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણીને ફટકાર લગાવી

ખંડપીઠે કહ્યું હતું કે, હાઈકોર્ટે આ હકીકતની નોંધ લીધી હતી, પરંતુ તે કહીને તેને રદિયો આપ્યો કે, ‘અન્ય મહિલા વિધવા હોવાથી, મેકઅપની વસ્તુઓ તેની હોઈ શકે નહીં, કારણ કે વિધવા હોવાને કારણે તેને મેકઅપ કરવાની શું જરૂર.‘ સુપ્રીમ કોર્ટની બેંચે તેના નિર્ણયમાં કહ્યું કે, ‘અમારી દૃષ્ટિએ હાઈકોર્ટની ટિપ્પણીઓ માત્ર કાયદાકીય રીતે અસુરક્ષિત છે પરંતુ તે અત્યંત વાંધાજનક પણ છે. આવી સ્પષ્ટ ટિપ્પણીઓ કાયદાની અદાલતની અપેક્ષિત સંવેદનશીલતા અને તટસ્થતાને અનુરૂપ નથી, ખાસ કરીને જ્યારે તે સાબિત કરવા માટે રેકોર્ડ પર કોઈ પુરાવા જ નથી.”

સુપ્રીમ કોર્ટમાં શું હતો મામલો

ખંડપીઠે કહ્યું કે, “આખા ઘરમાં મૃતકના કપડાં અને ચપ્પલ જેવી કોઈ અંગત વસ્તુઓ મળી નથી. પીડિતાનું મૃત્યુ ઓગસ્ટ 1985માં મુંગેર જિલ્લામાં થયું હતું અને તેના સંબંધીએ રિપોર્ટ નોંધાવ્યો હતો કે તેનું સાત લોકોએ તેના ઘરેથી અપહરણ કર્યું હતું. જેથી FIR નોંધવામાં આવી અને બાદમાં સાત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી. ટ્રાયલ કોર્ટે પાંચ આરોપીઓને હત્યા સહિતના ગુનામાં દોષિત ઠેરવ્યા હતા, જ્યારે અન્ય બેને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતા.” સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, રેકોર્ડ પર એવો કોઈ સીધો પુરાવો નથી કે જે સાબિત કરે કે આરોપીએ હત્યા કરી છે.” જેથી સર્વોચ્ચ અદાલતે તમામ આરોપોમાંથી સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા અને નિર્દેશ આપ્યો કે, જો તેઓ કસ્ટડીમાં હોય, તો તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે.

આ પણ જૂઓ: રેપ કેસમાં DNA રિપોર્ટ જોયા વગર જ સજા અપાઈ, પછી થયું એવું કે સૌ ચોંકી ગયા, જાણો શું છે ઘટના

Back to top button