દેશમાં સતત મોંઘવારીમાં વધારા વચ્ચે જથ્થા બંધ વસ્તુના ભાવમાં રાહત જોવા મળી છે. ભારતમાં જૂન મહિનામાં મોંઘવારીમાં સામાન્ય રાહત મળી છે. જોકે જથ્થાબંધ ભાવાંક જૂન મહિનામાં 15%થી ઉપર રહ્યો છે. ગુરૂવારે જાહેર થયેલ સરકારી આંકડા અનુસાર દેશમાં હોલસેલ પ્રાઈસ ઈન્ડેકસ(WPI) અગાઉના મહિનાના રેકોર્ડ સ્તરેથી સામાન્ય ઘટીને 15.18% રહ્યો છે. મે મહિનામાં WPI ઈન્ડેકસ 15.88%ના દરે ત્રણ દાયકાની ટોચે જોવા મળ્યો હતો.
છેલ્લા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહેવાના કારણે મોંઘવારીમાં થોડી રાહત મળી છે. જોકે સતત 15મા મહિને ડબલ ડિજિટમાં જોવા મળ્યો છે અને 15%ના લેવલની ઉપર સતત ત્રીજા મહિને રહેતા આગામી આરબીઆઈની મોનિટરી પોલિસીમાં વ્યાજદરમાં વધુ એક વધારો નિશ્ચિત છે.
શાકભાજી અને ફળના ભાવમાં કોઈ અસર નહીં
જાહેર થયેલા આંકડા અનુસાર, જૂન મહિનામાં ફૂડ આર્ટિકલ સેગમેન્ટમાં 14.39 ટકાનો વધારો જોવા મળ્યો હતો. અગાઉના મહિને આ 12.34 ટકા હતો. જૂનમાં શાકભાજીનો WPI Index 56.75 ટકા હતો, જે મે મહિનામાં 56.36 ટકા હતો. બટાટાના ભાવમાં 39.38 ટકા જ્યારે ડુંગળીના ભાવમાં (-)31.54 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
ફળોના ભાવ મે મહિનામાં 9.98 ટકાથી ગયા મહિને 20.33 ટકા વધ્યા હતા, જ્યારે દૂધના ભાવ એક મહિના અગાઉ 5.81 ટકાથી 6.35 ટકા વધ્યા હતા. ઈંડા, માંસ અને માછલીના ભાવ જૂનમાં 7.24 ટકા વધ્યા હતા જે એક મહિના અગાઉના 7.78 ટકા હતા જ્યારે ગયા મહિને અનાજના ભાવ 7.99 ટકા વધ્યા હતા, જે 8.01 ટકાથી નજીવા રીતે હળવા થયા હતા.
પેટ્રોલના ભાવ ઘટ્યા
ફ્યુઅલ એન્ડ પાવર સેગમેન્ટ મે મહિનામાં 40.62 ટકાથી ઘટીને 40.38 ટકા થયું છે. પેટ્રોલના ભાવ મહિના પહેલાના 58.78 ટકાથી ઘટીને 57.82 ટકા થયા છે. મેન્યુફેકચરિંગ પ્રોડકટ્સનો WPI ઈન્ડેકસ જૂનમાં ઘટીને 9.19 ટકા થયો હતો જે અગાઉના મહિનામાં 10.11 ટકા હતો. મંગળવારે આવેલ ગ્રાહક સ્તરના મોંઘવારી દરના આંકડા પણ જૂનમાં 7%થી ઉપર રહ્યાં હતા અને સતત છઠ્ઠા મહિને સેન્ટ્રલ બેંકના નિર્ધારિત બેન્ડની બહાર રહ્યો હતો.