દેશમાં કેમ વધી રહ્યા છે કોરોનાના કેસ? શું કહે છે એક્સપર્ટ્સ?
- કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગની ચિંતાઓ વધી
- ટેસ્ટ-ટ્રેક-ટ્રીક-વેક્સિન અને ગાઇડલાઇન્સનું પાલન કરવા પર ભાર મુકવા સલાહ
- રોજેરોજ વધતા કોરોના કેસ પાછળ નવો સબ વેરિઅન્ટ XBB.1.16
દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આ કારણે આરોગ્ય વિભાગની પણ ચિંતાઓ વધી છે. સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે જે રાજ્યોમાં કોરોનાના વધુ કેસ આવી રહ્યા છે ત્યાં કોરોનાનો સ્થાનિક પ્રસાર થઇ શકે છે. આવા રાજ્યોમાં કોરોનાના પ્રસારને રોકવા માટે ટેસ્ટ-ટ્રેક-ટ્રીક-વેક્સિન અને ગાઇડલાઇન્સનું પાલન કરવા પર ભાર મુકવો જોઇએ. નવા કોરોના કેસની સાથે ઇન્ફ્લુએન્ઝાના કેસનું પણ ધ્યાન રાખવુ જોઇએ. રોજે રોજ વધતા કોરોનાના કેસ અંગે એક્સપર્ટ્સ શું કહે છે?
એક્સપર્ટ્સ કહે છે કે રોજેરોજ વધતા કોરોના કેસ પાછળ નવો સબ વેરિઅન્ટ XBB.1.16 હોઇ શકે છે અને આ કારણે ભવિષ્યમાં નવી લહેરની શક્યતાઓ વધી ગઇ છે.
એક્સપર્ટ્સ કહે છે કે કોરોનાના નવા વેરિઅન્ટના લક્ષણો પહેલા જેવા જ છે. કોઇ પણ નવું લક્ષણ સામે આવ્યુ નથી. હવામાન બદલાવાના કારણે ફ્લુના કેસમાં વધારો થયો છે. તેના લક્ષણ કોરોના જેવા હોવાના કારણે લોકો ગભરાઇ રહ્યા છે.નિષ્ણાતોના જણાવ્યા અનુસાર નવા વેરિઅન્ટ XBB.1.16 કોરોનાના કેસની સંખ્યામાં અચાનક વધારો ચિંતાનો વિષય છે. XBB.1.16, XBB.1.5 કરતા 140 ટકા ઝડપી છે. તે XBB.1.5ની તુલનામાં વધુ આક્રમક છે અને કદાચ XBB.1.9 વેરિઅન્ટ કરતા પણ તેજ છે.
XBB.1.16 વેરિઅન્ટના સામાન્ય લક્ષણો
ડોક્ટર્સના જણાવ્યા અનુસાર જાન્યુઆરી અને માર્ચની વચ્ચે દેશમાં જે કોરોના દર્દીઓ જોવા મળ્યા હતા, તેમનામાં XBB.1.16ના લક્ષણો જોવા મળ્યા હતા. આ સામાન્ય લક્ષણોમાં તાવ, ગળામાં દુખાવો, શરદી, માથાનો દુખાવો, શરીરનો દુખાવો અને થાક સામેલ છે. કેટલાક લોકોમાં પેટમાં દુખાવો અને બેચેની પણ જોવા મળે છે.
કોને છે વધુ ખતરો?
એઇમ્સ અને આઇસીએમઆર કોવિડ-19 નેશનલ ટાસ્ક ફોર્સ જોઇન્ટ મોનિટરિંગ ગ્રુપ દ્વારા જારી કરાયેલી યાદીમાં આઠ પ્રકારના લોકોને કોવિડના આ વેરિઅન્ટનો ખતરો વધુ છે. 60 વર્ષથી વધુ ઉંમરના લોકો, જેમને હ્રદય રોગ અને કોરોનરી ધમની રોગ છે, ડાયાબિટીસના દર્દીઓ, ઇમ્યુનિટી નબળી હોય તેવા લોકો, એચઆઇવી પોઝિટીવ લોકો, જેને ફેફસા, કિડની કે લીવરની જુની બિમારી છે તેવા લોકો સામેલ છે. જે લોકો મેદસ્વી છે, જેમણે હજુ વેક્સિન લીધી નથી તેવા લોકો પણ આ યાદીમાં સામેલ છે.
આ પણ વાંચોઃ સવારે ઉઠતા જ કરો આ ચાર કામઃ ક્યારેય નહીં થાય પૈસાની તંગી