ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાતમાં સમય કેમ લાગ્યો ? ECએ આપ્યો જવાબ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. વિધાનસભા માટે પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. જણાવી દઈએ કે ચૂંટણી પંચે હિમાચલ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. આવી સ્થિતિમાં ગુજરાતની ચૂંટણીની તારીખોની જાહેરાતમાં વિલંબ કેમ થયો તેની ચર્ચા ચાલી રહી છે.
પીએમના ગુજરાત પ્રવાસને કારણે ચૂંટણી પંચ મતદાનની તારીખોમાં વિલંબ કરી રહ્યું હોવાના આક્ષેપો થયા હતા. હવે આ અંગે ચૂંટણી પંચે ખુલાસો કર્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, “તાજેતરમાં એક ખૂબ જ દુઃખદ ઘટના બની હતી. મોરબી બ્રિજ દુર્ઘટનાને કારણે તારીખોની જાહેરાતમાં વિલંબ થયો છે. ગઈકાલે રાજ્યમાં રાજ્યમાં શોક પણ હતો.”
On allegations of delaying polling dates due to the PM's visit to Gujarat, CEC Rajiv Kumar said, "Recently a very tragic incident occurred there (#MorbiBridgeCollapse)- one of the reasons why we delayed. Also, there was state mourning in the state yesterday; so multiple factors." pic.twitter.com/kToPI6gEnt
— ANI (@ANI) November 3, 2022
ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી
હિમાચલ પ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. વિધાનસભાની 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે હિમાચલ પ્રદેશની સાથે 8મી ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે.
પ્રથમ તબક્કામાં નામાંકન ભરવાની પ્રક્રિયા 5 નવેમ્બરથી શરૂ થશે અને 14 નવેમ્બરે સમાપ્ત થશે. બીજા તબક્કા માટે 10 થી 17 નવેમ્બર સુધી નામાંકન દાખલ કરી શકાશે. પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 18 નવેમ્બર અને બીજા તબક્કાની 93 બેઠકો માટે 21 નવેમ્બર છે.