માવજી દેસાઈએ એમ કેમ કહ્યું : “ચૂંટણી નજીક હોવાથી મને બદનામ કરવાનો કારસો રચાયો છે”
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં ડીસા માર્કેટ યાર્ડનું ચેરમેન પદ ધરાવતા અને બનાસ ડેરીના વાઇસ ચેરમેન તરીકે પણ રહી ચૂકેલા માવજીભાઈ દેસાઈ સામે રાજસ્થાનમાં નોંધાયેલી ‘ઠગાઇ’ની ફરિયાદની ચર્ચા સમગ્ર જિલ્લામાં જોરશોરથી ચાલી રહી છે.
ત્યારે માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મને બદનામ કરવાનો કારસો રચાયો છે. આમ કેમ કહ્યું તે આગળ જોઇએ તે પહેલા માવજીભાઈ દેસાઈ સહિત સાત સામે રાજસ્થાનના હિરણ નગરી પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. જેમાં રાજસ્થાનમાં એરોમા રિયલ્ટીઝ કંપનીને મુખ્યમંત્રી આવાસ યોજનાનું કામ મળ્યું હતું. દરમિયાન રાજસ્થાનના કેટલાક વેપારીઓ પાસેથી મટીરીયલ લઈને તેનો પેમેન્ટ ન ચૂકવવાના મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ કંપનીના માવજીભાઈ દેસાઈએ પોતાને બદનામ કરવાનો કારસો રચાયો હોવાનું જણાવ્યું છે તેમને જણાવ્યું છે કે, એરોમા રિયલ્ટીઝ લીમીટેડ કંપની દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત કોન્ટ્રાક્ટ અમોએ સબલેટ ઉદયપુર ની કલાજી એન્ટરપ્રાઈઝ એન્ડ નોઆચેઈન એનજીનિયર્સ એન્ડ કન્સલ્ટન્સી પ્રા. લીમીટેડ કંપની ને આપવામાં આવેલ છે .અને એ કંપની હાલમાં કામ પણ કરી રહી છે. પરંતુ ઉદેપુરની એ કંપની અને માલ સપ્લાય કરતાં સપ્લાયરો વચ્ચે કંઈક વિવાદ હોઈ સપ્લાયરો એ પોલીસ માં અરજી કરી છે. તેમાં અમોએ અમારી એરોમા કંપની વતી જવાબ રજુ કરી દીધો છે પરંતુ આગામી સમયમાં વિધાનસભા ની ચૂંટણી આવનાર હોઈ જેથી મને રાજકીય રીતે બદનામ કરવા માટે કોઈ દ્વારા ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
માવજીભાઈ ધાનેરાની ચૂંટણી હારી ગયા હતા
ભાજપમાંથી માવજી દેસાઈ 2017માં વિધાનસભાની ચૂંટણી ધાનેરા બેઠક ઉપરથી લડ્યા હતા. જેમને કોંગેસના નથાભાઈ પટેલે માવજીભાઈ દેસાઈને 2063 મતથી હરાવ્યાં હતા. ખુબજ ઓછા મતથી હારેલા માવજીભાઈ ફરીથી ધાનેરામાં ચૂંટણી લડવા સક્રિય બન્યા છે. ત્યારે આ ચૂંટણીને લઈને માવજીભાઈનું નિવેદન સામે આવ્યું હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો : બે મહિનાથી ચાલતું કિસાન સંઘનુ આંદોલન આખરે સમેટાયુ, જાણો સરકારે કઈ મોટી જાહેરાત કરી
એક સમયે માવજીભાઈ દેસાઈને શંકરભાઈ ચૌધરી સાથે હતા
બનાસકાંઠા જિલ્લાના રાજકારણની તાસીર એવી રહી છે કે જ્યાં કાયમી કોઈ દુશ્મન નથી, ને કાયમી કોઈ દોસ્ત નથી. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના એક સમયે નિકટવર્તી બની ગયેલા માવજીભાઈ દેસાઈએ ડીસા માર્કેટ યાર્ડનું ચેરમેન પદ મેળવ્યું હતું અને ત્યાર પછી તેઓ બનાસ ડેરીના વાઇસ ચેરમેન પદે પહોંચ્યા હતા. પરંતુ શંકરભાઈ ચૌધરીને માવજીભાઈ દેસાઈ વચ્ચે ખટરાગ થતા બંનેના રાજકીય માર્ગો એક હોવા છતાં ફંટાઈ ગયા હતા. હવે આગામી વિધાનસભાની ચૂંટણી માટે ધાનેરામાંથી ફરી ચૂંટણી લડવા માવજીભાઈ દેસાઈ કમરકસી રહ્યા છે, ત્યારે પોતાને બદનામ કરવાનો કારસો કરાયો હોવાનો ઈશારો શું તેમના વિરોધીઓ તરફ તો નથી ને ? તેવી ચર્ચા પણ બનાસકાંઠા જિલ્લાના સ્થાનિક રાજકારણમાં ચાલી રહી છે.