24 મે, ચેન્નાઈ: એવા પૂરેપૂરા ચાન્સીઝ છે કે IPL 2024 Final વરસાદને લીધે ધોવાઈ જાય અને મેચને રદ્દ કરવી પડે. યાદ હોય તો ગયા વર્ષે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ તેના નિયત દિવસે કમોસમી વરસાદને લીધે રમી શકાઈ ન હતી. આથી મેચને સોમવાર પર ખસેડવામાં આવી હતી.
સોમવારે પણ ગુજરાત ટાઈટન્સની બેટિંગ બાદ વરસાદ આવ્યો હતો અને પછી બીજી ઇનિંગ મોડી રાત્રે શરુ થઇ શકી હતી. આ વખતે બંગાળની ખાડીમાં આવનાર ચક્રવાતને કારણે IPL 2024 Final ઉપર પણ વરસાદનો ભય ઝળુંબી રહ્યો છે. આવામાં જો આ મેચ વરસાદને કારણે ધોવાઈ જાય અને છેવટે તેને રદ્દ કરવી પડે તો કઈ ટીમને ટ્રોફી મળે આ સવાલ તમામના મનમાં ચાલી રહ્યો હશે.
તો ચાલો આપણે મેળવીએ આ પ્રશ્નનો જવાબ.
પહેલાં તો રવિવારે જો ફાઈનલના દિવસે વરસાદ પડે તો રવિવારે રાત્રે ઓછામાં ઓછા 12.26 વાગ્યા સુધીમાં મેચ શરુ થવી જોઈએ અને તો જ 5-5 ઓવર્સની મેચ શક્ય બનશે. પરંતુ જો એ પણ શક્ય નહીં હોય તો બીજા દિવસે એટલેકે સોમવારે મેચ ત્યાંથી જ શરુ થશે જ્યાં રવિવારે અટકી હતી. રિઝર્વ ડે ના દિવસે 120 મિનીટ્સ ફાળવવામાં આવી છે.
જો રવિવારે ટોસ ઉછાળ્યા બાદ એક પણ બોલ નહીં નખાય તો સોમવારે ફરીથી ટોસ ઉછળશે અને મેચ નવેસરથી શરુ થશે. જો સોમવારે પણ વરસાદ વરસતો રહેશે અને મેચ શક્ય નહીં બને તો સોમવારની રાત્રિ 1.30 વાગ્યા સુધી રાહ જોવામાં આવશે અને ત્યારબાદ સુપર ઓવર રમાડીને ફેસલો કરવામાં આવશે.
જો સુપર ઓવર રમાડવી પણ શક્ય નહીં બને તો પોઈન્ટ્સ ટેબલમાં સહુથી ઉપરનું સ્થાન ધરાવનાર ટીમ એટલેકે કોલકાતા નાઈટ રાઈડર્સને IPL 2024ના ચેમ્પિયન જાહેર કરી દેવામાં આવશે.
IPLનું આયોજન માર્ચ-એપ્રિલ અને મે મહિનામાં એટલા માટે કરવામાં આવે છે કારણકે આ સમયે ભારતમાં વરસાદ નથી પડતો, બલકે અહીં પારો 40 ડિગ્રીને પાર જતો રહે છે. આ સામાન્ય વાત છે અને ભારતના દરેક શહેરોમાં લાગુ પડે છે જ્યાં IPL રમાય છે. પરંતુ છેલ્લા અમુક સમયથી ઋતુચક્ર ફર્યું છે. આ વર્ષે પણ IPLમાં ત્રણ મેચો વરસાદને કારણે એક પણ બોલ નાખ્યા વિના પૂરી થયેલી જાહેર કરવામાં આવી છે.