રાજકોટમાં મંગળવારે સાંજે અપહરણના પ્રયાસની એક ઘટના સામે આવી હતી. શહેરના હાર્ડસમાં વિસ્તાર નિર્મલા કોન્વેન્ટ રોડ ઉપર આવેલી નાગરિક બેંક સોસાયટીમાં રહેતા તબીબ દંપતીના 16 વર્ષના પુત્રને ઉઠાવી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે સગીર પુત્રની ચાલાકી અને તેના ઓવર વેઈટને કારણે અપહરણ કર્તાઓ બાળકને ઉઠાવી શક્યા ન હતા અને તેમનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.
કુરીયર આવ્યું હોવાનું કહીં કિશોરને ઘરમાંથી બહાર બોલાવ્યો
પ્રાપ્ત વિગતો અનુસાર નિર્મલા રોડ પર રહેતા તબીબ દંપતી ડો.જીગ્નેશ ખંધડિયા અને ડો.હેમા ખંધડિયાના સગીર પુત્રને તેના ઘર પાસેથી ઇકો કાર માંથી ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગે સગીરે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત રાત્રે 9.17 વાગ્યે હું અને મારા દાદી ઘરે હતા ત્યારે મારા મોબાઈલ નંબર ઉપર કોલ આવ્યો હતો. અને મને કહેલ કે બ્લુ ડાર્ટ કુરીયરમાંથી પાર્સલ આવેલ છે જેથી નીચે આવીને લઇ જાવ તેમ કહેતા હું મારા ઉપરના માળેથી નીચે આવી મારા ઘરની ડેલી ખોલી બહાર આવતા નીચે વ્હાઇટ કલરની ઇકો કાર હતી અને કારની બાજુમાં ફૂટપાથ ઉપર એક વ્યક્તિ ઉભેલ હતો તેને મેં જણાવેલ કે પાર્સલના કેટલા પૈસા આપવાના છે તેમ કહેતા કારમાંથી અન્ય એક વ્યક્તિ નીચે ઉતરેલ અને મારી પાસે આવેલ અને આ બન્ને જણાએ મને ખેંચી તે લોકો જે ઇકો કાર લાવેલ હતા. તેની અંદર ધકેલવા પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેઓની સાથે ઝપાઝપી થઈ હતી અને સગીરને પગમાં ઈજા પહોંચી હતી. સગીરે બુમાબુમ કરી મુકતા પકડાઈ જવાની બીકે અપહરણકર્તાઓ બાળકને મુકી ભાગી ગયા હતા.
પોલીસે આરોપીઓનું પગેરૂ દબાવ્યું, ખંડણી માંગવાનો જ હતો ઈરાદો
તબીબ દંપતીના 16 વર્ષના દીકરાનું અપહરણ કરવા માટે આવેલા ત્રણ શખ્સો વિરૂદ્ધ ગાંધીગ્રામ પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી. આ બનાવ ગંભીર હોય જેના કારણે તેમાં ક્રાઈમબ્રાન્ચ, એસઓજી અને પેરોલફર્લો પણ જોડાયું હતું. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે પગેરૂ દબાવ્યું છે અને પ્રાથમિક તપાસમાં ખંડણી માંગવાના ઈરાદે જ આ અપહરણની ઘટનાને અંજામ આપવામાં આવનાર હતો તેવું જાણવા મળ્યું હતું જોકે તેઓનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. ત્યારે આ અપહરણ કરવાના પ્રયાસ પાછળનું સાચું કારણ આરોપીઓ ઝડપાઈ ત્યારબાદ જ સામે આવશે પણ હાલ આ ઘટના સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે.