હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં કોની બનશે સરકાર? આજે મતગણતરીનો દિવસ
- જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં મતગણતરી શરૂ, શરૂઆતના વલણમાં હરિયાણામાં કોંગ્રેસ આગળ
નવી દિલ્હી, 8 ઓકટોબર: હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે આજે મંગળવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. બંને રાજ્યોમાં 90-90 બેઠકો માટે મતદાન થયું હતું. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં જ્યારે હરિયાણામાં એક તબક્કામાં મતદાન યોજાયું હતું. હરિયાણામાં સત્તારૂઢ ભાજપને વિશ્વાસ છે કે તે સતત ત્રીજી મુદત માટે સત્તા જાળવી રાખવામાં સક્ષમ રહેશે, જ્યારે એક્ઝિટ પોલના અંદાજોથી પ્રોત્સાહિત વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પણ 10 વર્ષ પછી સત્તામાં પાછા ફરવાની આશા રાખે છે. જમ્મુ-કાશ્મીરમાં પણ કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ, ભાજપ અને PDPએ જીતનો દાવો કર્યો છે. મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરમાં 873 ઉમેદવારોના ભાવિનો નિર્ણય
જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં કુલ 873 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. આ તમામ ઉમેદવારોની હાર-જીતના પરિણામો આજે જાહેર થશે. કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ, ભાજપ, પીડીપીએ પોતપોતાની જીતનો દાવો કર્યો છે.
હરિયાણામાં 1.031 ઉમેદવારોના ભાવિનો નિર્ણય
હરિયાણાની 90 બેઠકો પર 464 અપક્ષ અને 101 મહિલાઓ સહિત કુલ 1,031 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. આ બેઠકો પર 5 ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થયું હતું. આજે તેમની જીત અને હારનો નિર્ણય થશે.
જમ્મુ-કાશ્મીરમાં બહુકોણીય હરીફાઈની શક્યતા
કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી હરીફાઈને બદલે જમ્મુ-કાશ્મીરની મોટાભાગની સીટો પર બહુકોણીય મુકાબલો થવાની સંભાવના છે. જમ્મુ-કાશ્મીરમાં 90 વિધાનસભા બેઠકો માટે 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે ત્રણ તબક્કામાં મતદાન થયું હતું.
હરિયાણાના 22 જિલ્લામાં 93 મતગણતરી કેન્દ્રો
હરિયાણામાં 22 જિલ્લાના 90 વિધાનસભા મતવિસ્તારોમાં 93 મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. બાદશાહપુર, ગુરુગ્રામ અને પટૌડી વિધાનસભા બેઠકો માટે બે-બે મતગણતરી કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યારે બાકીની 87 બેઠકો માટે એક-એક મતગણતરી કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. મતગણતરી પ્રક્રિયા પર નજર રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા 90 મતગણતરી નિરીક્ષકોની પણ નિમણૂક કરવામાં આવી છે.
આ પણ જૂઓ: ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ ડ્રાફ્ટ રિપોર્ટ તૈયાર, આ તારીખે થઈ શકે છે લાગુ, જાણો શું છે UCC