રાજકોટમાં આજે બપોરે એક મહિલા પોતાના પતિના ફોટા તેમજ બે સંતાનો સાથે શહેર પોલીસ કમિશ્નર કચેરી ખાતે પહોંચી હતી. તેનો આરોપ છે કે પખવાડિયા પહેલા તેના પતિએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. તેને મરવા મજબુર કરનાર આરોપીઓને હજુ સુધી પોલીસે પકડ્યા નથી.
કોણ છે મૃતક ? અને કોણ છે તેને મરવા મજબુર કરનારાઓ ?
આ બનાવ અંગે પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર રાજકોટમાં આજીડેમ ચોક નજીક માન સરોવર પાર્ક પાસે રામેશ્વર પાર્ક-2 માં રહેતાં ફ્રુટના ધંધાર્થી મનોજભાઇ જેન્તીલાલ વૈઠા (ઉ.વ.35)એ પખવાડિયા પૂર્વે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેઓની પત્નીએ વ્યાજખોરોએ તેના પતિને દવા પીવા મજબુર કર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. દરમિયાન મનોજભાઇએ સારવારમાં દમ તોડી દેતા મૃતકના પત્નીએ આ મામલે રાજુ બચુભાઇ બોરીયા, બચુ બોરીયા, ભાણા આહિર અને સુરેશ ભરવાડ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેને જે તે વખતે આરોપીને ઝડપી પાડવાની બાહેંધરી આપી હતી અને વ્યાજખોર પિતા-પુત્રને ઝડપી લીધા હતા પણ આજે 15 દિવસ થયા છતાં હજુ બે આરોપીઓ પોલીસ પકડથી દુર છે. જેને લઈ મૃતક મનોજભાઈના પત્ની કાજલબેન મનોજભાઇ વૈઠા (ઉ.વ.29) તેના બે માસુમ બાળકો સાથે આરોપીઓને પકડી ન્યાય અપાવવા પોલીસ કમિશનર સમક્ષ રજુઆત કરવા પહોંચ્યા હતા.
મનોજભાઇએ કોની પાસેથી કેટલા વ્યાજે રકમ લીધી હતી ?
આપઘાતના બનાવ બાદ પોલીસે વ્યાજખોરો સામે ગુનો દાખલ કર્યો હતો. કાજલબેને આપેલી ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું કે, મારા પતિ ફ્રુટનો ધંધો કરતાં હતાં. તેણે ધંધાના કામ માટે રાજુ બોરીયા પાસેથી 40 હજાર 20 ટકા વ્યાજે લીધા હતાં તેનું દર મહિને રૂા. 8 હજાર વ્યાજ ચુકવતાં હતાં. વધુ પૈસાની જરૂર પડતાં બચુ બોરીયા પાસેથી 2 લાખ લીધા હતાં. તેનું દરરોજ 3 હજાર વ્યાજ ભરતાં હતાં. આ ઉપરાંત ભાણા આહિર પાસેથી 44 હજાર 15 ટકા વ્યાજે લીધા હતાં. તેને પણ નિયમીત વ્યાજ ચુકવતાં હતાં. ક્યારેક વ્યાજ ચુકવવામાં મોડુ થાય તો આ શખ્સો ઘરે આવી મારા પતિને ગાળો દઇ પેનલ્ટી વસુલતાં હતાં.
વ્યાજખોરો ઉઘરાણી કરવા ઘરે આવે તો પરિવારના સભ્યો તેઓને સમજાવતા
વધુમાં કાજલબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, હાલમાં કેટલાક દિવસથી મારા પતિનો ધંધો ચાલતો ન હોઇ આ શખ્સો વારંવાર મારા પતિને વ્યાજ માટે અને મુદ્દલ માટે ધમકાવી તાત્કાલીક પૈસા નહિ આપે તો મારી નાંખશે તેવી ધમકી આપતાં હતાં. મારા પતિ પર વ્યાજની ઉઘરાણીનું ખુબ દબાણ હોઇ મારા જેઠ દિનેશભાઇ, સાસુ ભાનુબેન સીહતના આ શખ્સો પાસે જઇને તેમને સમજાવતાં હતાં અને આર્થિક સ્થિતિ નબળી હોઇ વ્યાજ ઓછુ કરવા વિનંતી કરતાં હતાં અને મનોજ કટકે કટકે પૈસા ચુકવી દેશે તેવી વાત કરતાં હતાં. પરંતુ આ લોકો કોઇ વાત સમજવા તૈયાર નહોતાં. છેલ્લે 28 મેં ના રોજ મારા પતિ મનોજને સુરેશ ભરવાડનો ફોન આવ્યો હતો અને માંડાડુંગરની શાક માકૈટ ખાતે બોલાવતાં મારા પતિ, મારા સાસુ અને જેઠ ત્યાં ગયા હતાંઉ થોડીવાર બાદ ઘરે આવી વાત કરી હતી કે સુરેશ પૈસા માટે ખુબ દબાણ કરે છે અને મનોજનો કાંઠલો પકડી ધોલધપાટ કરી લીધી છે. આ રીતે બીજા ત્રણ શખ્સો પણ વ્યાજ માટે મારા પતિને હેરાન કરી ઘરે આવી ઉઘરાણી કરી ધોલધપાટ કરી ધમકી આપતાં હોઇ આ બધાથી કંટાળીને મારા પતિએ 30મીએ સાંજે ઝેરી દવા પી લીધી હતી.