કોરોના મહામારી બાદ ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા નીકળવાની છે. ભગવાનની નગરચર્યાને લઈને ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે પર્વ જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ ભક્તોમાં ભગવાનના દર્શનનો ઉમળકો વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. વિધિ મુજબ આજે ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી. નેત્રોત્સવ વિધિમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, બળદેવજીનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાવવામાં આવે છે. એવી લોકવાયકા છે કે નગરના નાથ મામાના ઘર સરસપુરથી પરત જમાલપુર મંદિર આવે છે. ભગવાન જ્યારે મામાના ઘરેથી પરત આવે છે ત્યારે તેમને આંખો આવેલી હોય છે. એટલે ગર્ભગૃહમાં પ્રવેશ બાદ ભગવાનની આંખે પાટા બાંધવામાં આવશે.
શું છે નેત્રોત્સવ વિધિ
રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા સાથે 15 દિવસ પહેલા પોતાના મોસાળમાં જતા હોય છે, અને ત્યારબાદ ત્યાંથી પરત નિજ મંદિરે પરત ફરે છે. મોસાળમાં ભાણેજોની ભારે આગતાસ્વાગતા કરવામાં આવે છે. તેમણે અનેક મિષ્ટાનો અને જાંબુ ખવડાવવામાં આવે છે. જેના કારણે તેમની આંખો આવી ગઇ હોય છે. જેથી આજે ભગવાનને મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે.
અષાઢી બીજના દિવસે પાટા ખોલાશે
હવે ભગવાનના આંખેથી પાટા અષાઢી બીજના દિવસે વહેલી સવારે 4 વાગ્યે ખોલવામાં આવશે. ત્યારપછી ધ્વજા રોહણની વિધિ કરવામાં આવશે અને પછી મંગળા આરતી થશે. આજે મંદિરમાં ધોળી દાળ એટલે કે ખીર અને કાળી રોટી એટલે કે માલપુવાનો ભંડારો થશે. લાખો ભાવિકો આ ભંડારાનો લાભ લેશે.