મકરસંક્રાંતિના દિવસે જ ભીષ્મ પિતામહે કેમ દેહત્યાગ કર્યો ? શું છે મહત્વ?
ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ મકરસંક્રાંતિનું ખુબ મહત્ત્વ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર મકરસંક્રાંતિના દિવસે સુર્યદેવ પોતાના પુત્ર શનિના ઘરે જાય છે. જ્યાં સુધી સુર્ય પુર્વથી દક્ષિણ તરફ ચાલે છે તે દરમિયાન સુર્યના કિરણોને ખરાબ માનવામાં આવે છે, પરંતુ જ્યારે સુર્ય પુર્વથી ઉત્તર તરફ જાય છે ત્યારે સુર્યના કિરણો આરોગ્ય અને શાંતિને વધારે છે. આ દિવસે સાધુ-સંતો અને આદ્યાત્મિક ક્રિયાઓ સાથે જોડાયેલા લોકોને શાંતિ અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
મહાભારતમાં મકરસંક્રાંતિનો ઉલ્લેખ છે.
18 દિવસ સુધી ચાલેલા મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહે 10 દિવસ સુધી કૌરવો તરફથી યુદ્ધ લડ્યું હતુ. રણભૂમિમાં ભીષ્મ પિતામહના યુદ્ધ કૌશલ્યથી પાંડવ વ્યાકુળ થઇ ગયા હતા. પાછળથી પાંડવોએ શિખંડીની મદદથી ભીષ્મને ધનુષ્ય છોડવા મજબુર કર્યા અને પછી અર્જુને એક પછી એક બાણ દ્વારા તેમને બાણ શૈયા પર લાવી દીધા હતા.
ભીષ્મપિતામહ વિદ્વાન હોવાથી બધુ જાણતા હતા
આમ તો ભીષ્મ પિતામહને ઈચ્છા-મૃત્યુનુ વરદાન પ્રાપ્ત થયુ હતું. એટલા માટે અર્જુનના બાણથી ખરાબ રીતે ઈજા થવા છતાં પણ તેઓ જીવિત રહ્યા. ભીષ્મ પિતામહે તે પ્રતિજ્ઞા લઇ રાખી હતી કે, જ્યાં સુધી હસ્તિનાપુર દરેક રીતે સુરક્ષિત ન થઇ જાય, તે પ્રાણ નહિ ત્યાગે. સાથે જ ભીષ્મ પિતામહે તેમના પ્રાણ ત્યાગવા માટે સૂર્યના ઉત્તરાયણ થવાની પણ રાહ જોઈ, કેમ કે તે દિવસે પ્રાણ ત્યાગવા વાળાને મોક્ષની પ્રાપ્તિ થાય છે એવી માન્યતા છે. ભીષ્મ પિતામહ વિદ્વાન હતા. તેઓ મહાન યોદ્ધા પણ હતા. ખુબ જ કષ્ટ સહન કરીને પણ તેઓ બાણ શૈયા પર રહ્યા. તેઓ સુર્યની ગતિને દક્ષિણાયનમાંથી ઉત્તરાયણમાં જવાની પ્રતિક્ષા કરી રહ્યા હતા.
શ્રીકૃષ્ણ સામે દેહત્યાગ કરીને મોક્ષની પ્રાપ્તિ કરી
શાસ્ત્રો અનુસાર સુર્ય ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. તે અતિ શુભ દિવસ અને સુર્યના મકર રાશિમાં પ્રવેશથી આ દિવસને મકરસંક્રાંતિ પર્વ કહેવામાં આવે છે. ભીષ્મ પિતામહ વિદ્વાન હોવાથી આ સંયોગને સારી રીતે જાણતા હતા, તેથી જ મહાભારતનું યુદ્ધ પુરા થયા પછી ખુબ જ કષ્ટ સહન કર્યા પથી તેમણે મકરસંક્રાંતિના શુભ દિવસે ભગવાન શ્રીકૃષ્ણ સામે દેહ ત્યાગ કરીને મોક્ષની પ્રાપ્તિ કરી હતી.
આ બધુ જાણોઃ પેટ અને લીવરની બીમારીને દૂર રાખે છે લવિંગ, જાણો તેના ઉપયોગો