આમલકી એકાદશીએ શા માટે કરાય છે આંબળાના વૃક્ષની પુજાઃ જાણો ક્યારે આવશે
આ વર્ષે આમલકી એકાદશીનું વ્રત 3 માર્ચના રોજ કરવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને આંબળાના વૃક્ષની પુજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ વ્રત કરનારને સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તે વ્યક્તિને 1000 ગાયોનું દાન કરવા જેટલુ પુણ્ય આપે છે. ફાગણ સુદ એકાદશીને આમલકી એકાદશી અથવા તો રંગભરી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.
આ દિવસે આંબળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. આમળાના વૃક્ષને આદિ વૃક્ષ કહેવામાં આવે છે કારણ કે જ્યારે સૃષ્ટિની રચના માટે બ્રહ્માજીની ઉત્પત્તિ થઇ, જ્યારે ભગવાન વિષ્ણુએ આમળાના વૃક્ષની પણ ઉત્પત્તિ કરી હતી. આ વૃક્ષમાં વિષ્ણુ ભગવાનનો વાસ હોવાનું કહેવાય છે. આ વ્રતમાં આંબળાનું ખુબ મહત્ત્વ છે કેમકે એવુ કહેવાય છે કે ભગવાનને પણ આંબળાનો ભોગ ધરાવાય છે અને ભક્તો પણ આંબળાનો પ્રસાદ લે છે. આંબળાનું દાન પણ કરવામાં આવે છે.
આંબળાના વૃક્ષને દેવ વૃક્ષ પણ કહેવામાં આવે છે કારણ કે તેમાં દેવતાઓનો વાસ હોય છે. આમળાના વૃક્ષની પૂજા કરવાથી તમામ દેવોના આશિર્વાદ પ્રાપ્ત થાય છે.
શું છે આંબળાના વૃક્ષનું મહત્ત્વ
ભગવાન વિષ્ણુએ આંબળાના વૃક્ષને દેવ વૃક્ષ જણાવતા કહ્યુ છે કે આ વૃક્ષમાં દેવી-દેવતાઓનો વાસ હશે. જે પણ મનુષ્ય આંબળાના વૃક્ષની નીચે પુજા કરશે અને વ્રત રાખશે, તેના બધા પાપ દુર થશે.એવું કહેવાય છે કે આ દિવસે આંબળાના ઝાડ નીચે બેસીને જમવાનું પણ મહત્ત્વ છે અને જે વ્યક્તિ આ દિવસે આંબળાના વૃક્ષની પુજા કરે છે તેને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.