રાજ્યના રેશનિંગ દુકાનદારોએ સરકાર સામે કેમ ચઢાવી બાયો? હડતાળની ચિમકી
ગાંધીનગર: ગુજરાતમાં સસ્તી અનાજના દુકાનદારોએ રાજ્યની ભૂપેન્દ્ર સરકાર સામે બાયો ચઢાવતા હડતાળની ચિમકી આપી છે. વાત જાણે એમ છે કે, રાજ્યભરમાં રહેલી સસ્તી અનાજની દુકાનદારોએ પોતાનું કમિશન વધારવાની માંગ પાછલા કેટલાક સમયથી કરી રહ્યાં છે. જોકે, તે અંગે સરકાર તેમની વાત ધ્યાન પર લઈ રહી ન હોવાના કારણે અંતે તેમને સરકારને આગમી મહિનેથી હડતાળ પર ઉતરવાની ચિમકી આપી છે.
આગામી દિવસોમાં રક્ષાબંધન સહિતના અનેક ધાર્મિક મેળાવડા અને તહેવાર આવી રહ્યાં છે. તેવામાં રેશનિંગના દુકાનદારો હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારતા ગરીબ અને મધ્યમ વર્ગના લાખો પરિવારને મુશ્કેલી ઉભી થઈ શકે છે. ગુજરાતમાં રેશનિંગ દુકાન ચલાવતા 17000 જેટલા દુકાનદારોએ કમિશન મુદ્દે ચીમકી આપી છે કે તેઓ અનાજનો પુરવઠો લેવાનું બંધ કરી દેશે.
આ પણ વાંચો- આણંદ કલેક્ટર કચેરીના કાંડ મામલે મોટો ખુલાસો, આરોપીએ બનાવેલા ગ્રુપમાં નાયબ મામલતદારોને અપાતી ક્રીમ પોસ્ટિંગ
વેપારીઓની માંગણી છે કે હાલ દુકાનદારોને કિલોએ 1.43 રૂપિયા કમિશન મળે છે, જેને વધારીને બે રૂપિયા કરવામાં આવે. અગાઉ જ્યારે દુકાનદારોએ હડતાલ પાડી હતી ત્યારે દુકાનદારોના કમિશન અંતર્ગત સરકારે દુકાનદારોને 20,000 રૂપિયા ચૂકવી આપવાની વાત કરી હતી. જોકે, તે વાતને અભરાઇ ઉપર ચઢાવી દેવામાં આવી છે.
આ ઉપરાંત અન્ય પડતર માંગણી પણ પુરી કરવા માંગ કરી છે. આમ જો સરકાર તેનો નિકાલ નહીં લાવે તો પહેલી સપ્ટેમ્બરથી રેશનની દુકાનોમાં રેશન નહીં મળે અને બીજી તરફ તહેવાર ટાણે રેશનકાર્ડ પર અનાજ લેતા પરિવારો મુશ્કેલીમાં મુકાઇ શકે છે.
આ પણ વાંચો- દાંતા તાલુકાના ખેડૂતો સાથે ટ્રેક્ટરની છેતરપિંડી, 52 ટ્રેક્ટર લઈને ઠગબાજો થઈ ગયા હતા ફરાર