ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

અભિનેતા રાજકુમાર રાવને ચૂંટણી પંચે કેમ બનાવ્યો નેશનલ આઇકોન?

Text To Speech
  • ચૂંટણી પંચે ભારત રત્ન સચિન તેંડુલકરને નેશનલ આઈકોન બનાવ્યો હતો
  • જાણીતા અભિનેતા પંકજ ત્રિપાઠીને પણ નેશનલ આઈકોન બનાવ્યા હતા
  • 2019 લોકસભા ચૂંટણીમાં ધોની, આમીર ખાન અને મેરી કોમ જેવા દિગ્ગજ ચૂંટણી પંચના નેશનલ આઇકોન હતાં

નવી દિલ્હીઃ ભારતીય ચૂંટણી પંચે બોલિવુડ અભિનેતા રાજકુમાર રાવને મોટી જવાબદારી સોંપી છે. ભારતીય ચૂંટણી પંચ ( ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા)એ રાજકુમારને પોતાનો નેશનલ આઇકોન બનાવવાનો નિર્ણય કર્યો છે. પંચે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. નેશનલ આઇકોન વોટિંગ પ્રત્યે લોકોને જાગૃત કરે છે. તેમના પ્રયાસ મતદાનની ટકાવારી વધારવાના હોય છે. આ અંગેની જાહેરાત ચૂંટણી પંચ આવતીકાલે એટલે કે 26 ઓક્ટોબરે કરશે.

સચિન તેંડુલકર પણ બની ચૂક્યો છે નેશનલ આઈકોન

દેશના ચૂંટણી પંચે ભારત રત્ન સચિન તેંડુલકરને પોતાનો નેશનલ આઈકોન બનાવ્યો હતો. ગોડ ઓફ ક્રિકેટ તરીકે ઓળખાતા અને ભારત રત્નથી સન્માનિત સચિન તેંડુલકર પણ લોકોને મતદાન કરવાની અપીલ કરતા જોવા મળ્યો હતો. આ પહેલા અભિનેતા પંકજ ત્રિપાઠીને નેશનલ આઈકોન બનાવ્યા હતા. સચિન પહેલા ક્રિકેટર ચેતેશ્વર પૂજારા અને મહેન્દ્ર સિંહ ધોનીએ પણ લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા. ચૂંટણી પંચ મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રેરિત કરવા વિવિધ ક્ષેત્રની જાણીતી હસ્તીઓને પોતાના નેશનલ આઇકનના રૂપમાં નોમિનેટ કરે છે. આ પહેલાં વર્ષ 2019 લોકસભા ચૂંટણીમાં ધોની, આમીર ખાન અને મેરી કોમ જેવાં દિગ્ગજ ચૂંટણી પંચના નેશનલ આઇકોન હતાં.

શું કરે છે નેશનલ આઈકોન?

ભારતીય ચૂંટણી પંચ યુવાનો અને સામાન્ય લોકોને મતદાન માટે જાગૃત કરવા માટે જાણીતી વ્યક્તિને નેશનલ આઈકોન બનાવે છે. ત્યારબાદ ઓડિયો-વીડિયોના માધ્યમથી લોકોને જાગૃત કરે છે અને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આ વર્ષના અંતમાં પાંચ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં ચૂંટણી યોજાવાની છે. આ માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણીમાં પાંચ રાજ્યોમાં સરકાર બનાવવાનો કર્યો દાવો

Back to top button