શેરબજાર આજે શનિવારે શા માટે ચાલુ રહ્યું? કેવું રહ્યું ટ્રેડિંગ?


- કામકાજને અસર કરી શકે તેવી કોઈપણ અણધારી ઘટનાને પહોંચી વળવા સ્ટોક એક્સચેન્જને તૈયાર રાખવા માટે ખાસ સત્રનું આયોજન
- પ્રથમ સત્રમાં સેન્સેક્સ 114.91 પોઈન્ટના વધારા સાથે તો નિફ્ટી 56.25 પોઇન્ટના વધારા સાથે થયું બંધ
HD ન્યૂઝ ડેસ્ક, 2 માર્ચ: NSE અને BSE સ્ટોક એક્સચેન્જો પર આજે શનિવારે બે સેશનમાં સ્પેશિયલ ટ્રેડિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. કામકાજને અસર કરી શકે તેવી કોઈપણ અણધારી ઘટનાને પહોંચી વળવા સ્ટોક એક્સચેન્જને તૈયાર રાખવા માટે આ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ સેશનમાં બજાર તેજી સાથે બંધ થયું છે. આ સત્ર સવારે 9:15 થી 10 વાગ્યા સુધી યોજાયું હતું. પ્રથમ સત્રમાં BSE સેન્સેક્સ 0.16 ટકા અથવા 114.91 પોઈન્ટના વધારા સાથે 73,860.26 પર બંધ થયો હતો. પ્રથમ સત્રમાં બજાર બંધ થયું ત્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 19 શેર લીલા નિશાન પર અને 11 શેર લાલ નિશાન પર હતા. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી પ્રથમ સત્રમાં 0.25 ટકા અથવા 56.25 પોઇન્ટના વધારા સાથે 22,395 પર બંધ થયો હતો.
કયા શેર્સમાં ઉછાળો જોવા મળ્યો ?
સ્પેશિયલ ટ્રેડિંગ દરમિયાન, હીરો મોટોકોર્પ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, એપોલો હોસ્પિટલ અને ડૉ. રેડ્ડીઝના શેર પ્રથમ સત્રમાં વધ્યા હતા. તે જ સમયે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, NTPC, ગ્રેસીમ, એક્સિસ બેંક અને સન ફાર્માના શેર ઘટાડા સાથે બંધ થયા હતા. સેક્ટોરલ સૂચકાંકોની વાત કરીએ તો 1 સિવાય તમામ સૂચકાંક લીલા નિશાનમાં બંધ થયા છે. નિફ્ટી મીડિયા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને નિફ્ટી હેલ્થકેરમાં મહત્તમ વધારો જોવા મળ્યો હતો. તે જ સમયે, નિફ્ટી પ્રાઈવેટ બેંકમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો.
શા માટે ખાસ ટ્રેડિંગ સેશન થઈ રહ્યું છે?
BSE અને NSE પર આજે શનિવારે ખાસ લાઈવ ટ્રેડિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઇન્ટ્રાડેમાં કામકાજને ડિઝાસ્ટર રિકવરી સાઇટ પર લાવવામાં આવી રહ્યું છે. કામકાજને અસર કરી શકે તેવી કોઈપણ અણધારી ઘટનાને પહોંચી વળવા એક્સચેન્જને તૈયાર રાખવા માટે આ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ ટ્રેડિંગ સત્ર સવારે 9:15 થી સવારે 10 વાગ્યા સુધી રાખવામાં આવે છે. જ્યારે, બીજું ટ્રેડિંગ સેશન સવારે 11:30 થી બપોરે 12:30 સુધી રહેશે.
આ પણ જુઓ: ફેબ્રુઆરી માસમાં રૂ.1.68 લાખ કરોડની GST આવક નોંધાઈ