ચૂંટણી બોન્ડ રોકવા પાછળ કોનો હાથ? જાણો આ NGO વિશે
- મતદાન દરમિયાન NOTAનો વિકલ્પ પણ બોન્ડની અરજી કરનારી NGOનું જ યોગદાન
નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી: સુપ્રીમ કોર્ટે આજે ગુરુવારે ચૂંટણી બોન્ડ સ્કીમ પર રોક લગાવી છે અને કહ્યું છે કે, “દાન વિશે માહિતી ન આપવીએ ગેરબંધારણીય છે.” જેથી હવે કોઈપણ પક્ષ આ માધ્યમથી ડોનેશન લઈ શકશે નહીં. આ ચૂંટણી બોન્ડ બંધ કરાવવામાં એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ની મોટી ભૂમિકા છે. ADRએ સંસ્થા છે જેણે ચૂંટણી બોન્ડ અંગે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. NGO-ADR ચૂંટણી સુધારણા બાબતે અનેક પ્રકારની કામગીરી કરી રહી છે. હાલમાં, મતદાન દરમિયાન જે NOTAનો વિકલ્પ મળ્યો છે તે પણ આ NGOનું જ યોગદાન છે. આ સાથે, આ સંસ્થાની મદદથી ઉમેદવારોની સંપત્તિ અને ગુનાહિત રેકોર્ડની વિગતો પણ તેમના ચૂંટણી એફિડેવિટમાં ભરવામાં આવે છે. આ માટે ADRએ સુપ્રીમ કોર્ટમાં લાંબી લડાઈ લડી અને અંતે જીત હાંસલ કરી છે.
સુપ્રીમ કોર્ટે આ ચુકાદાની સાથે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને બોન્ડ ખરીદનારાઓની માહિતી શેર કરવાનો આદેશ પણ આપ્યો છે તેમજ કોર્ટે ચૂંટણી પંચને 31 માર્ચ સુધીમાં તેની વેબસાઈટ પર આ સંબંધિત તમામ માહિતી શેર કરવા કહ્યું છે.
ચૂંટણી બોન્ડથી કાળા નાણાને પ્રોત્સાહન મળી રહ્યું હતું: અનિલ વર્મા
ADRના વડા અને નિવૃત્ત મેજર જનરલ અનિલ વર્માના જણાવ્યા મુજબ, ચૂંટણી બોન્ડ એ ભારતની રાજકીય અને ચૂંટણી પ્રણાલી પર મોટો ડાઘ છે. જે કાળા નાણાને પણ પ્રોત્સાહન આપી રહ્યું હતું. સાથે જ માહિતીના અધિકાર (RTI) એક્ટનું પણ પાલન થતું ન હતું. ઔદ્યોગિક એકમો સરકારમાં બેઠેલા પક્ષોને મોટા પ્રમાણમાં દાન આપતા હતા અને સરકારો તેમના હિતમાં કામ કરતી હતી તેમજ તેઓ તેમના દાતાઓની માહિતી આપવા માટે પણ બંધાયેલા ન હતા.
અનિલ વર્માએ કહ્યું કે, “જ્યારે અમે કોર્ટમાં અરજી દાખલ કરી ત્યારે આ મુદ્દાને પ્રાથમિકતા પર રાખવામાં આવ્યો હતો. ચૂંટણી પંચ અને RBIની પણ આ મામલે સમાન વિચારધારા હતી. ADRએ અરજી દાખલ કર્યા પછી, ડાબેરી પક્ષો(Leftist Party) અને કોંગ્રેસે પણ કોર્ટમાં અરજી કરી હતી. તેમનું કહેવું છે કે, ઈલેક્ટોરલ બોન્ડ રદ્દ થવાથી ડોનેશન આપવાની પ્રક્રિયામાં થોડી પારદર્શિતા આવશે અને પક્ષોએ જણાવવું પડશે કે તેઓ કોની પાસેથી અને કેટલું દાન લઈ રહ્યા છે.
ચૂંટણી પહેલા લોકોને માહિતી મળશે
આ સાથે જ ADRએ કોર્ટના ચુકાદા અને સમયને લઈને તેમાં આપવામાં આવેલા નિર્દેશોની પણ પ્રશંસા કરી હતી. અનિલ વર્માએ કહ્યું હતું કે, કોર્ટે પોતાના આદેશમાં સ્ટેટ બેંકને ત્રણ સપ્તાહની અંદર બોન્ડ સંબંધિત તમામ માહિતી શેર કરવા કહ્યું છે. આ સાથે ચૂંટણી પંચને 31 માર્ચ સુધીમાં બોન્ડ વિશેની તમામ માહિતી પોતાની વેબસાઈટ પર શેર કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે, એવી અપેક્ષા છે કે માર્ચમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થશે અને એપ્રિલથી ચૂંટણી શરૂ થશે. આ પહેલા મતદારોને માહિતી મળી જશે કે, કોણે કઈ પાર્ટીને કેટલું દાન આપ્યું છે.
ચૂંટણી બોન્ડ યોજના શું છે?
કેન્દ્ર સરકારે 2 જાન્યુઆરી 2018થી આ યોજના લાગુ કરી હતી. આ યોજના હેઠળ, ભારતનો કોઈપણ નાગરિક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાંથી ચૂંટણી બોન્ડ ખરીદી શકે છે. આ સાથે, કોઈપણ વ્યક્તિ એકલા અથવા અન્ય વ્યક્તિઓ સાથે સંયુક્ત રીતે ચૂંટણી બોન્ડ ખરીદી શકે છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 29A હેઠળ નોંધાયેલા રાજકીય પક્ષો આવા ચૂંટણી બોન્ડ માટે પાત્રતા ધરાવે છે. શરત માત્ર એટલી છે કે છેલ્લી લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં તેમને ઓછામાં ઓછા એક ટકા વોટ મળ્યા હોવા જોઈએ. ચુંટણી બોન્ડને પાત્ર રાજકીય પક્ષ દ્વારા અધિકૃત બેંકમાંના તેના ખાતા દ્વારા જ રોકડ ટ્રાન્સફર કરવામાં આવશે.
SBI આ બોન્ડ્સ રૂ. 1000, 10 હજાર, 1 લાખ, 10 લાખ અને 1 કરોડના મૂલ્યમાં વેચાણ કરતી હતી. આ સાથે, દાન આપનારને દાનની રકમ પર 100% આવકવેરામાં છૂટ મળતી હતી તેમજ આ નિયમમાં, રાજકીય પક્ષોને એ હકીકતમાંથી મુક્તિ આપવામાં આવી હતી કે તેઓ દાન આપનારનું નામ અને ઓળખ ગુપ્ત રાખી શકતા હતા. જે પણ પક્ષને આ બોન્ડ મળ્યા હોય, તેમણે એક નિર્ધારિત સમયમાં રોકડ મેળવી લેવાની યોજના હતી.
આ પણ જુઓ: ચૂંટણી બૉન્ડઃ સુપ્રીમ કોર્ટે SBIને માહિતી જાહેર કરવાનો આદેશ આપ્યો