મલેશિયાએ પાકિસ્તાનનું પ્લેન કેમ કર્યું જપ્ત? જાણો સમગ્ર મામલો
પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સે (PIA) મલેશિયા પાસેથી લીઝ પર લીધેલા પ્લેનનું પેમેન્ટ ન કરી શકતા આજે મંગળવારે મલેશિયન ઓથોરિટીએ PIAનું બોઈંગ 777 પ્લેન એરપોર્ટ પરથી જપ્ત કરી લીધું હતું. પાકિસ્તાને આ પ્લેન માટે 40 લાખ ડોલર ચુકવવાના બાકી હોવાથી મલેશિયાએ ફરી પ્લેન જપ્ત કર્યું હતું. અગાઉ 2021માં પણ પાકિસ્તાનનું પ્લેન જપ્ત કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાને ક્રૂ મેમ્બર્સ માટે બીજું પ્લેન મોકલ્યું
પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું આ પ્લેન શ્રીલંકાથી સિંગાપોર આવ્યું હતું. ત્યારે કુઆલા લંપુર એરપોર્ટ પર લીઝિંગ કંપનીએ પ્લેન જપ્ત કરી લીધું હતું. આના કારણે પ્લેનના પાઈલોટ અને ક્રૂ મેમ્બર્સ એરપોર્ટ પર જ ફસાઈ ગયા હતા. PIAએ આ લોકોને પાકિસ્તાન પરત લાવવા માટે એક પ્લેન સિંગાપોર મોકલ્યું છે.
શું કહ્યું આ મુદ્દે પાકિસ્તાને?
PIAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બોઇંગ 777 એરક્રાફ્ટ PIAની માલિકીનું છે. તેમણે ઉમેર્યું હતું કે, એન્જિન લીઝિંગ કંપનીએ સ્ટે ઓર્ડર મેળવવા માટે ખોટા તથ્યો અને આંકડા રજૂ કર્યા છે. અમે લેણાંની ચુકવણી કરી દીધી છે. પ્રવક્તાએ કહ્યું કે, રાષ્ટ્રીય કેરિયરે આ મામલો ઉઠાવવા માટે મલેશિયાની કોર્ટનો સંપર્ક કર્યો છે.
પાકિસ્તાન કંગાળ થયું
સમગ્ર પાકિસ્તાન આર્થિક સંકટમાં ફસાયેલું છે ત્યારે તેની સરકારી એરલાઇન્સ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ પણ તેમાંથી બાકાત નથી. કોવિડ બાદથી દુનિયાભરની એરલાઇન્સ ઇન્ડસ્ટ્રી મુશ્કેલીમાં હતી પણ હવે મોટાભાગના દેશોમાં સ્થિતિ સારી છે. જોકે, PIAની સ્થિતિ સાવ અલગ છે. થોડા સમય પહેલા ઈદ પર એરલાઇન્સના સ્ટાફે પગાર ન મળતા સામૂહિક હડતાળ પર જવાની વાત કરી હતી. હવે આ પ્રકરણને લઈને લીગલ બેટલ થશે અને તેના કારણે PIAને મોટો ખર્ચ કરવો પડશે.
આ પણ વાંચો: જાપાનના PM ફુમિયો કિશિદાએ તેમના પુત્ર પર કરી કાર્યવાહી!