રાજકોટ શહેરમાં પોલીસ ચોકીમાં જ આરોપીએ કેમ કર્યો આપઘાત? પોલીસ શંકાના ઘેરામાં
રાજકોટ શહેરના જ્યુબિલી પોલીસ ચોકીમાં પીએસઆઇની નજર સામે તસ્કરે તીક્ષ્ણ હથિયારનો ઘા પોતાના ગળા પર ફેરવી ગળું કાપી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. ચોરીના આરોપસર ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાયેલા તસ્કરે પોલીસની સામે જ કરેલા આપઘાતમાં શહેર પોલીસ પર પણ સવાલો ઉભા થયા છે. વાંચો આ અહેવાલ…
શું છે સમગ્ર મામલો ?
રાજકોટ શહેરના રજપૂતપરામાં આવેલી દુકાનમાંથી 5 દિવસ અગાઉ રૂ.1,82,040ના સેનિટરી વેર અને બાથ ફિટિંગ સામાનની ચોરી થઇ હતી. રાજકોટ એ.ડિવિઝન પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી અને પીએસઆઇ વાઘેલા સહિતના સ્ટાફે રામનાથપરા વિસ્તારમાં સાઇકલ રેંકડીમાં ચોરીના મુદ્દામાલ સાથે નીકળેલા કુબલિયાપરાના અનિલ જયંતી ચારોલિયા અને દેવપરાના વિકી ભીખુ તરેટિયાને ચોરીના મુદ્દામાલ સાથે ગુરુવારે સવારે ઝડપી લીધા હતા. દૂકાનમાંથી ચોરી થયેલો તમામ મુદ્દામાલ પોલીસે હાથવગે કરી અનિલ અને વિકી બંનેની ધરપકડ કરી હતી.
પોલીસની હાજરીમાં જ કસ્ટડીમાં આરોપીનું મોત!
ચોરીના ગુનામાં ઝડપાયેલા બંન્ને આરોપીને લઈને PSI ચૌહાણ જ્યુબિલી ચોકીએ લઇ ગયા હતા. પોલીસ બંને આરોપીઓની અનિલ અને વિકીની પૂછપરછ કરી રહ્યા હતા તે વખતે મનસુખભાઇ નામના એક અરજદાર પણ ચોકીમાં આવ્યા હતા. પોલીસ ચોકીમાં પૂછપરછનો દોર અને કાર્યવાહી ચાલુ હતી તે વખતે અચાનક જ અનિલ ચારોલિયાએ પોતાના ગળા પર તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી દીધો હતો અને તેનું ગળું કપાઇ ગયું હતું. લોહિયાળ હાલતમાં અનિલ બાજુમાં બેઠેલા તેના સાગરીત વિકીના ખોળામાં પટકાયો હતો. નજર સામે જ ઘટના બનતા પીએસઆઇ ચૌહાણ, અરજદાર મનસુખભાઇ અને વિકી તરેટિયા બેબાકળા બની ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા અનિલને તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ પોલીસ સામે સવાલો ઉભા કર્યા છે.
પોલીસ પર ઉભા થયા સવાલો:
પોલીસ ચોકીમાં આરોપીના આપઘાતની ઘટનાથી ચકચાર મચી ગઇ હતી. આરોપી પાસે કેવી રીતે હથિયાર આવ્યુ તે સવાલ મોટો સવાલ છે. પોલીસ ચોકીમાં પોલીસની હાજરીમાં થયેલા આરોપીના મૃત્યુ માટે જવાબદાર કોણ તેવા સવાલો લોકો કરી રહ્યા છે?
આ પણ વાચો: નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે ₹75નો સિક્કો લોન્ચ થશે, જાણો તેની ખાસિયત