‘કપડા જોઈને નજર ઝુકી જાય છે’ સંસદમાં કેમ ભડક્યા સપા નેતા રામ ગોપાલ યાદવ?
- સાંસદ પ્રોફેસર રામ ગોપાલ યાદવે રાજ્યસભામાં ઝીરો અવર દરમિયાન ઈન્સ્ટાગ્રામ રીલ્સનો મુદ્દો ઉઠાવ્યો
નવી દિલ્હી, 6 ઓગસ્ટ: સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રોફેસર રામ ગોપાલ યાદવે મંગળવારે રાજ્યસભામાં ઝીરો અવર દરમિયાન ઈન્સ્ટાગ્રામ રીલ્સનો મુદ્દો ઉઠાવ્યો હતો. પ્રોફેસર રામ ગોપાલ યાદવે રીલ બનાવનારાઓ પર ગુસ્સે થતા કહ્યું હતું કે, લોકો એવા કપડા પહેરે છે જેના લીધે નજર ઝુકી જાય છે. જો કોઈ પણ સમાજમાં નગ્નતા અને મદિરાપાન વધે છે તો સંસ્કૃતિ નાશ પામે છે.’ પ્રોફેસર યાદવે સરકારને આને રોકવા માટે કડક પગલાં ભરવાની માંગ કરી અને જનસંઘના સમયથી ભારતીય સભ્યતા અને સંસ્કૃતિની રક્ષાના સૂત્રને પણ યાદ કરાવ્યું.
Watch: Samajwadi Party MP Ram Gopal Yadav raises the issue of Instagram Reels in the Rajya Sabha. He criticises the creators of these reels, saying that people wear such clothing that it forces others to avert their gaze… pic.twitter.com/25WJsKxWXR
— IANS (@ians_india) August 6, 2024
રામ ગોપાલ યાદવે સાંસદમાં શું કહ્યું?
સાંસદ રામ ગોપાલ યાદવે કહ્યું કે, “અમારા જમાનામાં છઠ્ઠા ધોરણથી અંગ્રેજી શીખવવામાં આવતું હતું. જ્યારે બાળક થોડું શીખી લેતો હતો ત્યારે તેને કહેવામાં આવતું હતું કે,’કેરેક્ટર ઈઝ લોસ, એવરીથીંગ ઈઝ લોસ.’ પ્રોફેસર રામ ગોપાલ યાદવે કહ્યું કે, આજે સ્થિતિ એવી છે કે કેટલાક પ્લેટફોર્મ અશ્લીલતાને પ્રોત્સાહન આપી રહ્યા છે. હું ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ રીલ્સનું નામ લેવા માંગુ છું. એક અનુમાન મુજબ આપણા યુવાનો દરરોજ સરેરાશ ત્રણ કલાક ઈન્સ્ટાગ્રામ રીલ, ભદ્દી સિરિયલો અને અશ્લીલ કાર્યક્રમો જોવામાં વિતાવે છે.”
પ્રોફેસર યાદવે કહ્યું કે, “પરિવાર સાથે બેસીને જમવામાંથી જે પ્રેમ અનુભવાય છે તે આજે નથી રહ્યો. લોકો સાથે બેસે છે પરંતુ તેમના ફોનમાં વ્યસ્ત રહે છે. દરરોજ આવા અહેવાલો જોવા મળી રહ્યા છે કે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા થઈ પછી લગ્ન થયા, છોકરાએ છોકરીની હત્યા કરી. આવી ઘટનાઓ બની રહી છે.” પ્રોફેસર યાદવે ઓનલાઈન ક્લાસનો પણ ઉલ્લેખ કર્યો હતો અને સરકારને ઈન્સ્ટાગ્રામ રીલ્સ, સમાજમાં નગ્નતા અને મદિરાપાનને પ્રોત્સાહન આપતા પ્લેટફોર્મ સામે પગલાં લેવાની માંગ કરી હતી.
આ દરમિયાન મહારાષ્ટ્રના NCP સાંસદ ફૌઝિયા ખાને બાળકો પર ઑનલાઇન ગેમિંગની લતની અસરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે મહારાષ્ટ્રના પુણેમાં એક બાળકની આત્મહત્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને આ અંગે નિયમનની માંગણી કરી હતી. આ પહેલા પંજાબના આમ આદમી પાર્ટીના સાંસદ વિક્રમજીત સિંહ સાહનીએ પણ સોશિયલ મીડિયા દ્વારા નફરત ફેલાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
આમ આદમી પાર્ટીના સાંસદે રાજ્યસભામાં કહ્યું કે, “સોશિયલ મીડિયા પર કોઈ પ્રતિબંધ નથી. સોશિયલ મીડિયા પર આપણા વડાપ્રધાન, વિપક્ષના નેતા કે પછી કોઈપણ માટે કંઈ પણ લખવામાં આવે છે..” વિક્રમજીતે વધુમાં કહ્યું કે, “થોડા દિવસ પહેલા જ સેનાના એક વરિષ્ઠ અધિકારી વિશે કંઈક એવું લખવામાં આવ્યું હતું જે અમે સદનમાં કહી પણ શકતા નથી. આનાથી સમાજમાં તણાવ વધી રહ્યો છે. આવા એકાઉન્ટ બંધ થવા જોઈએ. અભિવ્યક્તિની સ્વતંત્રતા તો છે પરંતુ લિબર્ટી પણ જરૂરી છે. તેમણે આગળ કહ્યું કે, આ વિશે અમે સદનમાં પ્રાઈવેટ મેમ્બર્સ બિલ પણ આપ્યું હતું. આ અંગે કાયદો બનાવવો જોઈએ.”
આ પણ જૂઓ: આર્ટિકલ 370 નાબૂદીના 5 વર્ષ, PM મોદીએ આપ્યો ખાસ સંદેશ