શા માટે 150 સભ્યોની પોલીસ ટીમે સદગુરુના ઈશા ફાઉન્ડેશનની કરી મુલાકાત? જાણો વિગતે
- મદ્રાસ હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યા બાદ પોલિસની ટીમે ઈશા ફાઉન્ડેશનમાં દરોડા પાડ્યા હતા
તમિલનાડુ, 2 ઓકટોબર: મદ્રાસ હાઈકોર્ટે સદગુરુ જગ્ગી વાસુદેવની સંસ્થા વિરુદ્ધ નોંધાયેલા તમામ ફોજદારી કેસો અંગે તમિલનાડુ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યા બાદ 150 સભ્યોની પોલીસ ટીમે થોન્ડામુથુર ખાતે ઈશા ફાઉન્ડેશનના કેન્દ્રની મુલાકાત લીધી હતી. કોઈમ્બતુરના નિવૃત્ત પ્રોફેસર એસ. કામરાજ દ્વારા દાખલ કરાયેલ હેબિયસ કોર્પસ અરજીની સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે તમિલનાડુ સરકારને ઈશા ફાઉન્ડેશન સામેના તમામ ફોજદારી કેસોની વિગતો સબમિટ કરવાનો આદેશ આપ્યો હતો.
એસ. કામરાજ પોતાની અરજીમાં આરોપ લગાવ્યો હતો કે, તેની બે પુત્રીઓનું તામિલનાડુના કોઈમ્બતુરમાં ઈશા યોગ સેન્ટરમાં રહેવા માટે બ્રેઈનવોશ કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશન તેમને તેમના પરિવાર સાથે સંપર્કમાં રહેવા દેતું નહીં.
છોકરીઓ પોતાની મરજીથી અહીં રહે છે: ફાઉન્ડેશન
ઈશા ફાઉન્ડેશન દ્વારા આ આરોપને નકારી કાઢવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે, તે લોકોને સાધુ/સાધ્વી બનવાનું કહેતું નથી. ફાઉન્ડેશને એક નિવેદનમાં જણાવ્યું કે, “ઈશા ફાઉન્ડેશનની સ્થાપના સદગુરુ દ્વારા લોકોને યોગ અને આધ્યાત્મિકતા આપવા માટે કરવામાં આવી હતી. અમે માનીએ છીએ કે પુખ્ત વ્યક્તિ પાસે પોતાનો માર્ગ પસંદ કરવાની સ્વતંત્રતા અને શાણપણ હોય છે,”
ઈશા ફાઉન્ડેશને વધુમાં કહ્યું કે, આ વ્યક્તિની દીકરીઓએ અમને જણાવ્યું હતું કે તેઓ પોતાની મરજીથી અહીં રહે છે. ફાઉન્ડેશને નિવેદનમાં ઉમેર્યું કે, “તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ પોતાની મરજીથી ઈશા યોગ કેન્દ્રમાં રહી રહ્યા છે. હવે જ્યારે આ મામલો કોર્ટમાં ગયો છે, અમે આશા રાખીએ છીએ કે સત્યનો વિજય થશે અને તમામ બિનજરૂરી વિવાદોનો અંત આવશે.”
ફાઉન્ડેશને દાવો કર્યો હતો કે, અરજદારે ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવી રહેલા સ્મશાનગૃહ વિશે તપાસ કરવા માટે ફેક્ટ-ફાઇન્ડિંગ કમિટી હોવાના ખોટા બહાના હેઠળ પરિસરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.
150 સભ્યની પોલિસ ટીમ શા માટે આવી?
અહેવાલો અનુસાર, ત્રણ DSP અધિકારીઓ આ 150 સભ્યની મજબૂત ટીમનો હિસ્સો હતા. યોગ કેન્દ્રે જણાવ્યું કે, પોલીસ રહેવાસીઓ અને સ્વયંસેવકો વિશે સામાન્ય પૂછપરછ કરવા માટે આવી હતી. તેઓએ કેન્દ્રમાં રહેતા લોકોની જીવનશૈલીને સમજવાનો પણ પ્રયાસ કર્યો હતો.
મદ્રાસ હાઈકોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, શા માટે સદગુરુની પુત્રી પરિણીત અને સારી રીતે સેટલ છે, જ્યારે સદગુરુ અન્ય મહિલાઓને માથું મુંડાવવા અને સાંસારિક જીવનનો ત્યાગ કરીને સાધવીની જેમ જીવવા માટે પ્રેરિત કરી રહ્યા છે.
આ પણ જૂઓ: સદગુરુ જગ્ગી વાસુદેવને ઈશા ફાઉન્ડેશન આશ્રમમાં પોલીસના દરોડા, જાણો શું છે મામલો