અમદાવાદટ્રેન્ડિંગ

શહેરની પૉશ સોસાયટી ઓલિવ ગ્રીન્સના ચેરમેનને કેમ હોદ્દા પરથી રાજીનામું આપવું પડ્યું?

  • મળતિયાઓની સાથે મળીને સોસાયટી ફંડમાં ગોટાળા કરવાનો સભ્યોનો આક્ષેપ

અમદાવાદ, 20 ઑક્ટોબર, 2024: શહેરના ટૉપ-એન્ડ વિસ્તાર ગોતામાં આવેલી ઓલિવ ગ્રીન્સના ચેરમેન ધર્મેન્દ્ર રૉય વિવાદમાં સપડાયા છે. તેમના ઉપર સોસાયટીના ભંડોળમાં ગોટાળા કરવાનો સભ્યોએ આક્ષેપ કર્યા બાદ ધર્મેન્દ્ર રૉયને હોદ્દા પરથી રાજીનામું આપી દેવાની ફરજ પડી હોવાનું જાણવા મળે છે.

પશ્ચિમ અમદાવાદમાં ગોતા જેવા પૉશ વિસ્તારમાં ઓલિવ ગ્રીન્સ નામે સ્કીમ છે. અહીં રેસિડેન્શિયલ તેમજ કોમર્સિયલ બંને પ્રકારના એકમો આવેલાં છે. આ વૈભવી સોસાયટીમાં કુલ 460 ફ્લેટ અને 96 કોમર્સિયલ પ્રોપર્ટી છે. આ સોસાયટીમાં હવે મેન્ટેનન્સની રકમના મુદ્દે વિવાદ થયો છે. સોસાયટીના મેન્ટેનન્સની રકમમાં રહેણાંક અને કોમર્સિયલ એકમો વચ્ચે ભારે તફાવત હોવાથી સભ્યોમાં મોટાપાયે નારાજગી ઊભી થઈ છે. કોમર્સિયલ એકમોના સભ્યોએ એ બાબતે સખત વાંધો ઉઠાવ્યો છે કે, તેમના ઉપર પ્રતિ ચોરસ ફૂટ ત્રણ રૂપિયા લેખે (અને પાણીનો વધુ ઉપયોગ થતો હોય એવા એકમો ઉપર વધારાના રૂપિયા બે (એમ કુલ પાંચ રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ)નો દર લાગુ કરવાનો સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે. આ રકમ ઉપર 18 ટકા લેખે GSTની ગણતરી કરવામાં આવે તો કોમર્સિયલ એકમોએ ભરવાની થતી રકમ રહેણાંક એકમો કરતાં ઘણી વધી જાય છે.

આ સોસાયટીના સભ્યોની નારાજગીનું બીજું પણ એક મોટું કારણ છે એપાર્ટમેન્ટના કદ પ્રમાણે મેન્ટેનન્સની રકમનો નિર્ણય. નારાજ થયેલા સભ્યોનો તર્ક એવો છે કે, એપાર્ટમેન્ટના કદ પ્રમાણે અલગ અલગ મેન્ટેનન્સની રકમ નિર્ધારિત કરવામાં આવી છે. તે અનુસાર નાનામાં નાના 1900 ચોરસ ફૂટના ફ્લેટનું મેન્ટેનન્સ રૂ. 3600 નક્કી કરવામાં આવ્યું હોય તો 3,600 ચોરસ ફૂટના ફ્લેટનું એના ગુણાંકમાં મેન્ટેનન્સ થવું જોઈએ, પરંતુ ચેરમેન અને તેમના મળતિયાઓએ મોટા કદના ફ્લેટ તેમના પોતાના અંડરમાં હોવાથી તેનું મેન્ટેનન્સ માત્ર 4500 રૂપિયા રાખ્યું છે. અને આ બાબતે જ સોસાયટીના અન્ય સભ્યોએ વાંધો ઉઠાવ્યો છે.

વાંધા – વિરોધ એટલા મોટાપાયે થઈ ગયા કે ધર્મેન્દ્ર રૉયે ચેરમેનપદેથી રાજીનામું આપી દેવું પડ્યું. સોસાયટીના અનેક સભ્યો રૉય ઉપર નાણાકીય ગેરરીતિના આક્ષેપ કરી રહ્યા છે. ધર્મેન્દ્ર રૉય ઉપર એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે તેમણે સોસાયટીની કમિટીમાં કોમર્સિયલ એકમોના પ્રમાણમાં સભ્યોનો સમાવેશ કર્યો નથી. તેમણે  કોમર્સિયલ યુનિટોમાંથી માત્ર બે જ જણને કમિટીમાં લીધા છે અને આશ્યર્યજનક વાત એ છે કે એ બંને કમિટી મેમ્બર એપાર્ટમેન્ટ પણ ધરાવે છે અને કોમર્સિયલ એકમો પણ ધરાવે છે. વળી ચેરમેન તરીકે રૉયે જે કોઈ નિર્ણયો લીધા હતા તે માત્ર પોતાના અને મળતિયાઓના લાભ માટે જ લીધા હતા એમ પણ સોસાયટીના અન્ય સભ્યો કહી રહ્યા છે.

આ મામલામાં હાલની સ્થિતિ એવી છે કે, સોસાયટીના તમામ સભ્યોએ મેન્ટેનન્સ ભરવાનું બંધ કરી દેવાનો નિર્ણય લીધેલો છે અને તેને પરિણામે લોકોના પાણી અને વીજળીનાં કનેક્શનો કપાઈ જવાની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. છેલ્લે સ્થિતિ એવી ઊભી થઈ છે કે સોસાયટીના કેટલાક સભ્યો તો ધર્મેન્દ્ર રૉય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ તૈયારી કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ એક જ ‘X’ એકાઉન્ટમાંથી 46 વિમાનોને ધમકી, લખાણ પણ એકસરખું; યુઝર્સની શોધ ચાલુ 

Back to top button