વરસાદની ઋતુમાં જ કીડીઓેને કેમ લાગી જાય છે પાંખો? જાણો તેની પાછળનું રસપ્રદ કારણ
HD ન્યૂઝ ડેસ્ક, 12 જુલાઈ: ચોમાસું આવી ગયું છે અને આ સિઝનમાં અનેક વરસાદી જીવડાં ઘરોમાં કે આજુ બાજુમાં જોવા મળે છે. તમે જોયું જ હશે કે વરસાદ દરમિયાન કીડીઓની પાંખો બહાર આવે છે, પરંતુ શું તમે જાણો છો કે આવું કેમ થાય છે? પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ કીડીઓની પાંખો બહાર આવ્યા પછી મરી પણ જાય છે. ચાલો તમને જણાવીએ કે આવું કેમ થાય છે. કીડીઓની પાંખો અને તેમના મૃત્યુ વચ્ચે શું સંબંધ છે?
જુલાઇમાં સૌથી વધુ જોવા મળે પાંખો વાળી કીડીઓ
જૂનના વરસાદ પછી, જુલાઈમાં કીડીઓની પાંખો ઉભરાવા લાગે છે. કારણ કે આ સમય તેમના સમાગમનો સમય છે. જો કે, આપણે જે કીડીઓ જોઈએ છીએ તેને પાંખો હોતી નથી. પરંતુ કીડીઓની ઉડતી પ્રજાતિઓને ઉડતી કીડી કહેવામાં આવે છે. વાસ્તવમાં, ઉડતી કીડીઓની રાણી અને નર કીડીઓને પાંખો હોય છે. તેઓ આખું વર્ષ ભૂગર્ભમાં રહે છે પરંતુ જુલાઈ મહિનામાં તેઓ બહાર આવે છે અને ઉડતી જોવા મળે છે.
સમાગમ પછી જીવન થઈ જાય છે સમાપ્ત
વરસાદની ઋતુ કીડીઓ માટે પ્રજનનકાળ છે. આ ઋતુમાં એક માદા કીડી સાથે અનેક નર કીડીઓ હોય છે. આમાંની એક અથવા વધુ નર કીડીઓ માદા કીડીને ઈંડા આપવામાં મદદ કરે છે. જ્યારે તેઓ ઉડે છે, ત્યારે તેને મેટિંગ ફ્લાઇંગ કહેવામાં આવે છે.
સામાન્ય રીતે આ ઉડાન પછી નર કીડીઓનું જીવન સમાપ્ત થઈ જ જતું હોય છે અને તેઓ મૃત્યુ પામે છે. એટલે કે, પ્રજનન પ્રક્રિયા પછી નર કીડીનું જીવન સમાપ્ત થાય છે. માદા કીડીઓ સુરક્ષિત જગ્યાએ જાય છે અને ઇંડા આપવાનું શરૂ કરે છે. તેઓને હવે ઉડવાની જરૂર ન હોવાથી તેમની પાંખો નાશ પામે છે અને તે આ પીછાઓને પોતાનો ખોરાક બનાવે છે. આ જ કારણ છે કે આપણે વરસાદમાં પાંખવાળી કીડીઓ જોઈએ છીએ.
ખોરાક સ્ટોર કરવા માટે નીકળે છે બહાર
તમે જોયું હશે કે વરસાદ પછી કીડીઓ જમીન પર ખૂબ જ જોવા મળે છે. વાસ્તવમાં, કીડીઓ ભેજથી બચવા માટે જમીનમાંથી બહાર આવે છે અને આ સમયે તમામ કીડીઓ તેમનો ખોરાક સંગ્રહ કરીને રાખે છે. ખાસ કરીને વરસાદની ઋતુમાં કીડીઓ બહાર આવે છે અને પોતાનો ખોરાક સંગ્રહ કરે છે કારણ કે વરસાદ પછી શિયાળાની શરુઆત થઈ જાય છે એટલે આગળ ઠંડુ હવામાન થઈ જાય છે, તેથી તેઓ ભવિષ્યના ઉપયોગ માટે ખોરાકનો સંગ્રહ કરે છે.
આ પણ વાંચો: લાઈટ ચાલુ કરતા જ ઘરમાં ઘૂસી જાય છે વરસાદી જીવડાં? આ રીતે મેળવો છૂટકારો