શા માટે ભારત સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે હારી ગયું ? : આ રહ્યાં મુખ્ય કારણો

T20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને શરમજનક એકતરફી રીતે હરાવ્યું હતું. ભારતે ઈંગ્લેન્ડ સામે 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા, પરંતુ ઈંગ્લેન્ડની ટીમના ઓપનર બેટ્સમેનોએ પહેલાથી જ પ્રથમ વિકેટ માટે અણનમ 170 રનની ભાગીદારી કરી હતી અને 16 ઓવરમાં જ 170 રન બનાવીને 10 વિકેટથી મેચ જીતી લીધી હતી. ભારતની આ હારનાં કેટલાંક મુખ્ય કારણો રહ્યાં, જેની ચર્ચા કરવી જરૂરી છે.
આ પણ વાંચો : ભારતનો નિરાશજનક પરાજય : હાર બાદ ભાવુક થયો કેપ્ટન રોહિત શર્મા

ચહલની અવગણના
આ ટુર્નામેન્ટ દરમિયાન યુઝવેન્દ્ર ચહલની અવગણનાં એ ભારતની હારનું મુખ્ય કારણ છે. ટીમ સિલેક્ટરોએ ચહલને આ ટુર્નામેન્ટમાં એક પણ મેચ રમવાનો મોકો કેમ ન આપ્યો, એ સવાલ દરેકનાં મનમાં છે. જો કે યુઝવેન્દ્ર ચહલ એક સારો અને વિકેટ ટેકિંગ બોલર હોવા છતાં પણ એનું આ મેચમાં ન રમવું એ હારનું મુખ્ચ કારણ ગણી શકાય. અશ્વિન અને અક્ષર પાસે અનુભવ ઘણો છે પરંતુ ચહલને ટીમમાં સ્થાન ન મળવું એનો જવાબ કોઈ પાસે નથી.

ટોસ હારવું
આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોસ બટલરને ખબર હતી કે તેની બેટિંગમાં કેટલી શક્તિ છે અને તે ભારત દ્વારા આપવામાં આવેલા લક્ષ્યોનો પીછો કરવામાં સક્ષમ છે. તે જ સમયે, રોહિત શર્માએ કહ્યું કે અમે પહેલા બેટિંગ કરવા માંગીએ છીએ, પરંતુ તે સ્કોર બોર્ડ પર ઇંગ્લેન્ડની બેટિંગને ધ્યાનમાં રાખીને જીતવા માટે પૂરતા રન કરી શકી નહોતી. ઇંગ્લેન્ડના બોલરોએ એડિલેડના મેદાન પર ટૂંકી બાઉન્ડ્રી વડે ભારતને 168 રનમાં રોકી દીધું હતું, જે તેમની તરફેણમાં હતું.

ભારતીય બેટ્સમેનોનું ધીમું પ્રદર્શન
ભારત તરફથી વિરાટ કોહલીએ 50 રન અને હાર્દિક પંડ્યાએ 63 રનની ઘણી સારી ઈનિંગ્સ રમી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાએ જે ગતિએ રન બનાવવા જોઈએ તે થઈ શક્યું નથી. હાર્દિક પંડ્યાએ જરૂર છેલ્લે ગિયર્સ બદલ્યા હતા, પરંતુ આવી ઈનિંગની જરૂર મેચની શરૂઆતમાં હતી. વિરાટ કોહલી જ્યારે આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 18 ઓવરમાં 4 વિકેટે 136 રન હતો. એટલે કે ઝડપી ગતિએ રન ન બનાવવું પણ ટીમ ઈન્ડિયા પર ભારે પડ્યું છે.

ભારતીય બોલરોનું સરળ પ્રદર્શન
આ વર્લ્ડ કપમાં સેમિફાઇનલ મેચ પહેલા ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ એડિલેડમાં ન તો સ્પિનરો કે ફાસ્ટ બોલરો અસરકારક દેખાતા હતા. આટલું જ નહીં, આ મેચમાં કોઈ બોલર વિકેટ લેવામાં સફળ રહ્યો ન હતો અને જોસ બટલર અને એલેક્સ હેલ્સ આઉટ થયાં વિનાં સરળતાથી લક્ષ્ય હાંસિલ કરી દીધો હતો. અર્શદીપ સિંહ અને અક્ષર પટેલે માત્ર 7.50ના ઈકોનોમી રેટથી રન આપ્યા હતા, જ્યારે ભુવીએ 12.50, શમીએ 13.00, અશ્વિને 13.50 અને હાર્દિક પંડ્યાએ 11.30 ની ઈકોનોમીથી રન આપ્યાં હતા.

કેએલ રાહુલ અને રોહિત શર્માનું ખરાબ ફોર્મ
કેએલ રાહુલ શરૂઆતમાં 5 રન બનાવીને આઉટ થયો અને ટીમ દબાણમાં આવી ગઈ. રોહિત શર્માએ સારા શોટ રમ્યા હતા, પરંતુ તે પણ 27 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. ભારતે 56 રનમાં બે વિકેટ ગુમાવી દીધી અને તમામ દબાણ કોહલી પર આવી ગયું, જે ઈચ્છતો તો પણ મુક્ત રીતે રમી શક્યો નહોતો.